7 જાન્યુઆરી, 2023 ના રોજ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ આર્ટ’ઓ ટેરેસ, નટરાજ કલા મંદિર ખાતે સાહિત્યના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્યની સમજને ઉજાગર કરતાં આ “સમુત્થા સાહિત્ય” ઓપન માઈક કાર્યક્રમમાં 10 થી વધુ યુવા કલા મિત્રોએ પોતાની કવિતાઓનો રસાસ્વાદ કરાવ્યો હતો. નટરાજ કલા મંદિર અને ઘણુંબધું સહયોગથી મર્કટ બ્રોસ દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મર્કટ બ્રોસના સહ-સ્થાપક પાર્થ મધુકૃષ્ણ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ આપવાના ધ્યેય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100થી વધુ સાહિત્યપ્રેમી જોડાયા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દધીચી ઠાકર અને નિત્યા ત્રિવેદી ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ તન્મય તિમિર, વિશ્વ વી.એસ. સાહેબ, મહેશ રાજગોર, નિસર્ગ ભટ્ટ, કેયુર ભોગાયતા, સંજના શાહ, દર્શન પંચાલ અને શિવાની જાની કલાકારોએ કાર્યક્રમમાં પોતાનું ઉમદા પર્ફોર્મન્સ આપી લોકોના હૃદય સુધી પોતાની કલાને પહોંચાડી હતી.