ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઈન્ડિયા રેડિયો અમદાવાદમાં ભૂતપૂર્વ સ્ટેશન ડિરેક્ટર અને જાણીતા કવિ અને લેખક શ્રી તુષાર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પોતાના વકતવ્યમાં તુષાર શુકલાએ વિદ્યાર્થીઓને રેડિયો વિશે જાણકારીની સાથે એક માધ્યમ તરીકે રેડિયોની વિશ્વનીયતાનો પણ ખ્યાલ આપ્યો હતો. વધુમાં તેમણે માધ્યમ તરીકે રેડિયોની ઓળખ આપતા કહ્યું કે, “અવાજનું માધ્યમ અને વિકાસના કાર્યક્રમોનો અવાજ એટલે રેડિયો”, એમ તેમણે રેડિયોની સશક્ત માધ્યમ તરીકેની ઓળખ આપી હતી.
રેડિયોના ઈતિહાસની સાથે તુષાર શુકલાએ આકાશવાણી સાથેના પોતાના કાર્યકાળ દરમ્યાનના અનુભવો વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં આકાશવાણી વિશે વાત કરતાં “બહુજન હિતાય, બહુજન સુખાય” એ સંસ્કૃત શ્લોકની વાત કરતાં કહ્યું કે, “આકાશવાણીમાં પ્રસારણ થતી દરેક વાત લોકોના હિત અને સંતોષની તથા ધર્મ કે જાતિવાદ ન થાય તેવી હોય છે.” જેનાથી આકાશવાણીમાં પ્રસારણ વખતે શબ્દોના ઉપયોગમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે પણ તેમણે વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમ દરમિયાન અવાજના માધ્યમ તરીકે રેડિયોની વિશ્વસનીયતાની સાથે પ્રત્યાયનના સૌથી જૂના માધ્યમ તરીકે હંમેશા પ્રચલિત એવા રેડિયો પર અસરકારક પ્રત્યાયન કેવી રીતે કરી શકાય તેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ એક માધ્યમકર્મી તરીકેના પોતાના અનુભવો વર્ણવવાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો અને ચર્ચામાં વિકાસના માધ્યમ તરીકે રેડિયોની ભૂમિકાની સાથે શાંતિના માધ્યમ તરીકે પણ તુષાર શુકલાએ રેડિયોનો વિશેષ પરિચય આપ્યો હતો. વિશ્વ રેડિયો દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં પત્રકારત્વ વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યા સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભૂમિકા બારોટ અને ડૉ. કોમલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.