રાજકોટની હોટલમાં રંગબેરંગી, સુગંધીદાર, ચટાકેદાર ખોરાક ખાવાના શોખીનો ચેતી જજો. રાજકોટ મહાનગર પાલિકાએ એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં યાજ્ઞીક રોડ પરના સર્વેશ્વર ચોકમાં આવેલા સન્ની પાજી દા ધાબામાં બનાવવામાં આવતી પંજાબી રેડ ગ્રેવી તથા મંચુરિયનનાં નમુનાની ચકાસણી લેબોરેટરીમાં કરવામાં આવી હતી. જેમાં માત્ર હળદર, મરચાં ઉપરાંત કુદરતી કલરને બદલે સિન્થેટીક ફૂડ કલર મળતા રૂ. 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મનપા સૂત્રો અનુસાર નમુના આપનાર અમનદીપસિંહ કુલવંતસિંહને સહિત પેઢીના નોમીની ચરણપ્રીતસિંઘ ઉજાગરસિંઘ અને ફૂડ પાર્સલની ભાગીદારી પેઢી મળી કૂલ રૂ. 6 લાખનો દંડ એજ્યુડિકેટીંગ ઓફિસર દ્વારા ફટકારાયો છે.
જ્યારે માલધારી રેલવે ક્રોસિંગ નજીક, કોઠારીયા રોડ પર સુગંધ એન્ટરપ્રાઈઝ માંથી જીરુના નમુનાની તપાસ કરાઈ હતી. જેમાં ઉતતરતી ગુણવત્તાનું જીરુ વાપરતા હોવાનું જણાતા નીલેશભાઈ છગનભાઈ અમૃતિયા અને ઉત્પાદક સુગંધ એન્ટરપ્રાઈઝને સંયુક્ત રીતે રૂ. 10 હજારનો દંડ કરાયો છે.
ઉપરાંત નાનામવા મેઈનરોડ ખાતેના પીજીવીસીએસ સામે આવેલાં જય દ્વારકાધીશ નાસ્તા ગૃહમાંથી ગાયનું ઘી તરીકે વેચાતા ઘીની લેબોરેટરીમાં ચકાસણી કરતા તેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ ખુલી હતી. આમ ઘી નબળી ગુણવત્તાનું નીકળતા પેઢીના માલિક વિજયભાઈ મસરીભાઈ જોગલને રૂ. 15000 નો દંડ કરાયો છે.