-
આઠ મહિના પહેલા એસ.એસ.વી. ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થયેલો
-
પાંચથી સાત ફૂટ ઉંચાઈ ધરાવતા વૃક્ષોને કાઢી નાખી ડિવાઈડર સાફ કરી દેવાયો
ઓગસ્ટ 2022 માં સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા બોપલ આંબલી વિસ્તાર બી.આર.ટી.એસ. રૂટના જયઘોષસૂરિ માર્ગની સામેના રોડના ડિવાઈડર પર ગાંધીનગર લોકસભા હરીયાળી લોકસભા કાર્યક્રમ અંતર્ગત 2200થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ સાથે સૂર્યાશોભવંદના ફાઉન્ડેશન દ્વારા વૃક્ષોના જતન કરવાની જવાબદારી પણ લીધી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર શ્રી દેવાંગભાઈ દાણી, પ્રભારી પ્રગનેશભાઈ પટેલ અને સ્થાનિક કાઉન્સિલરો- કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.
સંસ્થા દ્વારા ઓગસ્ટ 2022માં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે વૃક્ષો રોપ્યાના આઠ જ મહિના થયા હતા. તેવામાં એક અઠવાડિયા પહેલા ટેન્ટીસિમો(Tantissimo) કેફેના માલિક તનવીસ ભટ્ટ દ્વારા બધા વૃક્ષોને નુકસાન પહોંચાડીને કાઢી નાખ્યા હોવાનું ફાઉન્ડેશને જણાવ્યું હતું. જેથી સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન ના ટ્રસ્ટી દ્વારા વૃક્ષો કેમ કાઢી નાખ્યાં તેમ પૂછતા તનવીસ ભટ્ટે “અમે જે કરીએ એ, અમે વૃક્ષો કાઢી નાખીએ કે નવા વાવીએ એ તમારે નથી જોવાનું. અમને પરમીશન મળી છે” તેમ જણાવ્યું હતું.
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણના જતન માટેના કામ કરવામાં આવે છે. સૂર્યાશોભાવંદના દ્વારા અમદાવાદને હરિયાળુ બનાવવાની ઝુબેશ હાથ લીધી છે. એક વૃક્ષ એ હજારો જીવોનું ઘર છે. એક વૃક્ષને બાળકની જેમ ઉછેરીને મોટું કરવામાં આવે છે. ત્યારે એ મોટું અને ઘટાદાર વૃક્ષ બને છે. આમ બેજવાબદારી પૂર્વક વૃક્ષોને કાપી નાખવા સૌથી મોટો અપરાધ મનાય. તેવામાં પર્યાવરણના જતન માટે કામ કરતી આ સંસ્થા દ્વારા અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં રોડના ડિવાઈડર પર રોપવામાં આવેલા 2000થી વધુ વૃક્ષોનું નજીકના કેફેના માલિક દ્વારા કાઢી નાખવામાં આવ્યા હોવાનું સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. ઉપરાંત આવું અપરાધ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાય આવે તેવી માંગ સંસ્થાએ કરી હતી.
બે હજારથી વધુ વૃક્ષોનું નુકસાન પહોંચાડનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ મ્યુન્સિપલ કમિશ્નર, વિસ્તારના પોલીસ મથકે વગેરે અધિકારીઓને લેખિતમાં અરજી કરીને જાણ કરી હતી. અંતે સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશનના ટ્રસ્ટીની માંગ છે કે, વૃક્ષોને કાઢીનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું.