સંભવનાથ ભગવાન વર્તમાન સમયચક્રના ત્રીજા તીર્થંકર હતા. તેનો રંગ સુવર્ણ હતો અને તેની ઉંચાઈ 400 ધનુષ જેટલી હતી. તેમની માતા સેના દેવી અને પિતા શ્રાવસ્તીના રાજા જીતારી હતા. ત્રિમુખ યક્ષ દેવ તેમના શાશન દેવ છે અને દુરીતારી યક્ષિણી અનુક્રમે તેમના શાશન દેવી છે. ભગવાનનું પ્રતીક ઘોડો છે.
ભગવાન શ્રી સંભવનાથ ભગવાન અજિતનાથના ઘણા સમય પછી ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ થયા. એમણે પૂર્વભવમાં રાજા વિપુલવાહનના રૂપમાં ઉચ્ચ કરણીના ફળસ્વરૂપ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. રાજા વિપુલવાહન ક્ષેમપુરીમાં રાજ્ય કરતા હતા. તે ઘણા પ્રજાવત્સલ હતા. એક વખત એમના રાજ્યમાં ભયંકર અકાળ પડયો, જેનાથી વિપુલવાહનને ઘણી ચિંતા થઈ. કરુણાશીલ નૃપતિ પોતાની પ્રજાને ભૂખથી તડપતી ન જોઈ શક્યા. એમણે ભંડારીઓને આજ્ઞા આપી કે, “રાજ્યના અન્નભંડારોને ખોલીને અનાજ પ્રજામાં વહેંચી દેવામાં આવે.’ એમણે સંતો અને પ્રભુ-ભક્તોની પણ નિયમાનુસાર સંભાળ લીધ. સાધુ-સંન્યાસીઓને નિર્દોષ તથા પ્રાસુક આહાર આપવાની વ્યવસ્થા કરી તથા ધર્મનિષ્ઠ લોકો અને સજ્જનોને પોતાની સમક્ષ ખવડાવીને સંતુષ્ટ કરતા. આ રીતે નિર્મળ ભાવથી ચતુર્વિધ સંઘની સેવા કરી એમણે તીર્થંકરપદનું યોગ્ય શુભકર્મ ઉપાર્જિત કરી લીધું. એક વખત આકાશમાં વાદળોને બનતા-બગડતા જોઈ એમને સંસારની નશ્વરતાનું જ્ઞાન થયું અને મનમાં વિરક્તિ ઉત્પન્ન થઈ ગઈ. આચાર્ય સ્વયંપ્રભુની સેવામાં દીક્ષિત થઈ એમણે સંયમધર્મની આરાધના કરી અને અંતે સમાધિ-મરણથી કાળધર્મ પામી નવમ-કલ્પ આનત દેવલોકમાં દેવરૂપમાં ઉત્પન્ન થયા.
જન્મ અને નામકરણ :
વિપુલવાહનના જીવે દેવતાના રૂપમાં આયુ સમાપ્ત કર્યા પછી ફાગણ શુક્લ અષ્ટમીને મૃગશિર નક્ષત્રમાં દેવલોકથી ચ્યવન કરી શ્રાવસ્તી નગરીના મહારાજ જિતારીની મહારાણી સેનાદેવીના ગર્ભમાં પ્રવેશ કર્યો. સેનાદેવીએ તે રાત્રે ચૌદ શુભ સ્વપ્ન જોયા અને મહારાજ જિતારીના મુખે એ સ્વપ્નનું ફળ સાંભળી ઘણી પ્રસન્ન થઈ. નવ મહિના સુધી માતાના ગર્ભમાં રહ્યા પછી માગશર શુક્લ ચતુર્દશી(ચૌદશ)ના અર્ધરાત્રિના સમયે મૃગશિર નક્ષત્રમાં એમનો જન્મ થયો. જ્યારથી તેઓ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યમાં પ્રભૂત (વિપુલ) માત્રામાં સાંબ(ધાન્ય, અનાજ), મગ આદિની ઉત્પત્તિ થઈ અને ભૂમિ ધાન્યથી લચી(લદાઈ ગઈ) પડી, એટલે માતા-પિતાએ એમનું નામ સંભવનાથ રાખ્યું.
