December 18, 2024
Jain World News
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

ગોકુળના રક્ષકને બહાનું બતાવી દામન્નકને કેમ પોતાના નગર રાજગૃહ મોકલ્યો? શ્રી દામન્નક કથા 89

દામન્નક

હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનદાસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી. તેથી તે શ્રેષ્ઠી પાસે હંમેશાં પચ્ચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુએ અનાગત આદિ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા ફળનું વર્ણન કર્યું. તે સાંભળીને સુનંદે મઘ અને માંસ નહીં ખાવાનું પચ્ચખાણ શુદ્ધભાવથી ગ્રહણ કર્યું.

પછી કોઈ વખત ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. તેથી છઠ્ઠા આરાની જેમ સર્વલોક પ્રાયે માંસભક્ષણ કરનારા થઈ ગયા. સુનંદના સ્વજનો સુધાથી અત્યંત પીડાવા લાગ્યા, તેથી તેણે એક દિવસ ઘણો ઉપાલંભ આપીને તેને સાળા સાથે માછલાં લેવા માટે મોકલ્યો. સુનંદે પાણીમાં જાળ નાખી, પરંતુ જાળમાં ફસાએલાં માછલાં જોઈને તેમને મૂકી દેતો હતો. તે જોઈને તેના સાળાએ કહ્યું કે, હે બનેવી ! તમે કોઈ મૂંડાની, વાક્ય રૂપી જાળમાં ફસાયા છો, તેથી તમારાં સ્ત્રી-પુત્રાદિકને દુઃખ રૂપી જાળમાંથી શી રીતે કાઢી શકશો? જાણ્યું તમારું દયાળુપણું!” વગેરે કહ્યા છતાં પણ તેણે તે દિવસે એકે માછલું પકડ્યું નહીં. તેવી જ રીતે બીજે દિવસે પણ એકે માછલું પકડ્યું નહીં અને કહેવા લાગ્યો કે હું શું કરું? કોઈ વખત મને મત્સ્ય પકડવાનો અભ્યાસ નથી. તે સાંભળીને તેના સ્વજનો તેને શીખવવા લાગ્યાં પણ તેની નિર્મળ ધર્મની ભાવના ગઈ નહીં.

ત્રીજે દિવસે તળાવ પર જઈને જાળ નાખી, તેમાં એક માછલાની પાંખ તુટી ગઈ તે જોઈને સુનંદ અત્યંત શોકાતુર થયો. તેણે સ્વજનોને કહ્યું કે, હું કોઈ વખત પણ આવું હિંસાનું કામ કરીશ નહીં એમ કહી પ્રફુલ્લિત મનથી તેણે નિરવશેષ અનશનનું પચ્ચખાણ કર્યું. અર્થાત્ આહારનો ત્યાગ કર્યો. ત્યાંથી મરીને તે રાજગૃહનગરમાં મણિકાર શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો.

