ભગવાન શ્રી અરનાથ સ્વામી ભગવાન કુંથુનાથ પછી અઢારમા તીર્થંકર થયાં. પોતાના ગત જન્મમાં ભગવાન અરનાથે મહાવિદેની સુસીમા નગરીના નૃપતિ ધનપતિના રૂપમાં પોતાની પ્રજાને સંયમને અનુશાસન પૂર્વક જીવન વ્યતીતય કરવાની ઉમદા અને પ્રતિભાવંત શિક્ષા પ્રદાન કરી હતી. કાલાન્તરમાં મહારાજે સંસારથી વૈરાગ્ય લઈ સંવર મુનિની પાસે સંયમ ધર્મની દીક્ષા લીધી અને ધર્મમાં વિનમ્રતાના ગુણથી અને ઉત્તમોત્તમ સાધનાના પ્રભાવથી એમને તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કર્યું. છેવટે સમાધિ પૂર્વક કાળધર્મ પામી તેઓ ગ્રૈવેયકમાં મહાદ્ધિક દેવ રૂપે થયાં.
ત્યાંનો સમય પૂર્ણ કરી ત્યાંથી ધનપતિનો જીવ ફાગણ શુક્લ દ્વિતીયાના રોજ હસ્તિનાપુરના મહારાજ સુદર્શનની રાણી મહાદેવીના ગર્ભમાં પ્રતિસ્થાપિત થયો. મહારાણીએ ચૌદ મહાપુણ્વંત સ્વપ્ન જોઈ હર્ષાન્વિત થઈ. ગર્ભકાળ સમાપ્ત થા માગસર શુક્લ દશમીએ રેવતી નક્ષત્રમાં એમણે પુત્રરત્નને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ બહુકીમતી રત્નચક્રનો ઓરા જોયા હતો માટે બાળકનું નામ અરનાથ રાખ્યું.
કુમાર અરનાથ જ્યારે યુવાન થયાં ત્યારે મહારાજે ઉચિત કન્યાઓ સાથે એમનાં લગ્ન કરાવ્યાં. 21 હજાર વર્ષ પછી કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. 21 હજાર વર્ષ સુધી માંડલિક રાજા તરીકે રાજ કર્યા પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન પ્રગટ થતાં એમણે પોતાનું ષટ્ખંડ વિજય અભિયાન શરુ કર્યું. જે સંપૂર્ણ થતાં તે ચક્રવર્તી સમ્રાટ બન્યા અને બીજા 21 હજાર વર્ષો સુધી પોતાનું એકચક્રીય આધિપત્ય થકી સુશાસન દ્વારા સુશિક્ષા, સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કર્યો.
ભોગ્યકર્મોનું જોર ઓછું થતાં સાંસારિક વૈભવ ત્યજી સંયમ-સાધનાના માર્ગ આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી. લોકાંતિક દેવોના અનુવય પર વર્ષીદાન આપી મહારાજે સમગ્ર રાજ્યધુરા કુમાર અરવિંદના હાથોમાં ધરી. એક હજાર રાજાઓની સાથે સમારંભપૂર્વક દીક્ષાર્થે નિષ્ક્રમણ કર્યું. સહસ્ત્રામ્રવનમાં જઈ માગશર શુક્લ એકાદશના રેવતી નક્ષત્રમાં છઠ્ઠ ભક્તની તપસ્યાથી સમૂળ પાપોને ત્યજીને વિધિવત્ દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરતાં જ એમને મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. બીજા દિવસે રાજપુર નગરમાં રાજા અપરાજિતને ત્યાં પ્રભુએ પરમાન્નથી પારણું કર્યું. ભિન્ન-ભિન્ન અભિગ્રહોને ધારણ કરી ઊંઘ-આળસને વર્જિત ગણી ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ સ્થિતિમાં ધ્યાનની સાધનામાં લીન રહ્યા. ત્યારબાદ તેઓ સહસ્ત્રામ્રવનમાં પહોંચ્યા અને ધ્યાનસ્થ લઈ ગયાં. કારતક શુક્લ દશમીએ રેવતી નક્ષત્રમાં યોગમાં શુક્લધ્યાનથી અને કેવળદર્શન મેળવ્યું. કેવળી થઈ પ્રભુએ દેવ-માનવોના વ્યાપક સમવસરણમાં ધર્મ-બોધ આપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ભાવ-તીર્થંકર તથા ભાવ-અરિહંત કહેવાયા. ભાવ-અરિહંત અઢાર દોષોથી મુક્ત હોય છે. અનંત ચતુષ્ટ્ય અને અષ્ટ મહાપ્રતિહાર્યને ધારણ કરનાર હોય છે.