જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા. આ તીર્થંકર ભગવાન 34 અતિશયો વિશેની જાણીકારી મેળવતા પહેલા અતિશયો એટલે શું તે સમજીએ. અતિશયો એટલે વિશિષ્ટ પૂણ્ય પ્રતાપે પ્રાપ્ત થતી વિવિધ બાબતો. આમ તીર્થંકર ભગવંતોની પૂણ્ય પ્રાપ્તીની વિવિધ બાબતો વિશે જાણીએ.
અનંત ઉપકારી પ્રભુ મહાવીર સ્વામીનો 2621 મો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસના રોજ મનાવવામાં આવશે. પ્રભુના જીવન – કવનને આપણે સૌ જાણી – માણી રહ્યાં છીએ. ઉત્કૃષ્ઠ અને સર્વ શ્રેષ્ઠ પૂણ્યના માલિક એટલે તીર્થંકર પરમાત્મા. દરેક તીર્થંકર પરમાત્માને 34 અતિશયો પ્રાપ્ત થાય છે. ચરમ અને પરમ તીર્થંકર શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર સ્વામી પણ 34 અતિશય ધારક હતાં. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, જૈનાગમ શ્રી સમવાયાંગ સૂત્રના 34 માં સમવાયમાં અતિશયોનો નામોલ્લેખ છે.
અતિશય એટલે વિશિષ્ટ પૂણ્ય પ્રતાપે પ્રાપ્ત થતી બાબતો.
આ 34 અતિશયો ક્યાં-ક્યાં છે તે જાણીએ.
1. કેશ, દાઢી, મૂછ, રોમ, નખ વગેરે પ્રમાણથી અધિક વૃદ્ધિ ન થાય.
2. નિર્મળ દેહલતા હોય, નિરામય રોગાદિથી રહિત હોય.
3. લોહી અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત હોય.
4. ઉચ્છવાસ – નિ: શ્વાસ પદ્મકમલ સમાન સુગંધિત હોય.
5. આહાર – નિહાર ચર્મ ચક્ષુથી અદ્રશ્ય હોય.
6. આકાશમાં ધર્મ ચક્ર હોય.
7. આકાશમાં છત્ર હોય.
8. આકાશમાં ઉત્તમ શ્વેત ચામરો વીંજાતા હોય.
9. નિમર્ળ સ્ફટિકમય પાદપીઠયુકત સિંહાસન હોય.
10. આકાશમાં હજાર નાની પતાકાઓથીયુકત ઈન્દ્ર ધ્વજ આગળ ચાલતો હોય.
11. જયાં-જયાં અરિહંત – તીર્થકર પરમાત્મા રોકાય, બેસે ત્યાં-ત્યાં યક્ષ-દેવો પાંદડાં, પુષ્પ, પલ્લવોથી વ્યાપ્ત, છત્ર, ધ્વજા, ઘંટ અને પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોક વૃક્ષ બનાવે છે.
12. મસ્તકની કંઈક પાછળ મુગટના સ્થાને તેજમંડળ – આભામંડળ હોય છે.જે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે.
13. વિહાર – વિચરણનો ભૂમિભાગ એક સરખો અને રમણીય બની જાય.
14. વિહારમાં કાંટા હોય તો અધોમુખ થઈ જાય.
15. શરીરને અનુકૂળ વાતાવરણ થઈ જાય.
16. એક યોજન ભૂમિ શીતલ, સુગંધિત પવનથી સર્વ દિશામાં સંપ્રમાર્જિત થઈ જાય.
17. મંદ, સુગંધિત અચેત પાણીની વર્ષોથી આકાશગત રજ – ધૂળ શમિત થઈ જાય.
18. જલીય, સ્થલીય, પંચવર્ણીય અચેત પુષ્પોથી ગોઠણ સુધીનો ભૂમિ ભાગ પુષ્પ આચ્છાદિત થઈ જાય.
19. અમનોજ્ઞ – અપ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ થઈ જાય.
20. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થઈ જાય.
21. ધર્મોપદેશ સમયે એક યોજન સુધી સંભળાય અને હ્રદયમાં ઉતરી જાય તેવો તીર્થંકર પરમાત્માનો સ્વર હોય.
22. ધર્મોપદેશ અર્ધ માગ્ધી ભાષામાં હોય.
23. અર્ધ માગ્ધી ભાષામાં પીરસાતી તીર્થંકરની જિનવાણી દરેક શ્રોતાઓની પોતપોતાની ભાષામાં Translate – Convert થઈ જાય અને સહેલાઈથી સૌ સમજી જાય. અર્ધ માગ્ધી ભાષા દરેક જીવો માટે હિતકર, સુખદ, ભાષારૂપે પરિણત થઈ જાય.
24. પૂર્વે બાંધેલા વેરવાળા મનુષ્ય, દેવ, નાગ, યક્ષ વગેરે પરસ્પરના વેરને ભૂલીને પ્રશાંત ચિત્તે ધર્મ શ્રવણ કરે છે.
25. અન્ય તીર્થિક લોકો પણ આવીને પ્રભુને વંદન કરે છે.
26. અન્ય તીર્થિક લોકો પ્રભુ સાથે ધર્મ ચર્ચામાં નિરુત્તર બની જાય છે.
27. પચ્ચીસ યોજન સુધી ઈતિ – ભીતિ કે ભય ન હોય.
28. મહામારી કે કોઈ ભયંકર બિમારી ન હોય.
29. પોતાના રાજય – સ્વચક્ર સેનાનો ભય ન હોય.
30. પરચક્ર શત્રુ સેનાનો ભય ન હોય.
31. અતિવૃષ્ટિ ન હોય.
32. અનાવૃષ્ટિ ન હોય.
33. દુષ્કાળ ન પડે.
34. પ્રભુના વિહાર અને વિચરણ પહેલાં થયેલી વ્યાધી વગેરે ઉપદ્રવો પણ જલ્દીથી શાંત થઈ જાય.
ગ્રંથોમાં આ 34 અતિશયોમાંથી અમુક અતિશય તેઓને જન્મથી જ મળે છે તેઓ ઉલ્લેખ છે. જેમાં તેઓ નિર્મળ દેહલતાવાળા અને નિરામય રોગાદિથી રહિત હોય, તેઓનું રક્ત દૂધ જેવું શ્વેત હોય, ઉચ્છવાસ – નિ:શ્વાસ સુગંધિત હોય.જયારે અમુક અતિશયો અરિહંત બન્યાં બાદ પ્રાપ્ત થાય છે અને અમુક અતિશયો દેવકૃત હોય છે.આકાશમાં ધમૅ ચક્ર, છત્ર હોય, શ્વેત ચામરો વીંજાતા હોય, સ્ફટિકમય સિંહાસન હોય, અશોક વૃક્ષ હોય, આભામંડલ હોય, દરેક દિશાઓ પ્રકાશિત થઈ જાય, તીર્થંકર ભગવંતના વિહાર સમયે ભૂમિ એકસરખી અને રમણીય બની જાય.