Sanathal Overbridge | અમદાવાદના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરતાં અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી જોડાયા હતા. આ બ્રિજથી ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ પરીવહન કરતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે નહી. આ સાથે લોકોના સમય પણ બચશે. ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. આની સાથે અમદાવાદથી બાવળા, મેટોડા આવતા જતા અને ચાંગોદર GIDC આવતા જતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.
અમદાવાદ રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8Aના જંક્શન પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે | Sanathal Overbridge
અમદાવાદ અને રાજકોટ તરફ આવતા જતા માર્ગમાં વાહનોની અવરજવર વધુ હોવાથી ઘણી વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં અમદાવાદના સનાથલ જંક્શન પાસેની અમદાવાદ સરખેજ મોરૈયા રેલવે લાઈન પર આવેલા ફાટક નં. 33 પર ખૂબ ટ્રાફિક થતુ જોવા મળે છે. ત્યારે રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8Aના જંક્શન પર ટ્રાફિકની સમસ્યાનો કાયમ માટે ઉકેલ લાવવા માટે ઔડા દ્વારા ઓવરબ્રિજનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યો હતો. જેમાં ડેલ્ફ કન્સલ્ટિંગ (ઈન્ડિયા) પ્રા. લિ. ને કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને પીએમસી તથા રેલવે વિભાગના પીએમસી તરીકે રાઈટ્સ લિમિટેડને ફરજ સોંપાઈ હતી.
બ્રિજના ઉદ્ધાટન સમયે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજના ઉદ્ધાટન વખતે જણાવ્યું કે, ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ હેઠળ દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેવામાં આ વર્ષે જાહેર કરવામાં આવેલું ગુજરાતનું બજેટ ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. ત્યારે સ્માર્ટ સ્કૂલોની શરૂઆત સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને ટેક્નોલોજી યુક્ત શિક્ષણ પુરું પાડવામાં આવ્યુ છે. જ્યારે અમિત શાહના મતવિસ્તારમાં 28 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આમ આપણી સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી છે.