વરસીતપ | સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા
લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
400-400 દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.
વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,
શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.
જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.
અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો | વરસીતપ