સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યાં હતાં. આ દરમિયાન કડોદરા રોડ પરથી સુરત તરફના રસ્તા પર ચાલી રહેલા બે શખ્સો પર પોલીસને શંકા જતા બંનેને રોકીની તપાસ કરી હતી. શખ્સો પાસેના કોલેજ બેગની પોલીસ દ્વારા તપાસ કરતાં તેમાંથી રોકડ રકમ સહિત સોનાના બિસ્કીટ નીકળ્યાં હતાં. આમ સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ફરજ દરમિયાન શંકાના આધારે બે શખ્સોને પકડી તેમની પાસે રહેલાં બેગમાં તપાસ કરતાં રૂ.6388700 રોકડ સહિત 15 સોનાના બિસ્કીટ નીકળ્યાં હતાં.ઉપરાંત પોલીસે વધુ તપાસ કરતાં બે લેપટોપ અને ચાર મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી :
પોલીસ તપાસમાં પકડાયેલાં બંને શખ્સોના નામ પુછતા સુધીર સેંગર અને રજનેશ વાર્ડ હોવાનું જણાવ્યું હતું. આમ સુધીર એ મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો વતની છે. અને રજનેશ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગોપાલગંજનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સારોલી પોલીસે બંને શખ્સોને કુલ 1 કરોડ 16 લાખ 99 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.