April 14, 2025
Jain World News
Jain TirthankaraJainism

જૈન ધર્મના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

ભગવાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાન સુપાર્શ્વનાથ પછી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી થયાં. પોતાના પૂર્વભવમાં ધાતકીખંડમાં મંગળાવતી નગરીના મહારાજ પદ્મના રૂપમાં એમણે ઉચ્ચ યોગોની સાધનાઓનાં ફળ સ્વરૂપે એમને વૈરાગ્ય પ્રાપ્ત થયું. એમણે યુગંધર મુનિની પાસે સંયમ ગ્રહણ કરી દીર્ઘકાળ સુધી ચારિત્રધર્મનું પાલન કરીને વીસ સ્થાનોની આરાધના કરી અને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંત સમયની આરાધનાથી કાળધર્મ પ્રાપ્ત કરી તેઓ વિજય વિમાનમાં અહમિન્દ્રરૂપમાં ઉત્પન્ન થયા. વિજય વિમાનમાંથી ઊતરી મહારાજ પદ્મનો જીવ ચૈત્ર કૃષ્ણ પંચમીએ અનુરાધા નક્ષત્રમાં ચંદ્રપુરીના રાજા મહાસેનની રાણી સુલક્ષણાને ત્યાં ગર્ભરૂપમાં ઉત્પન્ન થયો. રાણીએ એજ રાત્રે ચૌદ મહાશુભ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતાં મહારાણી સુલક્ષણાએ પોષ કૃષ્ણ બારશનાં દિવસે અનુરાધા નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે પુત્રરત્નને જન્મ આપ્યો. જેનો જન્મોત્સવ અતિ-પાંડુ-કંબલ-શિલા ઉપર દેવ-દેવેન્દ્રોએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. મહારાજ પદ્મસેને બારમા દિવસે પુત્રના નામકરણ માટે લોકોને નિયંત્રિત કરી કહ્યું કે, “બાળકની માતાએ ગર્ભકાળમાં ચંદ્રપાનની ઇચ્છા પૂર્ણ કરી તથા બાળકના શરીરની પ્રભા પણ ચંદ્ર જેવી છે, જેથી બાળકનું નામ ચંદ્રપ્રભુ રાખવામાં આવ્યું.”

યુવાવસ્થા પ્રાપ્ત કરતાની સાથે મહારાજે ચંદ્રપ્રભુના વિવાહ ઉત્તમ રાજકન્યાઓ સાથે કરાવ્યાં પછી અઢી લાખ પૂર્વ વર્ષ સુધી યુવરાજપદ પર રહ્યાં. પછી એમને રાજ્યપ્રદ ઉપર અભિષિક્ત કરવામાં આવ્યાં. 6 લાખ પૂર્વ વર્ષથી થોડા વધુ સમય સુધી એમણે રાજ્ય-સંચાલન કરીને નીતિ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. સંસારનાં ભોગકર્મ ક્ષીણ થયાં જાણી પ્રભુએ શ્રમણ દીક્ષાનો સંકલ્પ કર્યો. લોકાંતિક દેવોની પ્રાર્થના અને વર્ષીદાન પછી એક હજાર રાજાઓની સાથે ષષ્ટમભક્તની તપસ્યાથી એમનું અભિનિષ્ક્રમણ થયું. પોષ કૃષ્ણ તેરશના અનુરાધા નક્ષત્રમાં સંપૂર્ણ પાપકર્મોને પરિત્યાગ કરીને ભગવાન ચંદ્રપ્રભુએ દીક્ષા લીધી. દીક્ષાના બીજા દિવસે પદ્મખંડના સોમદત્ત રાજાને ત્યાં ક્ષીરાત્રથી એમનું પારણું થયું. દેવોએ પંચદિવ્યોની વર્ષા કરી દાનનો મહિમા પ્રગટ કર્યો. ત્રણ મહિના સુધી છદ્મસ્થચર્યામાં વિચરણ કર્યા પછી પ્રભુ ચંદ્રપ્રભુ સહસ્રામ્રવનમાં પધાર્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષની નીચે શુક્લધ્યાનમાં ધ્યાના વસ્થિત થઈ ગયા.

ફાગણ કૃષ્ણ સપ્તમીએ જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી એમણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી. પછી દેવ-માનવોની વિશાળ સભામાં શ્રુત અને ચારિત્રધર્મની દેશના આપી એમણે તીર્થની સ્થાપના કરી. 1 લાખમાં થોડાં ઓછાં પૂર્વ વર્ષ સુધી કેવળીપર્યાયમાં રહી પ્રભુએ જીવોનું કલ્યાણ કર્યું.

એમના ધર્મપરિવારમાં 93 ગણ અને ગણધર, 10000 કેવળી, 8000 મન:પર્યવજ્ઞાની, 8000 અવધિજ્ઞાની, 2000 ચૌદપૂર્વધારી, 14000 વૈક્રિયલબ્ધિધારી, 7600 વાદી, 250000 સાધુ, 380000 સાધ્વીઓ, 250000 શ્રાવક અને 491000 શ્રાવિકાઓ હતાં. જે સમયે પ્રભુએ પોતાના જીવનનો અંતકાળ સમીપ જોયો, એ સમયે સમેત શિખર પર એક હજાર મુનિઓની સાથે 1 મહિનાનું અનશન કર્યું અને અયોગી દશામાં ચાર અઘાતીકર્મોનો ક્ષય કરી ભાદરવા કૃષ્ણ સપ્તમીએ અનુરાધા નક્ષત્રમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. એમની કુલ વય 10 લાખ પૂર્વ વર્ષની હતી, જેમાંથી અઢી લાખ પૂર્વ વર્ષ સુધી યુવરાજપદ પર ને સાડા છ લાખ પૂર્વ વર્ષ રાજ્યપદ પર રહ્યા તથા 1 લાખ પૂર્વમાં થોડાં ઓછાં વર્ષ સુધી પ્રભુએ ચારિત્રધર્મનું પાલન કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું.

Related posts

મહારાષ્ટ્રના નાગોથાણા ખાતેનું શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જૈન દેરાસર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 36 કિમી દૂર

admin

શ્રી રાયણ પગલા ના સ્તવન વિશે તમે શું જાણો છો?

admin

સ્પર્શ મહોત્સવ : આવતી કાલે આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે | Sparsh Mahotsav Ahmedabad

admin

Leave a Comment