સમાજવાદી પાર્ટી (SP) એ યુપીમાં આઝમગઢ અને રામપુર લોકસભા પેટાચૂંટણી માટે નામ નક્કી કરી લીધા છે. એસપી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ધર્મેન્દ્ર યાદવને આઝમગઢથી તક આપવામાં આવી છે અને આઝમ ખાનની પત્ની તન્ઝીમ ફાતિમા રામપુરથી દાવ લગાવી શકે છે. બીજું કે, આઝમગઢ સીટ અખિલેશ યાદવ અને રામપુર સીટ આઝમ ખાનના લોકસભા સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી. લોકસભાની આ ખાલી બેઠકો પર 23 જૂને પેટાચૂંટણી યોજવા જઈ રહી છે. તેનું પરિણામ 26 જૂને જાહેર કરવામાં આવશે.
મૈનપુરીથી અને બે વખત બદાઉનથી સાંસદ રહી ચૂકેલાં ધર્મેન્દ્ર યાદવ યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના ભત્રીજા છે. જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યથી હાર્યા હતા. તન્ઝીમ ફાતિમા સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની પત્ની છે. આઝમ ખાને લોકસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ રામપુર બેઠક ખાલી પડી હતી. તેથી જ સપાએ આ બેઠક પરથી તેમની પત્નીને ઉમેદવાર બનાવવાની વાત કરી છે. જો કે, આ સમાચાર હાલમાં જ એસપી સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.