કોરોનાની રસી અંગે રોજેરોજ ન્યૂઝ આવી રહ્યાં છે, પણ તેનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને વિશ્વમાં ક્યાં રસી અંગે સંશોધન થઈ રહ્યું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. રસી નિર્માણની પ્રક્રિયા લાંબી અને અનિશ્ચતતાભરી છે; અને તેમાં અલગ-અલગ સ્ટેજ પર રસીનું પરીક્ષણ થાય છે. આ અટપટી પ્રક્રિયામાં દાવા સાથે કોઈ વાત કરી શકતું નથી. બસ, અનુમાનથી કામ આગળ ચાલે છે અને જ્યારે રસી તમામ માપદંડ પર ખરી ઊતરે પછી તે વિશે કશું ઠોસ કહી શકાય. રસી નિર્માણનો ઇતિહાસ-વર્તમાન વિશ્વ કેવું છે અને તેમાં કેવી રીતે કામ થાય છે તે વિશે થોડું જાણીએ.
રસીનું શરીરમાં કાર્ય ભવિષ્યમાં બીમારીરૂપે આવનારાં ખતરા સામે ચેતવવાનું છે અને પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવવાનું છે. બીમારીમાં જે વાઇરસ શરીરને પોતાની શક્તિથી જકડી લે છે, તેને રસી દ્વારા શરીરમાં ઉતારીને તે વાઇરસથી શરીરને યુઝ ટુ કરવાનો કાર્યક્રમ છે, એટલે ભવિષ્યમાં જ્યારે પણ વાઇરસનું આક્રમણ થાય ત્યારે શરીર તે વાઇરસથી પરિચય કેળવી ચૂક્યું હોય અને તેની સામે લડી શકે. મહામારીથી સુરક્ષિત રહેવા માટે રસી જેવું સરળ અને કિફાયતી વિકલ્પ બીજું એકેય નથી. રસી વિશે ઠોસ રીતે આમ કહેવાનું કારણ અત્યાર સુધી મહામારીને અટકાવવા માટે સૌથી મોટું શસ્ત્ર રસીકરણ સાબિત થયું છે.
રસીનું આ શસ્ત્ર છેલ્લી દોઢ સદીમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાયું અને તેનાથી કરોડો લોકો સુરક્ષિત બન્યાં, પણ રસી સંશોધનનાં બીજ ક્યારે વવાયાં તે વિશે જાણવું હોય તો તેના પ્રમાણ એક હજાર વર્ષ પૂર્વે ચીનમાં મળે છે. શીતળા બીમારીમાં ચીનમાં તે વખતે રસી અપાઈ હતી તેના પુરાવા સંશોધનમાં મળ્યાં છે, પણ તેનો વ્યાપ મર્યાદિત ક્ષેત્ર પૂરતો હતો. ચીનની જેમ આફ્રિકા અને તુર્કીમાં આ ગાળા દરમિયાન રસીકરણના કાર્યક્રમ થયા છે, તેવું સાબિત થયું છે. જો કે, આ રસી કેટલી કારગર હતી અને તેનાથી લોકોને સુરક્ષા પ્રદાન થઈ હતી કે નહીં તે અંગે ઝાઝું સાહિત્ય મળતું નથી.
રસીનું કામ અટપટું, લાંબા ગાળાનું અને અનેક નિષ્ણાતોની મદદ માંગી લે તેવું છે, તેથી પછીની સાત સદી સુધી તેમાં કોઈ નોંધપાત્ર ઉલ્લેખ દેખાતો નથી. ‘ધ હિસ્ટ્રી ઓફ વેક્સિન’ નામના પેજ પર પણ તે અંગે કોઈ ઉલ્લેખ નથી. આ પેજ અમેરિકાની સૌથી જૂની મેડિકલ સોસાયટીમાંની એક ‘ધ કૉલેજ ઓફ ફિઝિશિયન્સ ઓફ ફિલેડિલ્ફિયા’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રસીમાં ક્યારે, કઈ રીતે શોધ થઈ તેનો ઇતિહાસ અહીંયા મળે છે. આ ઇતિહાસમાં સમયાંતરે વિશ્વમાં પ્રસરેલી મહામારીની વિગત છે, જેમાં શીતળા, ઓરી, પ્લેગ, ફ્લૂ, કોલેરા અને કેટલીક સ્થાનિક મહામારી પણ છે. મહદંશે યુરોપ અને અમેરિકામાં પ્રસરેલી બીમારીની વિગત અહીંયા વધુ છે. તે કાળે ભારતીય ઉપમહાદ્વિપમાં મહામારીથી ખુંવારી કેટલી થઈ તેની પ્રમાણભૂત નોંધ મળતી નથી, તે વિગતની નોંધ યુરોપિયનો ભારત આવ્યા પછીથી આરંભાઈ.
