ભૂલ કોની : મોબાઈલનો યોગ્ય ઉપયોગ અને ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું તે અંગે જાણકારી આપતી ભવાઈ | Gujarat University
Gujarat University પત્રકારત્વ વિભાગના માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ સેમેસ્ટર 2 નાં વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટેક્નોલોજીના યુગમાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન ફ્રોડ ના થાય તેને લઈને પત્રકારત્વના વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ કોની નામની ભવાઈ ભજવવામાં આવી હતી.
ગુજરાતમાંથી ભવાઈ કળા લુપ્ત થઈ રહી છે. ત્યારે લોકોમાં ભવાઈ વિશે જાણકારી મળી રહે તે માટે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભવાઈ વર્કશોપ અંતર્ગત આધુનિક ભવાઈ વેશ ભજવ્યો હતો. આ ભવાઈ વર્કશોપ “ડિજિટલ લિટરેસી બિહેવીયર ચેન્જ” વિષય પર યોજાયો હતો. જેમાં મોબાઈલ આવ્યા બાદ સમાજમાં તેની કેવી અસર થઈ રહી છે, તેનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું હતું. “ભૂલ કોની” નામના ભવાઈ શોમાં મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ ભવાઈ શોમાં મુખ્ય મહેમાન તરીકે ખ્યાતનામ નાટ્ય શિક્ષક અને ભવાઈ નિષ્ણાંત જનકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન જનકભાઈ દવેએ વિદ્યાર્થીઓને ભવાઈ જીવંત રાખવાનો પ્રયત્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટૂંકાગાળામાં તૈયાર થયેલ આ શૉ ‘ભૂલ કોની’ ને જનકદાદાએ ઉત્તમોત્તમ કહી વખાણ્યો હતો. આ ભવાઈ વર્કશોપમાં જાણીતા ડાયરેક્ટર બિપિન બાપોદરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભૂમિકા બારોટ અને ડૉ. કોમલ શાહે વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો.