-
લંડનના સમર્થ નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો પોતાના આગલા જન્મમાં જૈન થવા માગે છે. | Jain Dharm
દરેક ધર્મની પોતાની આગવી ઓળખ હોય છે. જેમાં તે પોતાના સિદ્ધાંતોનું પાલન કરીને તેને અનુસરતાં હોય છે. જૈન ધર્મ (Jainism) એ અહિંસા પરમો ધર્મના સિંદ્ધાતને અનુસરે છે. ત્યારે શું જૈન ધર્મને વિશ્વ ધર્મ કહી શકાય? ચાલો તેના વિશે જાણીએ. ન્યાય વિશારદ શિબિરના આદ્યપ્રણેતા પ.પૂ. આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત પુસ્તક “જૈન ધર્મનો પરિચય”માં તેમણે ‘શું જૈન ધર્મ વિશ્વ ધર્મ કહી શકાય?’ તે બાબતે લખ્યું છે કે, હા જૈન ધર્મને વિશ્વ ધર્મ કહી શકાય. જેમાં તેઓએ જૈન ધર્મને વિશ્વ ધર્મમાં સ્થાન આપતાં તારણો પણ મુક્યાં હતાં. જેના વિશે માહિતી મેળવીએ.
- જૈન ધર્મમાં વિશ્વનું યથાસ્થિત સ્વરૂપ રજૂ થયું છે.
- સમસ્ત વિશ્વને ગ્રાહ્ય એવા સર્વવ્યાપી નિયમો તેમાં ફરમાવ્યાં છે.
- એમાં ધર્મ પ્રણેતા તરીકે અને આરાધ્ય ઈષ્ટદેવ તરીકે કોઈ એર સ્થાપિત વ્યક્તિ નથી. પરંતું આરાધ્ય અને પ્રણેતા તરીકે જે ચોક્કસ ગુણો અને વિશેષતા જોઈએ તે વીતરાગતા, સર્વજ્ઞતા, સત્યવાદિતા આદિ વિશેષ ગુણોવાળાને જ ઇષ્ટદેવ અને પ્રણેતા માનવામાં આવ્યાં છે.
- એમાં વિશ્વના પ્રાથમિક પ્રારંભિક યોગ્યતાવાળા જીવથી માંડીને ક્રમશઃ સર્વોચ્ચ ક્ક્ષા સુધી પહોંચેલા જીવોનું હિત થાય એવી અને પાલનમાં ઉતારી શકે એવી વિવિધ કક્ષાવાળી સાધના બતાવી છે.
- એમાં સમસ્ત વિશ્વના યુક્તિસિદ્ધ અને સદ્બૂત અર્થાત્ ખરેખર વિદ્યમાન તત્વો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
- જૈન ધર્મમાં વિશ્વની દુઃખદ સમસ્યાનો ઉકેલ લાવી શકાય એવા અનેકાંતવાદાદિ સિદ્ધાંત અને અહિંસા અપરિગ્રહાદિરૂપ આચારમર્યાદા જોવા મળે છે.
આથી જૈન ધર્મને વિશ્વ હિતાકારી વિશ્વ ધર્મ કહી શકાય. આ બાબતે ગાંધીજીના પુત્ર દેવીદાસે લંડનના સમર્થ નાટ્યકાર અને ચિંતક જ્યોર્જ બર્નાડ શોને “જો પરલોક જેવી વસ્તુ હોય તો તમે આ જન્મ પછી ક્યાં જન્મ થાય તે ઈચ્છો છો?“ પૂછતાં બર્નાડ શોએ “તો હું જૈન થવા માગું છું” તેમ જણાવ્યું હતું.
બર્નાડ શોએ કહ્યું કે, “જૈન ધર્મમાં ઈશ્વર પરમાત્મા બનવાનો ઈજારો પરવાનો કોઈપણ એક વ્યક્તિને નથી અપાયો. પરંતું વિશિષ્ટ યોગ્યતાવાળો કોઈપણ મનુષ્ય આત્માની ઉન્નતિ-ઉધર્વીકરણ કરીને પરમાત્મા બની શકે છે. તો એમાં જ નંબર ના લગાવું? તેમજ એ માટે જૈન ધર્મમાં આચરી શકાય એવો વ્યવસ્થિત ક્રમિક સાધના માર્ગ બતાવ્યો છે, જે વૈજ્ઞાનિક પણ છે. એવો વ્યવસ્થિત સક્રિય ક્રમિક અને વૈજ્ઞાનિક સાધનામાર્ગ બીજે નથી.”