કોરોના વાયરસે ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. તેવામાં ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોરોનાને લઈને બેઠક યોજાઈ હતી. બેઠક પછી આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશી પ્રવાસીઓનુ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે, દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડાશે. ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટની યોગ્ય ચકાસણી અને કેન્દ્ર સરકારની ગાયડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવાની સૂચના આપી હતી.
ગાંધીનગરમાં કોરોના વાયરસના વધારાને લઈને બેઠક મળી :
ચીનમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ભારતમાં પણ કોરોના વાયરસને લઈને ચિંતા વર્તાય રહી છે. ત્યારે ગાંધીનગરમાં કોરોના વાયરસ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોવિડની પરિસ્થિતિ, વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વભરમાં વધતા કોરોના વાયરસના કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવીને તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા, તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવાની સાથે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, ચીન, બ્રાઝિલ, જાપાનમાં કોરોનાના કેસ વધ્યા હોઇ રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગે બેઠક કરી છે. જોકે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં દરરોજ 7થી 8 હજાર લોકોનો ટેસ્ટ થાય છે, આ સાથે અત્યારે સિંગલ ડિઝીટમાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું. આ સાથે મહિના દરમિયાન ગુજરાતમાં 40થી 50 કેસ નોંધવાની વચ્ચે હાલ રાજ્યમાં 20 કેસ એક્ટિવ અને દરેક દર્દી ઘરે સારવાર લઇ રહ્યા હોવાનું પણ કહ્યું હતું.