ગઢડા તાલુકાના માંડવધાર ગામે એક રહેણાંકના મકાનમાં બેકાબૂ બનેલી લકઝરી બસ ઘૂસતા ઘરની દિવાલ, દરવાજા, બાઈક અને પાણીની ટાંકીને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં સદનસીબે જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી.
ગઢડાના માંડવધાર ગામે મેલડી માતાજીના મંદિર પાસે રહેતા દાનજીભાઈ મેઘજીભાઈ વાઘેલા તેમના પુત્રો સાથે આજે સવારે ગઢડા ખાતે મજૂરી કામે ગયા હતા. ત્યારે માંડવધાર ગામેથી પુરજોરમાં એક લકઝરી બસ આવી રહી હતી. જેમાં બસ ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબૂ બનેલી બસ દાનજીભાઈ વાઘેલાના મકાનની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આમ આ ઘટનામાં દાનજીભાઈની ઘરની દિવાલ, દરવાજો, બે બાઈક અને ભોય તળિયે આવેલા પાણીના ટાંકાને નુકશાન પહોંચ્યું હતું. અકસ્માત સર્જાયો ત્યારે વૃધ્ધના પત્ની સહિતના ઘરે જ હાજર હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી. આ અંગે દાનજીભાઈ વાઘેલાએ લકઝરી બસના ચાલક સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.