સાયબર ક્રાઈમ પોલીસે લોકોને સરળતાથી લોન આપવાની લાલચ આપીને પૈસા પડાવનારી એક ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી કોલ સેન્ટર ચલાવી લોકો પાસેથી ગેરકાયદેસર રીતે લોનની રકમ રિકવર કરાવવા માટે અન્ય બે આરોપીઓને કામે રાખ્યા હતા.
ACP હાર્દિક માકડિયા જણાવ્યું હતું કે, આ એક સુનિયોજીત ગુનો હતો જેમાં આ ગેંગ ભોળા લોકોને દસ્તાવેજ વિના જ સરળતાથી લોન આપવાની લાલચ આપતી હતી. આમ તેમાં એક વખત લોન લેવાય જાય તે બાદ ગેંગ દ્વારા તેમને પરેશાન કરવામાં આવતા હતા. આટલુ જ નહીં તેમની તસવીરો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
લોકોને ઠગવા માટે અલગ અલગ દેશોમાં કોલ સેન્ટર્સ ચલાવતા અબુ સુફિયાન રહેમાન (બિહાર), સંદીપ કુમાર મહાતો (ઝારખંડ) અને લક્ષમણ ચૌહાણ (ઉત્તર પ્રદેશ) આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા પૂછપરછ કરતાં આરોપી પાકિસ્તાન, બાંગ્લાદેશ, તન્ઝાનિયા અને નેપાળ વગેરે દેશોમાં તેમના કોલ સેન્ટર ચલાવતા હતા. મુખ્ય આરોપી અબુ સુફિયાન રહેમાને વર્ષ 2018માં ચાઈનાની મુલાકાત લીધી હતી અને અહીં તેણે ચાઈનિઝ ભાષા પણ શીખી હતી. તે ત્યાં એક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તેણે લોન એપ સ્કેમને અમલમાં મૂકવાની સંપૂર્ણ પદ્ધતિ શીખી લીધી હતી. તે ગ્રાહકોનો ડેટા ચોરી કરતો હતો અને પછી તેમને ધમકી આપવા તે ડેટાનો ઉપયોગ કરતો હતો.