-
પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ માતા-પિતાના સ્મરણાર્થે વૃક્ષારોપણ કર્યુ આયોજન
-
રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના લોકો વૃક્ષારોપણમાં સહભાગી બન્યાં
સુરેન્દ્રનગરના પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં. પ્રકૃતિ પ્રેમી દિકરાએ પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારે ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. આમ પીપળીધામના ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવાની પ્રવૃતિ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ તેમના માતા રંભાબહેન તથા પિતા ગોવિંદભાઈ નાનજીભાઈ સાદરીયાના પુણ્ય સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં લીમડો, પીપળો, ઉમરો, ગુલમોર, બોરસલી, વડ વગેરે જેવા 400થી વધુ અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. તેમજ ગામલોકોને રોપાનું વિતરણ કરવાની સાથે વૃક્ષની જાળવણી માટે જાળી મુકાવામાં આવી હતી. પર્યાવરણ જાળવણીના આ કાર્યમાં ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનોએ વૃક્ષોના ઉછેરની પણ જવાબદારી સ્વીકારી હતી. વૃક્ષારોપણના કાર્યક્રમમાં રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના રહેવાસી લક્ષ્મણભાઈ, વાસુદેવભાઈ, રામજીભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ વગેરે લોકો વૃક્ષારોપણમાં સહભાગી બની વૃક્ષારોપણ કર્યું હતું.