કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થાન શ્રી સમેત શિખરજીને તીર્થસ્થાનને ઈકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. જૈનોનું અતિ પવિત્ર સ્થાન ગણવામાં આવતા આ તીર્થસ્થાને જૈન સમુદાયના 20 સંતોએ મોક્ષ લીધો હતો. તેવામાં સરકાર દ્વારા આ તીર્થસ્થાનને પ્રવાસન સ્થળ જાહેર કરતા જૈન સમાજની લાગણીઓ અને આસ્થાને ઠેસ પહોંચી હતી. જેના વિરોધમાં દેશભરમાં જૈન સમાજ દ્વારા ઠેર ઠેર મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
ઝારખંડમાં આવેલું જૈન સમાજનું પવિત્ર તીર્થધામ સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ણય સામે જૈનોએ દેશભરમાં ઉગ્ર દેખાવો કર્યો હતો. જેમાં સમેત શિખરને બચાવવા લાખોથી વધુ જૈન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેવામાં દેશમાં જૈનોના ઉગ્ર વિરોધને પગલે કેન્દ્ર સરકારે વર્ષ 2019ના જાહેરનામાના ખંડ 3ની જોઈવાઈઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે 2019 ના જાહેરનામા પર રાજ્ય સરકાર કાર્યવાહી કરે જણાવ્યું હતું. સમેત શિખર પર પ્રવાસન, ઈકો ટૂરિઝમ પ્રવત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો છે. આમ દેશભરમાં જૈન સમાજના જબરદસ્ત વિરોધ અને જૈનોની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે પારસનાથ હિલ્સ સ્થિત સમેત શિખર પરની બધી જ પ્રવૃત્તિઓને રોકવાનો નિર્ણય કર્યો હતો.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત પછી આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં જૈન સમાજને વિશ્વાસ અપાવ્યો હતો કે મોદી સરકાર સમેત શિખરની પવિત્રતાને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યને આ સ્થળ પર દારૂનું વેચાણ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોને દૂષિત કરવા અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડવા જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને ૨૦૧૯ના જાહેરનામા પર યોગ્ય પગલાં લેવા આગ્રહ કર્યો હતો. તેમણે એમ પણ લખ્યું હતું કે રાજ્યની ૨૦૨૧ની પ્રવાસન નીતિનો જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. આ નીતિમાં આ ધર્મસ્થળને વધુ સારા મેનેજમેન્ટ માટે એક મેનેજમેન્ટ બોર્ડની રચનાની જોગવાઈ હતી. પત્રમાં કહેવાયું હતું કે, રાજ્યના પ્રવાસન સચિવની આગેવાની હેઠળ બોર્ડમાં જૈન સમાજ તરફથી પસંદ કરાયેલા છ બિન શાસકીય સભ્યો હશે, તેમાં એમ પણ કહેવાયું છે કે જૈન સમાજનો વિરોધ પારસનાથ હિલ્સને ઈકો ટૂરિઝમ વિસ્તાર જાહેર કરવા સામે છે. આ જગ્યાએ જ ધર્મસ્થળ છે.
સમેત શિખરને લઈને કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)મંત્રી ઓ. પી. સકલેચાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે PM Narendra Modi સાથે પહેલાંથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર હવે શ્રી સમેદ શિખર તીર્થસ્થળ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તીર્થક્ષેત્રમાં કોઈ બાંધકામનું કામ થશે નહીં અને સ્થળની પવિત્રતા જાળવવા માટે હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે.
Met Jain community members who have been urging to protect the sanctity of Sammed Shikhar.
Assured them that PM Shri @narendramodi ji’s government is committed to preserving and protecting the rights of Jain community over all their religious sites, including Sammed Shikhar. pic.twitter.com/MrxiB616PE
— Bhupender Yadav (@byadavbjp) January 5, 2023
મંત્રી ઓ. પી.સકલેચાએ જણાવ્યું હતું કે, સમેત શિખર એ માત્ર Jain Samaj માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પવિત્ર સ્થળ છે. તેમણે કહ્યું કે ‘એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક બોર્ડ બનાવવામાં આવશે, જેમાં બે લોકો જૈન સમાજ, સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. જે પણ નિર્ણય લેવાનો હશે તે બોર્ડ કરશે. તેમણે કહ્યું કે આ સ્થળ યાત્રાધામ જ રહેશે, પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.