માતાપિતાએ તેનું દામન્નક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષનો થયો. એટલે મહામારીના ઉપદ્રવથી તેનું સર્વ કુટુંબ નાશ પામ્યું. તેથી ભયને લીધે ને પોતાના ઘરમાંથી નાસી ગયો. ફરતાં ફરતાં તે જ નગરમાં સાગરદત્ત નામના શ્રેષ્ઠીને ઘેર આવ્યો, ને નોકરી કરીને આજીવિકા કરવા લાગ્યો. એક દિવસ કોઈ બે મુનિ ગોચરી માટે તે શેઠને ઘેર આવ્યા. તેમાં મોટા સાધુ સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ હતા, તેણે દામન્નકને જોઈને બીજા મનિને કહ્યું કે આ દાસપણાનું કામ કરનાર માણસ છે તે વૃદ્ધિ પામીને આ જ ઘરનો સ્વામી થશે. આ પ્રમાણેનું સાધુનું વચન શ્રેષ્ઠીએ ભીંતની ઓથે ઊભા રહીને સાંભળ્યું, તેથી જાણે વજ્રાઘાત થયો હોય તેમ તેને ઘણો ખેદ થયો. તેણે વિચાર્યું કે, “આ બાળકને કોઈ પણ ઉપાયથી મારી નાખું એટલે બીજનો નાશ કર્યા પછી અંકુર ક્યાંથી આવે ?” એ પ્રમાણે વિચારીને તેણે તે બાળકને લાડુનો લોભ બતાવીને ચાંડાળને ઘેર મોકલ્યો. ત્યાં એક ચાંડાળને તે શ્રેષ્ઠીએ પ્રથમથી દ્રવ્ય આપીને સાધી રાખ્યો હતો અને તેને કહ્યું હતું કે, “હું તારી પાસે મોકલું તે બાળકને મારીને તેની નિશાની મને બતાવજે.” તે બાળકને મૃગલાના બચ્ચાની જેવો મુગ્ધ આકૃતિવાળો જોઈને તે ચાંડાળને દયા આવી, તેથી તેની કનિષ્ટિકા આંગળી કાપી લઈને બાળકને કહ્યું કે, “રે મુગ્ધ ! જો તું જીવવાને ઇચ્છતો હોય તો અહીંથી જલદી નાસી જા.” તે સાંભળીને તે જ સાગર શ્રેષ્ઠીનું ગોકુળ જે ગામમાં હતું તે ગામમાં ગયો. ત્યાં ગોકુળના રક્ષણ કરનારે તેને વિનયી જોઈને પુત્ર તરીકે રાખ્યો. ત્યાં તે સુખે રહેવા લાગ્યો, અનુક્રમે યુવાવસ્થા પામ્યો.

એકદા સાગર શ્રેષ્ઠી ગોકુલમાં આવ્યો, ત્યાં છેદેલી આંગળીના ચિહ્નથી તેણે દામન્તકને ઓળખ્યો. પછી ગોકુળના રક્ષકને કાંઈક કામનું બહાનું બતાવી દામન્નકને પોતાના નગર રાજગૃહ મોકલ્યો. સાથે એક ચિઠ્ઠી દામન્નક ને આપી પોતાના પુત્રને આપવા કહ્યું. દામન્નક કાગળ લઈ ઉતાવળો રાજગૃહે પહોંચ્યો. ઘણું જ ચાલ્યો હોવાથી તેણે પહોંચતાં ઘણો થાક લાગ્યો હતો, તેથી ગામ બહાર ઉદ્યાનમાં કામદેવના મંદિરમાં વિશ્રાંતિ લેવા બેઠો, ત્યાં થાકને લીધે ઊંઘી ગયો. તેવામાં સાગર શ્રેષ્ઠીની વિષા નામની પુત્રી પોતાની ઇચ્છાથી તે જ કામદેવના મંદિરમાં આવી. ત્યાં દામન્નકની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો કાગળ જોઈને તે કાગળ તેણે ધરેથી લઈ લીધો અને કાગળ ખોલી ધીરેથી તે વાંચવા લાગી. “સ્વસ્તિ શ્રી ગોકુળથી લિ. શ્રેષ્ઠી સાગરદત્ત સમુદ્રદત્ત પુત્રને સ્નેહપૂર્વક ફરમાવે છે કે આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે. તેમાં કાંઈ પણ સંદેહ કરીશ નહીં.”