યુરોપ-અમેરિકામાં તે કાળે આ બીમારીઓનો ખોફ ખૂબ હતો અને જેમ અત્યારે કોરોનાથી સેલિબ્રિટીઝ મૃત્યુ પામ્યાના દાખલા છે, તેમ તે વખતે કેટલાંક રાજવી પરીવાર અને રાજકીય નેતાઓ બીમારીઓના શિકાર થતાં હતાં. આમાં અમેરિકાના ફાઉન્ડિગ ફાધર્સમાંના એક બેન્જામિન ફ્રેન્કલિનના ચાર વર્ષનો પુત્ર પણ હતો. આ ગાળામાં એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું કે મહામારીને ડામવા વિજ્ઞાન પાસેથી જ જવાબ મળશે. અને તેમાં બ્રેકથ્રૂ કહેવાય તેવી શોધ ઇંગ્લેન્ડના એડવર્ડ જેનર દ્વારા થઈ હતી. એડવર્ડ જેનરે શીતળા સામે શોધેલી રસીનો પહેલોવહેલો પ્રયોગ 1796માં આઠ વર્ષના જેમ્સ ફિપ્સ પર કર્યો. આજે જે રસીકરણ દ્વારા આપણે મહામારી સામે અભય બન્યાં છે, તેમાં એડવર્ડ જેનર અને જેમ્સ ફિપ્સ પાયાના નામો છે. રસીકરણને પછીનાં થોડાં જ વર્ષોમાં મળેલી સફળતાના કારણે 1805માં જાણીતા રાજા નેપોલિયનની બહેન મેરીઆના એલિસાએ પોતાના રાજ્ય લુકા(ઇટાલીનું મધ્ય ક્ષેત્ર)માં ફરજિયાત રસીકરણનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. એડવર્ડ જેનર પછી રસીકરણમાં બહોળું યોગદાન આપનારનું નામ લુઇસ પાશ્ચર છે. લુઈ પાશ્ચરના જ યોગદાનના પ્રતાપે કોલેરા અને હડકવાની રસીથી આજે પણ માનવજાતને સુરક્ષાકવચ મળી રહ્યું છે.
પછીના સમયમાં અનેક વિજ્ઞાનીઓએ રસીને લઈને પાયાનું અને નોંધપાત્ર કામ કર્યું અને બીમારીની બદલાતી પેટર્નને અનુસરીને રસીને વિકસિત કરતાં રહ્યાં. વીસમી સદીમાં રસી સંશોધનના કાર્યને અદ્વિતીય ઊંચાઇ પર લઈ જનારા અમેરિકાના મોરીસ હિલેમન હતા, જેમણે અંદાજે ચાળીસ જેટલી રસી શોધી હતી. હિપેટાઇટીઝ એ, હિપેટાઇટીઝ બી, અછબડા, મગજનો તાવ અને ન્યૂમોનિયાની રસી તેમની દેન છે. આજે દુનિયામાં વીસથી વધુ રસીઓ વ્યાપક ક્ષેત્રોમાં અપાય છે.
રસી નિર્માણની પ્રક્રિયા વર્તમાનમાં શું છે તે સ્થિતિ જાણવા અર્થે ઇતિહાસની આટલી પૃષ્ઠભૂમિ જરૂરી છે. રસીના અગાઉના કાર્યક્રમમાં આર્થિક ગણિત સંકળાયેલું નહોતું, વ્યક્તિગત-સરકારી સંસ્થાઓ દ્વારા તેની શોધ થઈ અને સામાન્ય લોકો સુધી તે પહોંચી. અત્યારે કોરોનાની રસી માટે પ્રાઇવેટ કંપનીઓ મેદાને પડી છે, પણ સામાન્ય રીતે રસીની શોધનો કાર્યક્રમ સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત સંસ્થા દ્વારા જ અમલમાં મૂકાય છે. રસી બનાવવાનું સમય અને શોધને લઈને અનિશ્ચિત હોય છે તેથી ફાર્માસ્યુટીકલ કંપની તેમાં રોકાણ કરતી નથી. રસી શોધ બાબતે નાની કંપનીઓ વધુ સાહસ કરે છે. જો કે રસીની અનિશ્ચિતતાના કારણે અત્યાર સુધી અડધાથી વધુ રસીની શોધ કરતી કંપનીઓ બંધ થઈ ચૂકી છે. રસી શોધ્યા બાદ કંપનીઓને તે બાબતને કોઈ વિશ્વાસ અપાવતું નથી કે રસી ફૂલફ્લેજ્ડ માર્કેટમાં આવી શકશે કે નહીં.
