ભગવાન પદ્મપ્રભુ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ થયા. ભગવાન સુપાર્શ્વનાથે આચાર્ય અરિદમનની પાસે સંયમ લઈ વીસ સ્થાનોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ગ્રૈવેયકની આયુ પૂર્ણ કરી ભાદરવાન કૃષ્ણ અષ્ટમીના દિવસે વિશાખા નક્ષત્રમાં વારાસણી નગરીના રાજા પ્રતિષ્ઠસેનની રાણી પૃથ્વીની કુક્ષિમાં પ્રવિષ્ટ થયાં. એજ રાતે મહારાણીએ ચૌદ સ્વપ્ન જોયાં અને ગર્ભકાળની સમાપ્તિએ જેઠ શુક્લ બારસના રોજ વિશાખા નક્ષત્રમાં સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપ્યો.
ગર્ભકાળમાં માતાના પાર્શ્વ શોભન રહ્યાં હોવાથી તેમનું નામ સુપાર્શ્વનાથ રાખ્યું હતું. આ બાદ સુપાર્શ્વનાથ વિવાહ યોગ્ય થતાં તેમના લગ્ન કરાવીને રાજ્યપદની શોંપ્યું હતું. પછી ભગવાન સુપાર્શ્વનાથે ચૌદ લાખ પૂર્વથી થોડાંક વધુ સમય સુધી રાજશ્રીનો ઉપભોગ કરીને પ્રજાને નીતિ અને ધર્મના માર્ગ ઉપર ચાલવાનું શીખવ્યું હતું.
લાંબા સમય સુધી રાજ્ય કર્યા પછી એમને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા થયેલી. આ પહેલા તેમણે લોકાંતિક દેવોના આગ્રહથી 1 વર્ષ સુધી દાન આપ્યું. ત્યારબાદ તેમણે જેઠ શુક્લ તેરશના દિવસે એક હજાર અન્ય રાજાઓની સાથે દીક્ષા માટે નિષ્ક્રમણ કર્યું. પ્રભુએ પંચમુષ્ટિ લોચન કરી સર્વથા પાપોને ત્યાગીને મુનિવત્ર ગ્રહણ કર્યું. બીજા દિવસે પાટલિખંડ નગરના મહારાજા મહેન્દ્રને ત્યાં એમનું પારણું થયું.
ભગવાન સુપાર્શ્વનાથે જ્ઞાનાવરણાદિ ચાર ઘાતીકર્મોનો નાશ કરી ફાગણ શુક્લ છઠ્ઠે વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવ મનુજોની વિશાળ પરિષદમાં ધર્મદર્શના આપીને જડ અને ચેતનનો ભેદ સમજાવતાં કહ્યું કે, “ર્દશ્ય જગતની બધી વસ્તુઓ અહીં સુધી, તન પણ આપણું નથી. બાહ્ય વસ્તુઓની પોતાની માનવી જ દુઃખનું મૂળ કારણ છે.” તેમણે ચતુર્વિધ તીર્થની સ્થાપના કરી ભાવ અરિહંતપદને પ્રાપ્ત કર્યું.
20 લાખ પૂર્વ વર્ષની કુલ આયુમાંથી 5 લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં 14 લાખથી કંઈક અધિક પૂર્વ વર્ષ રાજાના રૂપમાં 20 પૂર્વાંગ ઓછા 1 લાક પૂર્વ સુધી સમ્યકચારિત્રનું પાલન કર્યા. આ પછી જ્યારે પોતાના અંતિમ સમય નિકટ આવવાનાં એધાંણ થતાં તેમણે 1 માસનું અનશન કરીને પાંચસો મુનિઓની સાથે ચાર અઘાતીકર્મોનો નાશ કરી ફાગણ કૃષ્ણ સપ્તમીએ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું.