-
શિયાળાની ઠંડીમાં ઓળા-રોટલા ખાવાના લોકો શોખીન, દેશી બાજરાની ખપત પડી
ગામડાના લોકો પહેલાથી જ સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેતા આવ્યા છે. શહેરી અને બહારથી આવતા લોકોમાં ગામડાની એમાંય ખાસ કરીને કાઠિયાવાડની વાનગી ખાવાનાં ખૂબ જ શોખીન હોય છે. શિયાળાની ઋતુમાં ઠંડીની સિઝન જામતા લોકો ઓળા રોટલા ખાવાના વધુ આગ્રહી બને છે. શિયાળાની ઋતુમાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓ, ફાર્મહાઉસની સાથે સાથે લગ્નસરામાં દરેક જગ્યાએ ઓળા રોટલા ખાવાના લોકો વધુ આગ્રહી રહે છે. ત્યારે ગોહિલવાડમાં દેશી બાજરાનું ધૂમ વેચાણ થયું હોવાનું બહાર આવ્યું છે. એટલે કે શિયાળામાં ખાસ ઓળા રોટલા ખાવાના ચાહકોએ શિયાળા દરમિયાન લાખો રૂપિયાના બાજરાની ખરીદી કરી છે.
સૌરાષ્ટ્રના લોકોમાં દેશી બાજરીના રોટલા ખાવાનું વધુ ચલણ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં. તેમાં પ્રતિ વર્ષે ચોમાસાની ઋતુના આગમનથી જ દેશી બાજરીના ઉત્પાદનની પ્રક્રિયા વેગવંતી બને છે. એમાં પણ ખાસ કરીને કેટલાંક ખેડુતો દ્વારા પોતાના ઘરવપરાશ માટે આયુર્વેદિક રીતે બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી ખેડૂતો પોતાના પરિવારજનો, બહેનો, દિકરીઓ, સ્વજનો તેમજ પરિચીતોને પણ બાજરી મોકલવાનું ચૂકતા નથી.
ખેતીવાડી ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોહિલવાડમાં દર વર્ષની જેમ આ વર્ષ પણે દેશી બાજરીના વેચાણમાં ધોમ વધારો થયો છે. બાજરીના ધૂમ ઉત્પાદન બાદ તેની સારી આવકમાંથી ખેડૂતો દિકરીના આણા માટે અલગ રકમ એકત્ર કરી શકે છે. ઘણાં એવા પરિવારો છે કે, તેઓ શિયાળા ઉપરાંત અન્ય સિઝનમાં બીજી ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરે છે. પરંતુ શિયાળાની ઋતુમાં આ વિસ્તારના ગામડાના લોકોએ વધુ દેશી બાજરીના આગ્રહી હોય છે. ઘંઉ, ચોખા, મકાઈ અને જુવાર કરતા પણ સર્વાધિક ગુણકારી અને પૌષ્ટિક બાજરીમાંથી સૌથી વધુ એટલે કે, 361 કિલો કેલરી મળતી હોય શકિત માટે તે સમૃધ્ધ છે. આગળ વાતે કરીએ તો, બાજરીના રોટલા ખાવાથી શરીરને અંદરથી ગરમ રાખે છે અને બાજરાના સેવનથી વજન પણ વધતુ નથી.