રસી નિર્માણ મોટી કંપનીઓને રોકાણ કરવા માટે યોગ્ય ક્ષેત્ર લાગ્યું નથી. આ કંપનીઓ દવાના માર્કેટમાં અબજો રૂપિયા રળી લે છે, પણ માનવહિત માટે તેઓ નફાનો અમુક હિસ્સો રોકાણ કરવા તૈયાર થતા નથી. આ કારણે કોરોનાની રસીને લઈને અત્યારે જે શોધ આરંભાઈ છે, તેમાં મોટા ભાગની કંપનીઓ પાસે મૂળભૂત સુવિધાઓ નથી. હાલમાં વિશ્વભરમાં 35 જેટલી સરકારી સંસ્થાઓ અને કંપનીઓ કોરોના રસીની શોધ કરી રહ્યાં છે. આ શોધમાં કોણ કયા સ્ટેજ સુધી પહોંચ્યું છે તે અંગે પણ જાતભાતની ખબરો આવી રહી છે. આ બધામાંથી જે ‘ન્યૂઝ’માં કશું તથ્ય મળ્યા છે તે અંગે વાત કરીએ.
‘બીબીસી’ના 2 એપ્રિલના અહેવાલ મુજબ વિશ્વ સ્વાસ્થ સંગઠન આપેલી જાણકારી પ્રમાણે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાની કંપની ઇનોવિઓ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિર્મિત કોરોના વેક્સિનની પ્રાણીઓ પર સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. આ વેક્સિન માનવીય પરીક્ષણમાં સફળ થશે તો તેના પર ઓસ્ટ્રિલિયાની ‘કોમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન’(સી.એસ.આઈ.આર.ઓ.) આગળ કામ હાથ ધરશે. ‘સી.એસ.આઈ.આર.ઓ.’ના ડોક્ટર રોબ ગ્રેનફેલ મુજબ, “સામાન્ય રીતે આ સ્ટેજ પર પહોંચતા સુધી બે વર્ષનો સમય વીતી જાય છે, પરંતુ વિશ્વભરમાંથી મળી રહેલા સૂચનોથી અમે માત્ર બે મહિનાના ગાળામાં અહીં સુધી પહોંચી ચૂક્યા છે.”
આ પ્રમાણે જર્મનીમાં પણ રસીનું કાર્ય ઝડપથી આગળ ધપી રહ્યું છે. ‘સત્યાગ્રહ’ ન્યૂઝ પોર્ટલ પર આવેલા એક અહેવાલ મુજબ ક્યોરવૈક કંપની જર્મની સરકારના પાઉલ-એયરશિલ સંસ્થાન સાથે મળીને કોરોનાની રસી પર કામ કરી રહ્યાં છે. જો જર્મનીનું આ સંશોધન ગતિથી આગળ વધતું રહેશે તો જૂન-જુલાઈમાં તેનું માનવીય પરીક્ષણ થવા માંડશે. એ પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટીનું કોરોના વેક્સિન રિસર્ચ પ્રોગ્રામ હવે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ચૂક્યો છે અને તેમાં ટ્રાયલ માટે વોલ્યુન્ટરની ભરતી પણ આરંભી દીધી છે.
‘ધ હિન્દુ બિઝનેસ’ લાઈન મુજબ ચીનમાં 108 વ્યક્તિને વેક્સિન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ગ્રૂપમાં 18થી લઈને 60 વર્ષના લોકોને સમાવવામાં આવ્યા છે, અને તેમના ડોઝનું પ્રમાણ પણ અલગ-અલગ રાખીને વેક્સિન આપવામાં આવી છે. અમેરિકાના કેસેઅર પરમેનેન્ટે વોશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના વિજ્ઞાનીઓ દ્વારા પ્રથમ પરીક્ષણમાં 45 વ્યક્તિઓને સાંકળવામાં આવ્યા હતા. જો કે આ રસીમાં અકલ્પનીય ઉતાવળ દેખાય છે, તેથી તેમાં સફળતા મળશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ છે.
ભારત 2020 સુધી રસી બનાવી લેશે તેવાં કેટલાંક અખબારોના અહેવાલ છે. પરંતુ ભારતમાં રસીનું કામ થઈ રહ્યું છે તે અંગે ‘ઇન્ડિયા ટુડે’નો અહેવાલ વધુ ભરોસાપાત્ર લાગે છે. આ અહેવાલ મુજબ ભારતની ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કામ કરી રહી છે. ભારતમાં જે કંપનીઓ રસી નિર્માણમાં જોતરાયેલી છે તે હજુ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી નથી.
રસી નિર્માણ પ્રક્રિયાના અટપટી પ્રક્રિયાની આ અલ્પ વિગત છે, પણ અહીંયા માપદંડ વિશ્વસનીયતાનો રાખવામાં આવ્યો છે.
https://opinionmagazine.co.uk/details/5416/rasee-nirmaan-prakriyaa-