ભગવાન શ્રી શીતલનાથ પશ્વાત શ્રી શ્રેયાંસનાથ અગિયારમાં તીર્થંકર થયાં. શ્રી શ્રેયાંસનાથ સિદ્રપુરી નગરીના મહારાજા વિષ્ણુની મહારાણી વિષ્ણુદેવીના પુત્ર હતાં. પોતાના પૂર્વભવમાં તેઓ પુષ્કરદ્રીના રાજા નલિનગુલ્મના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં. રાજરોગની જેમ રાજ્યભોગ છોડી ઋષિ વજ્રદંત પાસે દીક્ષા લીધી અને નિર્મોહભાવથી વિચરતા રહીને વીસ સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. અંતે શુભધ્યાનમાં આયુ પૂર્ણ કરી નલિનગુલ્મ મહાશુક્ર કલ્પમાં ઋદ્રિમાન દેવ થયાં.
જેઠ કૃષ્ણ ષષ્ઠીના દિવસે શ્રવણ નક્ષત્રમાં નલિનગુલ્મનો જીવ સ્વર્ગમાંથી નીકળી મહારાણી વિષ્ણુદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયોય માતાએ એ જ રાત્રે 14 મહાસ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતાં ફાગળ કૃષ્ણ બારસે પુત્રરત્નનો જન્મ થયો. બાળકના જન્મથી સમસ્ત રાજપિવારમાં અને રાષ્ટ્રનું શ્રેય કલ્યાણ થયું. અતઃ માતા-પિતાએ બાળકનું નામ શ્રેયાંસનાથ રાખ્યું. શ્રેયાંસનાથ જ્યારે યુવા વસ્થામાં આવ્યાં ત્યારે પિતાએ તેમનાં લગ્ન યોગ્ય કન્યા સાથે કરાવ્યાં. 21 લાખ વર્ષની અવસ્થામાં તેઓ રાજ્યપદના અધિકારી થયાં. 22 લાખ વર્ષ સુધી ન્યાયપૂર્વક રાજ્યનું સંચાલન કર્યું.
ભોગકર્મના ક્ષીણ થવા પર જ્યારે સંયમ ગ્રહણ કરવાની ઉચ્છા કરી ત્યારે મર્યાદા અનુસાર લોકાંતિક દેવોએ એમને પ્રાર્થના કરી. મહારાજે આખું વર્ષ પ્રતિદિન દાન કર્યું અને ફાગણ કૃષ્ણ તેરસે શ્રવણ નક્ષત્રમાં એક હજાર અન્ય રાજાઓની સાથે છટ્ઠની તપસ્યાની સાથે દીક્ષા માટે નિષ્ક્રમણ કર્યું. સહસ્ત્રામ્રવનમાં અશોક વૃક્ષની નીચે સંપૂર્ણ પાપોને ત્યાગીને એમણે વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કર્યાં. દીક્ષાની પશ્રાત 2 મહિના સુધી છદ્મસ્થ અવસ્થામાં એમણે વિભિન્ન કષ્ટોને અચલ સ્થિરભાવથી સહન કરીને ભિન્ન-ભિન્ન સ્થાનોએ વિચરણ કર્યું.