-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પર્શ નગરી નિહાળી ભાવવિભોર બન્યા
સ્પર્શ મહોત્સવ : અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલા 400માં પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. સ્પર્શ મહોત્સવ 15 થી 26 જાન્યુઆરી સુધી શરુ રહેશે. તેવામાં મહોત્સવના પ્રથમ દિવસમાં 2 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
શહેરમાં સ્પર્શ મહોત્સવ નો પ્રારંભ :
શહેરમાં સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થયો છે. તેવામાં મહોત્સવના પહેલા જ દિવસે 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ સાથે પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સહિત 1000 થી અધિક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં હતા. જેમાં માંગલિક દરમિયાન સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક શ્રી કુમારપાલભાઈ વિ. શાહ સહિત 250થી વધુ જૈન સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તકનો લોકાર્પણ સમારોહ એવા સ્પર્શ મહોત્સવ ના પ્રથમ દિવસની ઉજવણી અત્યંત ઉમળકાભેર કરવામાં આવી. પ્રથમ દિવસે દેશના માનનીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વિશેષ હાજરી આપી હતી. તેમના સ્વાગત અર્થે જૈન એલર્ટ બેન્ડના 150 જેટલા સભ્યોએ બેન્ડ-વાજા સાથે તેઓનું ભાવપૂર્ણ અભિવાદન કર્યુ હતું.
સ્પર્શ મહોત્સવ નું ઉદ્ઘાટન :
શહેરના GMDC ખાતે છેલ્લા ઘણા દિવસોથી સ્પર્શ મહોત્સવ ની તૈયારી શરુ હતી. જેમાં 90 એકર વિશાળ જગ્યા પર અદભૂત સ્પર્શ નગરીનું બનાવવામાં આવી છે. ત્યારે સ્પર્શ મહોત્સવ નાં પ્રથમ દિવસે જૈન એલર્ટ ગ્રુપના દેશ – વિદેશથી 15 હજારથી વધુ શિબિરાર્થીઓ સાથે પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મરાહારાજની નિશ્રામાં સ્પર્શ મહોત્સવ નું ઉદ્ઘાટન થયું હતું. સવારે 9.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સ્પર્શ મહોત્સવ લોકો માટે ખુલ્લો રાખવામાં આવશે.

માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ લંડન, અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા સહિતના દેશમાંથી 15 હજારથી વધુ શિબિરાર્થીઓ પરિવાર સાથે ઉત્સાહભેર સ્પર્શ મહોત્સવમાં ભાગ લીધો. આ સાથે 1000 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભારતભરનાં 15થી વધુ રાજ્યના 5000 થી વધુ પરિવારોએ પ્રથમ દિવસે અવસરનો લાભ લીધો હતો. સ્પર્શ મહોત્સવ ના કન્વીનર શ્રી કલ્પેશભાઈ શાહે સાહિત્ય યાત્રા અંગેના અદભૂત રહસ્યો અને ગુરુદેવના શબ્દોની જાદુઈ શક્તિનો પરિચય આપ્યો હતો.
જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબનો લોકોને ઉપદેશ :
પ્રથમ દિવસના પ્રારંભે જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે 25,000 લોકો બિરાજી શકે તેવા વિશાળ પ્રવચન મંડપમાં ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, “જેને પથદર્શક બનાવો તેના પ્રત્યે પારદર્શક રહો. પ્રેમ અને વફાદારી જીવનને ઉન્નત બનાવે છે.” સાથે જ ગુરુદેવશ્રી એ જણાવ્યું હતુ કે, “સાધના અને તપસ્યા ઉપરાંત જીવનમાં પ્રેમ, સકારાત્મકતા, આનંદને અપનાવવો જરૂરી છે. ખોટું કરનારની સાથે પણ નારાજગી ન રાખીએ અને આપણો દરેક આનંદ સકારાત્મક બની રહે તે ખૂબ આવશ્યક છે. પ્રેમ અને વફાદારી એકબીજાથી જોડાયેલા રહે તો યથાર્થ આનંદ પ્રાપ્ત થાય.”

પ્રથમ દિવસે યોજાયેલી પારિવારિક શિબિરમાં ગુરુદેવશ્રીએ માંગલિક સંભળાવ્યા બાદ કહ્યું હતું કે “વર્તમાન માહોલ ને જોતા એમ કહીશું કે પ્રેમ, દુનિયામાં સૌથી વધુ વગોવાયેલો છે, પરંતુ સૌથી વધુ પ્રશંસા પણ પ્રેમની જ થાય છે. કારણ કે જો તેમાં વફાદારી હોય તો રાગ-દ્વેષ દૂર થઇ જાય છે. આપણા માતા-પિતા, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધમાં વફાદારી જળવાશે તો પારિવારિક મૂલ્યોનું વર્ધન થશે.”
પહેલા દિવસે 2 લાખ લોકોની મુલાકાત :
સ્પર્શ મહોત્સવ ના પ્રથમ દિવસે અંદાજે 2 લાખ લોકોએ હાજરી આપી હતી. જેમાં સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થના લોકોએ દર્શન કર્યા હતા. સ્પર્શ મહોત્સવ તેની ભવ્યતા અને વિશાળતા સાથે 26 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે.