April 20, 2025
Jain World News
Jain TirthankaraJainism

જૈન ધર્મના નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન

જૈન ધર્મનાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન થયાં. તેઓ પુષ્પદંતના નામથી પણ જાણીતા છે. કાકંદી નગરીના મહારાજ સુગ્રીવ એમના પિતા અને રાણી રામાદેવી એમની માતા હતાં. પુષ્કલાવતી વિજયના ભૂપતિ મહાપદ્મના ભવમાં એમણે સંસારથી વિરક્ત થઈ મુનિ જગનંદની પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉચ્ચ કોટિની તપ-સાધના કરીને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંત સમયે અનશન પૂર્વક કાળધર્મ પામી તેઓ વૈજયંત વિમાનમાં અહમિન્દ્ર રૂપમાં ઉત્પન્ન થયા. વૈજયંત વિમાનમાંથી નીકળી મહાપદ્મનો જીવ ફાગણ કૃષ્ણ નવમીએ મૂળ નક્ષત્રમાં રાણી રામાદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયો. રામાદેવીએ એ જ રાત્રે 14 મંગળકારી મહાસ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતા રામાદેવીએ માગશર કૃષ્ણ પંચમીએ મધ્યરાત્રિમાં મૂળ નક્ષત્રમાં પુત્રરત્નને જન્મ આપ્યો. માતા-પિતા તથા દેવ-દેવેન્દ્રોએ એમનો જન્મ આનંદથી ઉજવ્યો અને ૧૦ દિવસ સુધી કાકંદી નગરીમાં આમોદ-પ્રમોદનું વાતાવરણ રહ્યું. બાળકના ગર્ભમાં રહેવાના સમયે માતા બધી વિધિથી સુખપૂર્વક રહી, અતઃ નામકરણના સમયે મહારાજ સુગ્રીવે બાળકનું નામ સુવિધિનાથ રાખ્યું. સાથે જ ગર્ભકાળમાં રાણી રામાદેવીને પુષ્પની ઇચ્છા ઉત્પન્ન થઈ, આથી પુષ્પદંત નામ પણ રાખવામાં આવ્યું. ૫૦ હજાર પૂર્વ વર્ષની એમની આયુ થતા વિવાહ યોગ્ય જાણીને યોગ્ય કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. પછી એમને રાજ્યપદ ઉપર સુશોભિત કરવામાં આવ્યા.

૫૦ હજારથી કંઈક વધારે પૂર્વ વર્ષો સુધી એમણે અલિપ્ત ભાવથી રાજ્યનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું. રાજ્યકાળ બાદ સુવિધિનાથની ઇચ્છા સંયમમાર્ગ અપનાવવાની થઈ. લોકાંતિક દેવોએ પોતાના કર્તવ્યાનુસાર પ્રાર્થના કરી. એમણે વર્ષી દાન આપી એક હજાર રાજાઓની સાથે દીક્ષાર્થે અભિનિષ્ક્રમણ કર્યું. માગશર કૃષ્ણ ષષ્ઠીના દિવસે ભગવાન સહસ્રામ્રવન પહોંચ્યા અને મૂળ નક્ષત્રમાં સંપૂર્ણ પાપોને પરિત્યાગીને સિદ્ધની સાક્ષીથી દીક્ષિત થયા. દીક્ષા ગ્રહણ કરતા જ એમને મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે શ્વેતપુરના રાજાને ત્યાં પ્રભુનું પરમાશથી પારણું થયું. દેવોએ પંચદિવ્યોને પ્રગટ કરી દાનનો મહિમા બતાવ્યો. ચાર માસ સુધી વિવિધ કષ્ટોને સહન કરીને તેઓ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા રહ્યા. પછી એ જ ઉદ્યાનમાં આવી પ્રભુ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ શુક્લધ્યાનથી ઘાતીકર્મોનો ક્ષય કરી માલૂર વૃક્ષની નીચે કારતક શુક્લ તૃતીયાના મૂળ નક્ષત્રમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. કેવળી થઈ સમવસરણમાં પ્રભુએ ધર્મોપદેશ આપ્યો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભાવ-તીર્થંકર કહેવાયા.

પ્રભુના ધર્મપરિવારમાં 88 ગણધર , 7500 કેવળી , 7500 મનઃ પર્યવજ્ઞાની , 8400 અવધિજ્ઞાની, 1500 ચૌદપૂર્વધારી, 13000 વૈક્રિય લબ્ધિધારી, 6000 વાદી, 200000 સાધુ, 120000 સાધ્વીઓ, 229000 શ્રાવક અને 472000 શ્રાવિકાઓ હતાં.

1 લાખમાં થોડાં ઓછાં પૂર્વ સુધી સંયમનું પાલન કરી જ્યારે પ્રભુએ પોતાનો આયુકાળ નજીક જોયો તો એક હજાર મુનિઓની સાથે સમેત શિખર ઉપર 1 મહિનાના અનશન ધારણ કર્યા. પછી યોગ નિરોધ કરીને 4 અઘાતીકર્મોનો ક્ષય કરી ભાદરવા કૃષ્ણ નવમીએ મૂળ નક્ષત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણ પ્રાપ્ત કર્યું. કહેવામાં આવે છે કે કાળદોષના કારણે સુવિધિનાથ પછી શ્રમણધર્મનો વિચ્છેદ થઈ ગયો હતો અને શ્રાવક લોકો ઇચ્છાનુસાર દાન આદિનો ઉપદેશ આપવા લાગ્યા હતા. સંભવ છે કે એ કાળ બ્રાહ્મણ સંસ્કૃતિના પ્રચાર પ્રસારનો પ્રમુખ સમય રહ્યો હોય. દ્વાદશાંગીનો વિચ્છેદ પણ એનું એક કારણ માનવામાં આવે છે.

Related posts

જૈનોની જીત : સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા પર રોક, સમેત શિખર તીર્થ સ્થળ જ રહેશે

admin

મધ્યપ્રદેશના ખડોલ્યામાં આવેલુું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર

admin

ઓનલાઇન પોર્નોગ્રાફી બંધ કરાવવાની પ્રથમ હાકલ કરનાર પદ્મભૂષણ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ

admin

Leave a Comment