જૈન ધર્મમાં ધર્મ ક્રિયા કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને ઉપકરણો કહેવામાં આવે છે. જેમ ઘર એ રહેવા માટે સંસારનું સાધન છે એમ શરીરની રક્ષા માટે કપડા એ દેહનું સાધન છે. તેવીજ રીતે કોઈ ચોક્કસ ક્રિયાના જે તે ચોક્કસ સાધનો હોય છે. આમ જૈન ધર્મ પ્રમાણે ઉપકરણ એટલે કે, ધર્મ ક્રિયામાં વાપરવામાં આવતા સાધનો.
(1) ઓઘો
સાધુ જીવનનું મુખ્ય પ્રતીક છે. સૂક્ષ્મ – ઝીણા જીવોની જયણા પાળવામાં કામ કરે છે. ઓઘાનું બીજુ નામ રજોહરણ છે. સાધુ-મુનિવરો હરસમયે માથે જ રાખવાનો હોય છે. અને નીચે બેસતાં, કમાડ, બારી, વગેરે ઉઘાડ – બંધ કરતાં જયણાપૂર્વક પૂજવા પ્રમાર્જવા આ ઓઘાનો ઉપયોગ થાય છે. દીક્ષા ગ્રહણ વખતે ગુરુભગવંત વિધિપૂર્વક આપે છે.આ ઓઘામાં એક ચંદનની લાકડી, લાલ કલરનું, હાથે ગુંથેલું, મંગલમય આકુતિઓવાળુ,પાઠું (બનાતનું જાડું કપડું) તેની ઉપર એક સફેદ મલમલનું કપડું અને એક ઉનનું ગરમ કાપડ (ઓઘારીયું) અને બે સુતરાઉ દોરા (નિષેધીયું) આ બધા થી વ્યવસ્થિત પણે તે બાંધેલ હોય છે.
(2) ચરવળો
એક ચોક્કસ આપવાળી અને આકારવાળી કાળાકલરની કે કથ્થઈ રંગની લાકડીના છેકે ઉનની સફેદ દશી (પાતળી દોરી) ઓ બાંધેલ હોય છે. ઓધાની જેવોજ આકાર હોય છે. પણ આ માત્ર ભાઈઓ – બહેનો માટે હોય છે. સુક્ષ્મ જીવરક્ષાના સાધન તરીકે ઉપયોગ કરવાનો હોય છે. સામાયિક -૫તિક્રમણ- પૌષધ વગેરેમાં અવશ્ય રાખવાનો હોય છે. ભાઈઓને ગોળ દાંડી અને બહેનોને ચોરસ દાંડીનો રાખવાનો હોય છે. | ઉપકરણો
(3) મુહપત્તિ

કંઈ પણ બોલતી વખતે મુખ પાસે રાખાવનું આઠ પડવાળુ કપડું તેનાથી વાયુકાયના જીવોની જયણા પાળવાનો હેતુ છે. ઉપાશ્રયની ધર્મક્રિયામાં અવશ્ય મુહપત્તિ રાખવાની હોય છે.
(4) દેડાસન
પાંચ – છ વેંત લાંબી નેતર કે સીસમની લાકડીને છેડે ઓઘા જેવીજ ઉનની દોરી બાંધેલી હોય છે. સાધુ – સાધ્વી કે પૌષધવ્રત લેનારને કાજો ( કચરો) કાઢવા, રાત્રે જમીન ઉપર ફેરવીને જવા-આવવા માટે, આ દેડાસનનો અવશ્ય ઉપયોગ કરવાનો હોય છે. જીવરક્ષાનો હેતું છે.
(5) દાંડો
ગોળ અને ઉપરના ભાગે મેરુ વગેરે ચોક્કસ આકારનો પાંચ કૂટ આસપાસનો લાકડીનો દંડ હોય છે. તે સીસમ વગેરેનો બનેલો હોય છે. દીક્ષાના પ્રથમ દિવસથી સાધુવેશની સાથે જ આપવામાં આવે છે. તે બહાર આવવા – જવા વિહાર – ગૌચરી વગેરેમાં સાધુને સાથે રાખવાનો હોય છે. આ દંડ વિના સાધુને 100 ડગલાથી દૂર જઈ શકાતું નથી. અનિવાર્ય પ્રસંગે સ્થાપીને અમુક ક્રિયા કરી શકાય છે.
(6) કામળી

સાધુ – સાધ્વીજી ભગવંતોના ખભે અથવા આખા અંગે ઢાંકી શકાય તેવું ઉનનું (ગરમ) વસ્ત્ર જેનાથી દેશરક્ષા કરાય છે. આ કામળી વિના પણ 100 ડગલાથી દૂર જવાતું નથી. આના વિવિધ પ્રકારો રહેલા છે.
(7) સંથારીયું
રાત્રિના સુતા (સંથારા) માટે જમીન ઉપર પાથરવાનું ઉનનું ગરમ વસ્ત્ર. જે પ થી ૬ ફુટ લાંબુ હોય છે. ગૃહસ્થ ગાદલા રજાઈ ઉપર સુવે તેમ સાધુ આ સંથારા ઉપર શયન કરે છે. | ઉપકરણો
(8) કપડો
સાધુ ભગવંતને સિવેલા કે ઓટયા વગરનો સવા બે થી અઢી મીટરનો કોટનનો કપડો. જ બુશર્ટ ને સ્થાને આખો સળંગ કપડો, ચોળપટ્ટો પહેર્યા પછી ઉપર પહેરતા હોય છે.