Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરો થયા. દરેક તીર્થંકર ભગવાનના નામ રાખવા પાછળ રહસ્ય છુપાયેલા છે. જેના વિશેની માહિતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે હશે. ત્યારે આપણે આજે જૈન ધર્મના ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા અને આ નામ રાખવા પાછળનું કારણ શું છે તે જાણીએ.
(1) શ્રી ઋષભદેવ પ્રભુ
સાથળમાં વૃષભનું ચિહ્ન હતું. ચૌદ સ્વપ્નમાં માતા મરૂદેવાએ પ્રથમ સ્વપ્ને વૃષભને જોયો. તથા 18 કોડાકોડિ સાગરોપમ પછી કે પહેલા ધર્મની શરૂઆત કરી તેથી આદિનાથ પણ કહેવાય છે.
(2) શ્રી અજિતનાથ પ્રભુ
માતા વિજયારાણી પિતા જિતશત્રુની સાથે સોગઠા બાજીમાં રમતા રાણી રાજાને જીતવા જ લાગી હાર્યા નહિં. તેમ રાગાદિ શત્રુઓને પણ પ્રભુએ જીતી લીધા.
(3) શ્રી સંભવનાથ પ્રભુ
પ્રભુનો જન્મ થવાથી સર્વત્ર ધન-ધાન્ય પેદા થવા લાગ્યું-અછત-દુષ્કાળ નષ્ટ થયો અને સારાં લક્ષણોનો સંભવ છે માટે સંભવનામ પડ્યું.
(4) શ્રી અભિનંદન પ્રભુ
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ઈન્દ્રદેવ વારંવાર આવીને સ્તુતિ કરવા લાગ્યા અને કુળ નગરી રાજ્ય – સર્વ લોકો હર્ષ પામ્યા અભિનંદન આપવા લાગ્યા.
(5) શ્રી સુમતિનાથ પ્રભુ
માતાને એકવાર વિષમ ઘટનાનો ચુકાદો આપવામાં બુદ્ધિ સારી ઉપજી ઝઘડો શાંત થયો.
(6) શ્રી પદ્મપ્રભ સ્વામી પ્રભુ
માતાને કમલ પત્રમાં સુવાની ઈચ્છા થઈ અને પ્રભુ કમળની જેમ નિર્લેપ નિર્મોહ બન્યા.
(7) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ
માતાનાં બંને પડખા રોગથી વ્યાપ્ત હતાં પણ ઉદરમાં પધારતાં જ નિરોગી બન્યા સુવર્ણમય દેખાયા.
(8) શ્રી ચંદ્રપ્રભ સ્વામી
માતાને ચંદ્રના કિરણોનું રસપાન કરવાની ઈચ્છા થઈ અને શીતલતાનો અનુભવ થયો.
(9) શ્રી સુવિધિનાથ પ્રભુ
ગર્ભમાં શુભ ક્રિયાઓ કરવાના ભાવ થયા અને પ્રભુજી શુભ ક્રિયા કરનારા થયા.
(10) શ્રી શીતલનાથ પ્રભુ
પિતાજીનો દાહજવર, માતાના હસ્ત સ્પર્શથી શાંત થઈ ગયો અને જગતના ત્રિવિધ તાપને પણ શાંત કર્યા.
(11) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ
કોઈક દેવસ્થાપિત શય્યાની પૂજા થતી પણ કોઈ ઉપભોગ ન કરી શકે માતાએ ઉપભોગ કરી તો પણ ગર્ભ પ્રભાવે કંઈ ન થયું ઉપરથી જગતનું કલ્યાણ થયું.
(12) શ્રી વાસુપૂજ્ય પ્રભુ
ઈન્દ્રે આવી વારંવાર રત્ન (ધન) ની વર્ષા કરી, અને પિતા વાસુદેવ ઉપરથી વાસુપૂજ્ય નામ પાડ્યું.
(13) શ્રી વિમલનાથ પ્રભુ
માતાના તન-મન ગર્ભથી નિર્મળ થયા અને પ્રભુએ વિમલ બુદ્ધિથી કર્મ મળનો નાશ કર્યો.
(14) શ્રી અનંતનાથ પ્રભુ
માતાએ અનંત મણિ રત્નોની સ્વપ્નમાં માળા જોઈ અને અનંતગાંઠના દોરા કરી બાંધ્યા, લોકોના તાવ વગેરે દૂર થયું. પ્રભુએ રત્નત્રયીની અનંત આરાધના કરી. Tirthankara
(15) શ્રી ધર્મનાથ પ્રભુ
માતા વધારે ધર્મ ઉપર પ્રીતિ – પ્રેમવાળા થયા પ્રભુને ધર્મનો સહજ સ્વભાવ હતો.
(16) શ્રી શાંતિનાથ પ્રભુ
દેશમાં રહેલા સર્વ રોગો ઉપદ્રવો ગર્ભસમયે દૂર થયાં, સર્વત્ર શાંતિ ફેલાઈ.
(17) શ્રી કુંથુનાથ પ્રભુ
સ્વપ્નમાં રત્નનો મોટો સ્તૂપ (થાંભલો) જોયો, શત્રુઓ કુંથુ જેવા નાના થઈ ગયા અને નાના નાના સૂક્ષ્મ જીવોની જયણા દેશમાં પ્રવર્તી.
(18) શ્રી અરનાથ પ્રભુ
સ્વપ્નમાં રત્નમય ચક્ર (આરો) તથા સ્તૂપ જોયા, અને વંશની વિશેષ વૃદ્ધિ થઈ. Tirthankara
(19) શ્રી મલ્લિનાથ પ્રભુ
માતાએ છે ઋતુના ફૂલોની શય્યામાં સુવાનો દોહદ, દેવોએ પૂર્ણ કર્યો તથા પ્રભુએ મોહાદિ મલ્લો જીત્યા હોવાથી.
(20) શ્રી મુનિસુવ્રત સ્વામી
માતાને ઉત્તમ વ્રતો પાલન કરવાની ઈચ્છા થઈ, અને બાર વ્રતો પાલન કરવા લાગ્યા.
(21) શ્રી નમિનાથ પ્રભુ
માતાને કિલ્લા ઉપર ફરતા જાઈને શત્રુઓ માતાનું તેજ સહન કરી શક્યા નહિ, નમી ગયા અને પ્રભુએ પણ રાગ-દ્વેષને નમાવી દીધેલા.
(22) શ્રી નેમિનાથ પ્રભુ(અરિષ્ટ)
માતાએ સ્વપ્નમાં અરિષ્ટ-કાળારત્નને જોયું, ઉજળતું ચક્ર જોયું, અને પ્રભુ કર્મનો નાશ કરવામાં ધર્મ ચક્રની ધારા સમાન હોવાથી.
(23) શ્રી પાર્શ્વનાથ પ્રભુ
રાજાની શય્યા પાસેથી માતાએ સર્પને ડસ્યા વિના જતો જોયો.
(24) શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામી
રાજ્ય ભંડારમાં ધન-ધાન્ય ઋદ્ધિ – સિદ્ધિ વધવા જ લાગી. યશ-કીર્તિથી માતા – પિતા પણ વુદ્ધિ પામ્યા અને પ્રભુજી નિર્ભય અડગ અને પરાક્રમી થયા.