પહેલાના સમયે જેની કલ્પના પણ કરવામાં આવતી ન હતી. તેવી ટેક્નોલોજી છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી વસ્તુઓને શક્ય બનાવી આપણી સમક્ષ મૂકી દીધી છે. આજના આધુનિક યુગમાં માનવીને સ્માર્ટફોન વગર એક પળ પણ ચાલી શકે તેમ નથી. ત્યારે સ્માર્ટફોનમાં ચાર્જિંગ ટેક્નોલોજી વિશે પણ કંઈક આવું જ કહી શકાય. ઘણા ટોચના સ્માર્ટફોન નિર્માતાઓ આવા કેટલાક ચાર્જર તૈયાર કરી રહ્યા છે જે મિનિટોમાં ઉચ્ચ ગુણવત્તાની એન્ડ્રોઇડ સ્માર્ટફોન ચાર્જ કરવાની ક્ષમતા રાખશે. તેવામાં પ્રખ્યાત સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની એક નવા ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરી રહી છે જેમાં જબરદસ્ત ચાર્જિંગ સપોર્ટ જોવા મળશે.
પ્રખ્યાત સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo એક નવા ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. જેની મુખ્ય ખાસિયત તેના જબરદસ્ત ચાર્જિંગ સપોર્ટમાં જોવા મળશે. ડિજિટલ ચેટ સ્ટેશન નામના ચાઈનીઝ ટિપસ્ટરે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર દાવો કરતાં જણાવ્યું છે કે, Vivoના આવનારા પ્રીમિયમ ફોનની અંદર 200W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ચાહકો લાભ લઈ શકશે.
તાજેતરમાં જ ભારતીય માર્કેટમાં Vivoના ફોન Vivo X80 અને Vivo X80 Pro પરથી પણ પડદો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, આ સ્માર્ટફોનમાં માત્ર 80W ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ છે. 200W ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી બાબતે Vivo કંપનીએ અત્યાર સુધી તેની વધુ જાણકારી આપી નથી. પરંતુ ટૂંક સમયમાં કંપની તેની જાહેરાત કરશે એવા એંધાણ વર્તાયા હતાં. જ્યારે માર્કેટમાં ઘણા એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે જે હાઈ ચાર્જ સ્પીડની સુવિધા આપે છે. પરંતુ તેમાં પણ 30W થી 150W સુધી ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે. જો કે, હાલમાં કોઈપણ સ્માર્ટફોન બ્રાન્ડ 200W ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરતી નથી.