અમદાવાદના ઓગણજ નજીક પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ વિશાળ જગ્યામાં યોજાશે. મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યઆરી 2023 સુધી ચાલુ રહેશે. ત્યારે દર્શનાર્થીઓ માટે એ.એમ.ટી.એસ. ની 250 બસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં દસ રૂપિયામાં લોકો મહોત્સવ સુધી પહોંચી શકશે.
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પાસે 15 ડિસેમ્બરથી 15 જાન્યઆરી એમ એક મહિના સુધી યોજાશે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર્શાનાર્થીઓને પરિવહન માટે ખાસ સગવડ પૂરી પાડવામાં આવશે. પ્રમુખ સ્વામી નગર સુધી ભક્તો અને સ્વંય સેવકો સમયસર પહોંચી શકે તે માટે સવારે 5.30થી 8 વાગ્યાથી રાત્રિના 8થી11 વાગ્યા સુધી વિવિધ રુટમાં 250 બસો ફાળવી છે.
શહેરના વિવિધ વિસ્તારથી બસો દોડાવાશે :
કાલુપુર, સાબરમતી, મણીનગર ઉપરાંત એસ.ટી., રાણીપ, કૃષ્ણનગર સહિત ઝાંસીની રાણીના સ્ટેચ્યુથી પ્રમુખ સ્વામી નગર સુધી બસો દોડાવવામાં આવશે.
આ ઉપરાંત બોપલના વકીલ સાહેબ બ્રિજથી પ્રમુખ સ્વામી નગર સુધી પહોંચવા માટે હરિભક્તોને માત્ર દસ રૂપિયાની ટિકીટ લેવાની રહેશે. જ્યાં કુલ 20 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફાળવવામાં આવેલી બસના પ્રતિ બસ લેખે રૂપિયા 4 હજારનું ભાડું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચૂંકવવામાં આવશે. અમદાવાદ મ્યૂનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન વલ્લભ પટેલે ત્રણ શિફ્ટમાં બસોની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.