અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનને અનુસરતા અનેક પ્રસંગો અને તેમની મહીમાને વિવિધ ડોમની પ્રવૃતિ અને આર્ટ વડે બતાવવામાં આવ્યું છે. ત્યારે આપણા માનવામાં ન આવે એ રીતે પેકિંગમાં વાપરવામાં આવતા બબલ વ્રેપ મટીરીટલમાંથી પ્રમુખ સ્વામી મહારાજની અદભૂત પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી છે. એમાં પણ ખાસ વાત એ છે આ પેઈન્ટિંગ મહિલા હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
બ્રિટનમાં વસતા BAPS નાં મહિલા ભક્તોએ વિશાળ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ તૈયાર કર્યુ. મહિલા ભક્તોની સખત મહેનત અને સુજબુજથી 1300 કિલો વજન ધરાવતી બબલ વ્રેપ મટિરિયલમાંથી વિશાળ પેઈન્ટિંગ તૈયાર કર્યુ. આ પેઈન્ટિંગ બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો.
બબલ વ્રેપ પેઈન્ટિંગની વિશેષતા :
- 13 મીટર X 7.5 મીટરની સાઈઝ
- 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ
- 141 મહિલાઓએ તૈયાર કર્યું
- આશરે 1,300 કિલોનું પેઈન્ટિંગ
- 6 મહિનાની મહેનત બાદ તૈયાર થયું પેઈન્ટિંગ
11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ :
બ્રિટનમાં બાયો મેડિકલ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતાં દેવિકાબેન પટેલ અન્ય મહિલાઓ સાથે સેવામાં જોડાયાં હતા. તેઓએ જણાવ્યું કે, IT પ્રોગ્રામની મદદથી પહેલા પેઈન્ટિંગનો લે-આઉટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી એક ચોરસ મીટરની લાકડાની ફ્રેમ પર બબલ વ્રેપના ભાગ ચોંટાડવામાં આવ્યા. ત્યારબાદ 320 જુદા જુદા શેડ્સના રંગ નક્કી કરીને રંગ પ્રમાણે શેડ્સ બનાવડાવી ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગની પાછળના ભાગમાંથી તેમાં રંગ પુરવામાં આવ્યાં હતાં. આગળ વાત કરીએ તો, 5 MLના ઈન્જેક્શનમાં રંગ ભરી બહેનોએ આ પેઈન્ટિંગ તૈયાર કર્યું હતું. રંગની કામગીરી પૂર્ણ થયા પછી દોઢ મહિના જેટલો તેને સુકવવા સમય આપ્યો હતો.
આ વિશેષ પેઈન્ટિંગ ફક્ત મહિલાઓ દ્વારા તૈયાર કરાયું હતું. જેમાં વિદેશની ધરતી પર ઉછરેલ 11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા આ સેવામાં જોડાયા હતાં. આ બહેનોએ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ પુરું કરવા 2 ‘સેવાથોન’ રાખ્યાં. મેરેથોનની જેમ ‘સેવાથોન’ એટલે એક ‘સેવાથોન’માં સતત 100 કલાક સુધીની સેવા. ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગના કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપનાર એવા બ્રિટનના યુવાન હરિભક્ત અક્ષયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ પેઈન્ટિંગ 13 મીટર પહોળું અને 7.5 મીટર ઊંચું છે. જેમાં મહિલાઓએ બંને હાથમાં ઈન્જેક્શન પકડી પેઈન્ટિંગમાં રંગ પૂર્યા હતાં.
મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી થયો શુભારંભ :
આ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગમાં ગુરૂહરિ મહંતસ્વામી મહારાજે આશીર્વાદ રૂપી રંગો પૂર્યા હતાં. સુરતમાં જ્યારે તેમની સમક્ષ આ પેઈન્ટિંગની ફ્રેમ રજૂ કરાઈ ત્યારે તેમણે તેમાં રંગ પૂરી અને ભક્તોને આશીર્વાદ સાથે બળ પૂરું પાડીને પેઈન્ટિંગનો શુભારંભ કર્યો હતો.
બ્રિટનથી ભારત સુધીની પેઈન્ટિંગની સફર :
જો કે આટલું વિશાળકાય પેઈન્ટિંગ તૈયાર કર્યા પછી તેને ભારત કઈ રીતે લાવવું એ પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ ભક્તોએ હિંમત ન હારી પેઈન્ટિંગને 104 ફ્રમેમાં વહેંચવાની સાથે પેઈન્ટિંગમાં દર્શાવવામાં આવેલ બબલ ફૂટે નહીં તે તકેદારી રાખી પેઈન્ટિંગને પ્લેન મારફતે અમદાવાદ લવાયું હતું. અલગ અલગ 104 ફ્રેમમાં વહેંચવામાં આવેલી 12.5 કિલો વજન ધરાવતી એક-એક ફ્રેમનું યોગ્ય સાવચેતી સાથે પેકિંગ કરીને પેઈન્ટિંગ અમદાવાદ લાવવામાં આવ્યું હતું.