વિવાહ, રાજ્ય અને દીક્ષા :
બાળપણ પૂરું કરી જ્યારે સંભવનાથ યુવાન થયા, તો મહારાજ જિતારીએ એમનો પાણિગ્રહણ સંસ્કાર કરાવ્યો અને એમને રાજ્યભાર સોંપી પ્રજ્યા ગ્રહણ કરી. પિતાના આગ્રહથી સંભવનાથે વિવાહ તો કર્યા, સિંહાસનારૂઢ પણ થયા, પણ મનથી સાંસારિક સુખ-ભોગથી વિરક્ત રહ્યા. એમને સંસારનો બધો સુખભોગ વિષ-મિશ્રિત સ્વાદિષ્ટ પકવાનની જેમ પ્રતીત થઈ રહ્યો હતો. સંસારના સુખભોગ ભોગવતી વખતે આનંદદાયક લાગે છે, પણ અંતે તો તે આત્મિક ગુણો માટે ઘાતક હોય છે. કેટલી શરમજનક વાત છે કે મનુષ્ય પ્રચુર પુણ્યથી પ્રાપ્ત પોતાનું દુર્લભ-જીવન પરિગ્રહ અને વિષય-વાસનાઓની પૂર્તિમાં નષ્ટ કરી રહ્યો છે. સંભવનાથે વિચાર્યું કે, ‘તે સ્વયં ત્યાગમાર્ગના પથિક બની જન-જનને પ્રેરણા આપશે અને સંસારને સમ્યક્ બોધ પ્રદાન કરશે.’
આ પ્રમાણે શુભ-ચિંતન અને પ્રજાપાલનના પોતાના નરેશોચિત(રાજાને શોભે એવું) કર્તવ્યનું પાલન કરીને સંભવનાથે ૪૪ લાખ પૂર્વ અને ચાર પૂર્વાંગ સુધી રાજ્યપદનો ઉપયોગ કરીને પછી સ્વયં વિરક્ત થઈ ગયા. માયાનુસાર લોકાંતિક દેવોએ પ્રભુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાનું નિવેદન કર્યું. વર્ષીદાન પછી સંયમમાર્ગ ઉપર અગ્રેસર થવા ઉદ્યત સંભવનાથના ત્યાગથી પ્રભાવિત થઈ અન્ય એક હજાર રાજા પણ એમની જ સાથે માગશર શુક્લ પૂર્ણિમાએ મૃગશિર નક્ષત્રમાં પંચમુષ્ટિ લોચ કરી સંપૂર્ણ પાપકર્મોનો પરિત્યાગ કરી સંયમધર્મમાં દીક્ષિત થઈ ગયા. સંભવનાથના ત્યાગથી દેવ, દેવેન્દ્ર, માનવ બધા પ્રભાવિત થયા. તેઓ ઇન્દ્રિયો અને માનસિક વિકારો ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી મુંડિત થયા હતા. દીક્ષિત થતા જ એમને મનઃપર્યવજ્ઞાન થયું તથા જન-જનના મન પર એમની દીક્ષાનો ઘણો પ્રભાવ પડ્યો. દીક્ષાગ્રહણ કરતી વખતે સંભવનાથને નિર્જળ ષષ્ટ(છટ્ટ) ભક્તનું તપ હતું. દીક્ષાના બીજે દિવસે એમણે શ્રાવસ્તી નગરીમાં રાજા સુરેન્દ્રને ત્યાં પ્રથમ પારણું કર્યું અને તપ કરતા રહીને વિભિન્ન સ્થાનોએ વિહાર કરતા રહ્યા.
કેવળજ્ઞાન :
ચૌદ વર્ષની છદ્મસ્થકાલી કઠોર તપ સાધનાથી પ્રભુ સંભવનાથે ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી કાતરક કૃષ્ણ પંચમીએ મૃગશિર નક્ષત્રના યોગમાં શ્રાવસ્થીમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી. કેવળજ્ઞાની થયાં પછી ધર્મદેશના આપી એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ભાવ-તીર્થંકર કહેવાયા. ભગવાન સંભવનાથનાં મુખ્ય શિષ્ય ચારુજી હતાં. જેમનાં સંઘમાં 102 ગણધર, 15 હજાર કેવળી, 12,150 મનઃપર્યવજ્ઞાની, 9600 અવધિજ્ઞાની, 2150 ચૌગપૂર્વધારી, 19800 વૈક્રિયલબ્ધિધારી, 12 હજાર વાદી, 2 લાખ સાધુ, 3 લાખ 36 હજાર સાધ્વીઓ, 2 લાખ 93 હજાર શ્રાવક અને 6 લાખ 36 હજાર શ્રાવિકાઓ હતાં.
પરિનિવાર્ણ :
એક લાખ પૂર્વમાં ચાર પૂર્વાંગ ઓછા વર્ષો સુધી કેવળીપર્યાયમાં રહીને તેઓ ચૈત્ર શુક્લ છઠ્ઠના રોજ મૃગશિર નક્ષત્રમાં અશનપૂર્વક શુક્લધ્યાનના અંતિમ ચરણમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયાં હતાં. એમણે 15 લાખ વર્ષે પૂર્વ સુધી કુમારવસ્થામાં, ચાર પૂર્વાંગ સહિત 44 લાખ પૂર્વ રાજ્યય-શાસકની અવસ્થામાં અને એક લાખ પૂર્વમાં થોડાંક ઓછા વર્ષ સુધી શ્રમણ અવસ્થામાં વિતાવ્યાં હતાં. આ પ્રમાણે કુલ મેળવીને 60 લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય હતું.