રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઈપ વડે માર માર્યો હતો. આ ઘટના મામલે હુમલાનો ભોગ બનનારે દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દેવાયત ખવડ 10 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ ન્યાય માટે PMOમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. કેસ PMO સુધી પહોંચતા ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં દેવાયત ખવડને જાહેર કરી શકે છે.
મયૂરસિંહે પોલીસમાં કરેલી ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી. PMO માં લેખિતમાં અરજી કરી હતી. જેમાં મયૂરસિંહે 2021માં ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. PMO સુધી ફરિયાદ કરતા મયૂરસિંહ રાણાએ સમગ્ર ઘટના મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
શું હતો આખો મામલો :
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. તેવામાં અચાનક પાછળથી એક કાર આવી તેમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી માર મારવા લાગ્યા હતા. મયૂરસિંહ પર જાહરેમાં હુમલો કર્યો હતો. ધોકા અને પાઈપ વડે મયૂરસિંહને માર માર્યા પછી દેવાયત ખવડ અને અન્ય એક શખસ કારમાં બેસીને ભાગી ગયા હતા. આ બાદ મયૂરસિંહને લોહિ લૂંહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા દેવાયત ખવડ ગાયબ થઈ ગયો હતો. ઘટનાના 10 દિવસ થયા છતા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી મયૂરસિંહે PMO સુધી લેખિતમાં અરજી કરીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.