આ પ્રમાણેનો લેખ વાંચીને દામન્નકના રૂપથી મોહિત થયેલી વિષાએ વિષના “ષ” આગળ પોતાની આંખની મેષથી !’ કાનો વધારી દીધો તેથી વિષની જગ્યાએ વિષા વંચાય. પછી તે કાગળ બંધ કરીને હતો તેમ મૂકી દઈ હર્ષથી તે પોતાને ઘેર ગઈ. કેટલીક વારે દામન્નક પણ જાગૃત થયો, એટલે ગામમાં જઈને તેણે શ્રેષ્ઠી પુત્રને તે કાગળ આપ્યો. તે પણ કાગળ વાંચી આનંદ પામ્યો, અને તે જ વખતે લગ્ન લઈને મોટા આડંબરથી પોતાની બહેન વિષાને તેની સાથે પરણાવી. દામન્નક તેની સાથે સુખેથી વિલાસ કરવા લાગ્યો. કેટલેક દિવસે સાગર શ્રેષ્ઠી ઘેર આવ્યો, એટલે વિષાના લગ્નની વાત જાણી તે અતિ ખેદ પામ્યો. તેણે વિચાર્યું કે, “અહો મારું ચિંતવેલું કાર્ય તો ઊલટું થયું, અને આ તો મારો જમાઈ થયો, તો પણ પ્રપંચથી તેણે મારી નાખું. પુત્રી વિધવા ભલે થાય પણ શત્રુની વૃદ્ધિ થાય તે સારું નહીં.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પેલા ચાંડાળ પાસે જઈને કહ્યું કે, “અરે ! તે દિવસે તેં મને આંગળીની નિશાની આપીને છેતર્યો તે ઠીક કર્યું નહીં.”

ચાંડાળ બોલ્યો કે, હે શેઠજી! હવે તેને દેખાડો, હું જરૂર મારી નાખીશ” પછી શ્રેષ્ઠી તેને મારવા માટે માતૃકાદેવીના દેરાનો સંકેત આપીને ઘેર આવ્યા અને દામન્નકને કહ્યું કે, “હે વત્સ ! તું આજે સાંજે વિષા સહિત માતૃકાદેવીના પ્રાસાદમાં પૂજા કરવા જજે, કે જેથી દેવીની કૃપા વડે તમારા બન્નેનું કુશળ થાય.” સાંજે બન્ને દેવીના મંદિરમાં જવાનાં હતાં પણ કાળ સંયોગે તેમનો સાળો તેમનાથી પહેલાં મંદિરમાં પહોંચ્યો. પ્રથમથી જ શ્રેષ્ઠીનો સંકેત હોવાથી પેલા ચાંડાળે તેને દેરામાં પહોંચતાં જ જાણે તે દેવીને બલિદાન દેતો ન હોય તેમ તેને મારી નાખ્યો. પુત્રનું મરણ સાંભળીને સાગર શ્રેષ્ઠીની છાતી ફાટી ગઈ તેથી તે પણ મૃત્યુ પામ્યો. પછી રાજાએ દામન્નકને તેના ઘરનો સ્વામી કર્યો.

એક વખત રાત્રીના પાછલા પહોરે ભાટચારણના મુખથી દામન્નકે એક ગાથા સાંભળી, તેનો ભાવાર્થ એવો હતો કે, “નિરપરાધીને અનર્થમાં નાખવા માટે કોઈ અનેક પ્રયત્નો કરે તો તે ઊલટા તેને બહુ ગુણના કરનારા થાય છે. દુઃખને માટે કરેલા ઉપાય સુખ કરનારા થાય છે, કેમ કે દૈવ જ જેનો પક્ષ કરે તેને બીજો શું કરી શકે ?” આ ગાથા તે ભાટ ત્રણ વાર બોલ્યો, એટલે દામન્નકે ત્રણ લાખ દ્રવ્ય આપ્યું. રાજાએ એટલું બધું આપવાનું કારણ પૂછ્યું, ત્યારે દામન્નકે પોતાનો સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો.

એકદા જ્ઞાની ગુરુ મળવાથી તેના પાસેથી પોતાના પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનનું ફળ જાણીને જાતિસ્મરણ થવાથી દમનક વિશેષ ધર્મનો રાગી થયો. અનુક્રમે મરણ પામીને દેવલોકનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે.

આ પણ વાંચો : શ્રી રાયણ પગલા ના સ્તવન વિશે તમે શું જાણો છો?

Related posts

Vadodara માં 1258 જેટલા MoU કરી મતદારોને પ્રોત્સાહન આપવાની પહેલ

admin

Earthquake in Turkey | તુર્કીયે – સીરિયામાં 24 કલાકમાં ચોથી વખત ધ્રુજી ધરતી, 2500થી વધુ ઈમારત ધરાશાયી, મોતનો આંક 4300ને પાર

admin

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin

Leave a Comment