શ્રી રાયણ પગલા નું સ્તવન
નીલુડી રાયણ તરૂ તળે સુરસુંદરી..
પીલુડા પ્રભુના પાય રે ગુણમંજરી..
ઉજ્જવળ ધ્યાને ધ્યાઈએ, સુણસુંદરી.
એહી જ મુક્તિ ઉપાય રે, ગુણમંજરી. 1.
શીતળ છાયે બેસીએ સુણસુંદરી
રાતડો કરી મન રંગ રે ગુણમંજરી
પૂજીએ સોવન ફૂલડે સુણસુંદરી
જેમ હોય પાવન અંગ રે ગુણમંજરી.. 2.
ખીર ઝરે જેહ ઉપરે સુણસુંદરી
નેહ ધરીને એહ રે ગુણમંજરી
ત્રીજે ભવે તે શિવલહે સુણસુંદરી
થાયે નિર્મળ દેહ રે ગુણમંજરી.. 3.
પ્રીત ધરી પ્રદક્ષિણા સુણસુંદરી
દીએ એહને જે સાર રે ગુણમંજરી
અભંગ પ્રીતિ હોય તેહને સુણસુંદરી
ભવોભવ તુમ આધાર રે ગુણમંજરી.. 4.
કુસુમ પત્ર ફળ મંજરી સુણસુંદરી
શાખા થડને મૂળ રે ગુણમંજરી
દેવ તણા વાસાય છે સુણસુંદરી
તીરથને અનુકૂળ રે ગુણમંજરી.. 5.
તીરથ ધ્યાન ધરો મુદા સુણસુંદરી
સેવો એહની છાંય રે ગુણમંજરી
“જ્ઞાનવિમલ” ગુણ ભાખીયો સુણસુંદરી
શત્રુંજય મહાત્મ્ય માંય રે ગુણમંજરી.. 6.
નીલુડી રાયણ તરૂ તળે….
શ્રી રાયણ પગલા ના સ્તવન એટલે શું ?
હે ગુણની મંજરી સમાન સુંદરી ! તું મારી વાત સાંભળ.
શત્રુંજય તીર્થાધિરાજ ઉપર લીલાછમ રાયણવૃક્ષની નીચે ખૂબ સુંદર ઋષભદેવ પ્રભુના જે પગલા છે એમનું ઉજ્જવળ શુભધ્યાન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, કારણ કે એ ધ્યાન મોક્ષનું કારણ છે. (1)
એ વૃક્ષની ઠંડી છાયામાં બેસીને મન એકાગ્ર કરીને એ પ્રભુજીના પગલા પૂજવાથી આપણી કાયા પવિત્ર બને છે. (2)
એ વૃક્ષની છાયામાં સ્નેહપૂર્વક રહેલા જે ભવ્યપ્રાણી ઉપર વૃક્ષમાંથી નીકળતું દૂધ ઝરે છે એ પ્રાણી ત્રીજાભવે મોક્ષને પ્રાપ્ત કરે છે અને એની કાયા નિર્મળ બને છે. (3)
જે ભવ્યપ્રાણી પ્રીતિપૂર્વક અને સુંદર ભાવથી વૃક્ષને પ્રદક્ષિણા દે છે તેને ભવોભવના આધાર સ્વરૂપ આ તીર્થાધિરાજ ઉપર અખંડિત પ્રીતિ ઉત્પન્ન થાય છે. (4)
આ રાયણના વૃક્ષના પુષ્પો, પત્રો, ફળો, મંજરી, શાખા, થડ, મૂળ વગેરેમાં તીર્થની અનુકૂળ સેવા કરવાવાળા અનેકાનેક દેવો નિવાસ કરે છે. (5)
કવિપ્રવરશ્રી જ્ઞાનવિમળ મ.કહે છે – ‘હે ભવ્યો ! તમો આનંદપૂર્વક શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરો, એની શીતળ છાયામાં રહી એની સેવા કરો એના ફળરૂપે તમને કેવળજ્ઞાન મળશે એમ શત્રુંજય માહાત્મ્ય ગ્રંથ જણાવે છે.’ (6)
સંકલન : સોનુ ભીમાણી