જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન ભદ્દિલપુરના રાજા દેઢરથની રાણી નંદાદેવીના પુત્રના હતાં. ભગવાન શ્રી શીતલનાથે પોતાના પૂર્વભવમાં સુસીમા નગરીના મહારાજા પદ્મોત્તરના રૂપમાં ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યા પછી ‘સ્રસ્તાધ’ નામના આચાર્ય પાસે સંયમ ગ્રહણ કરી કઠિન તપ-સાધનાથી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંત સમયમાં અનશન કરી આરાધના પૂર્વક કાળધર્મને પ્રાપ્ત કરી પ્રાણત સ્વર્ગમાં વીસ સાગરની સ્થિતિવાળા દેવ થયા.
વૈશાખ કૃષ્ણ ષષ્ઠીના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રાણત સ્વર્ગથી ચ્યવન કરી પદ્મોત્તરનો જીવ નંદાદેવીના ગર્ભમાં પ્રવિષ્ટ થયો. મહારાણીએ મહામંગલમયી ૧૪ સ્વપ્નો જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતા મહા કૃષ્ણ દ્વાદશીના પૂર્વાષાઢા નક્ષત્રમાં પુત્રરત્નને જન્મ આપ્યો. મહારાજ દંઢરથે ઉમંગ અને ઉત્સાહથી જન્મોત્સવ ઉજવ્યો. મહારાજના શરીરમાં ભયંકર દાહ બળતી હતી, જે વિભિન્ન ઉપ ચારોથી પણ શાંત થઈ ન હતી. પુત્રના ગર્ભકાળમાં એક દિવસ રાણી નંદાદેવીના કર-સ્પર્શમાત્રથી મહારાજની દીર્ઘકાલીન વેદના અને દાહ શાંત થઈ ગયાં અને એમના તન-મનમાં શીતળા છવાઈ ગઈ. અતઃ મહારાજે બાળકનું નામ શીતલનાથ રાખ્યું. શીતલનાથે શૈશવકાળ પૂર્ણ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. માતા પિતાએ યોગ્ય કન્યાઓની સાથે એમના વિવાહ કરાવ્યા. ૨૫ હજાર પૂર્વ સુધી કુંવરપદ પર રહ્યા પછી પિતાના અત્યાગ્રહથી ૫૦ હજાર પૂર્વ સુધી નિર્લિપ્તભાવથી રાજ્યપદ સંભાળ્યું અને પછી ભોગ્યકર્મના ભોગ ક્ષીણ થયા જાણી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી. શીતલનાથની દીક્ષા લેવાની ઇચ્છા જાણી લોકાંતિક દેવે એમને પ્રાર્થના કરી. વર્ષીદાન સમાપ્ત થતા પ્રભુ સહસ્રામ્રવનમાં પહોંચ્યા અને ષષ્ઠભક્ત તપસ્યાની સાથે સંપૂર્ણ પાપોને ત્યાગી મહા કૃષ્ણ દ્વાદશીના પૂર્વાષાઢા નક્ષત્રમાં દીક્ષા ગ્રહણ કરી મુનિ બની ગયા.
દીક્ષા લેતા જ એમને મન: પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે અરિષ્ટપુરના મહારાજ પુનર્વસુને ત્યાં પરમાત્રથી પોતાનું પ્રથમ પારણું સંપન્ન કર્યું. એ પછી 3 માસ છદ્માચર્યામાં જાત-જાતના પરીષહો (કષ્ટો) ને સહન કરીને પુનઃ સહસ્રામ્રવનમાં પહોંચ્યા અને પીપળના વૃક્ષની નીચે શુક્લધ્યાનમાં સ્થિત થઈ ગયા. શુક્લધ્યાનથી ઘાતીકર્મોનો નાશ કરી પ્રભુએ પોષ કૃષ્ણ ચતુર્દશી (ચૌદશે) એ પૂર્વાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળી થઈ પ્રભુએ દેવાસુર-માનવોની વિશાળ સભામાં ધર્મદેશના કરી. એમણે સંસારના નશ્વર પદાર્થોની પ્રીતિને દુ:ખજનક બતાવી, મોક્ષમાર્ગમાં યત્ન કરવાની શિક્ષા આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભાવ-તીર્થંકર કહેવાયા.
૨૫ હજાર પૂર્વમાં થોડા ઓછા સમય સુધી સંયમનું પાલન કરી જ્યારે આયુકાળ નિકટ જોયો ત્યારે પ્રભુએ એક હજાર મુનિઓની સાથે ૧ મહિનાનું અનશન કર્યું. અંતે મન, વચન અને કાયિક યોગોનો નિરોધ કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી વૈશાખ કૃષ્ણ દ્વિતીયાએ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રભુએ સિદ્ધ, બુદ્ધ ને મુક્ત થઈ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. એમના ધર્મપરિવારમાં ૮૧ ગણ અને ગણધર, ૭૦૦૦ કેવળી, ૭૫૦૦ મનઃપર્યવજ્ઞાની, ૭૨૦૦ અવધિજ્ઞાની, ૧૪૦૦ ચૌદપૂર્વધારી, ૧૨૦૦૦ વૈક્રિયલબ્ધિધારી, ૫૮૦૦ વાદી, ૧૦૦૦૦૦ સાધુ, ૧૦૦૦૦૬ સાધ્વીઓ, ૨૮૯૦૦૦ શ્રાવક અને ૪૫૮૦૦૦ શ્રાવિકાઓ હતાં.