જૈન ધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન થયાં. પોતાના પૂર્નજન્મનાં તેઓ પિષ્કરાર્દ્ધ દ્રીપના મંગલાવતી વિજયમાં પદ્મોત્તર રાજા હતાં. એમણે નિરંતર અવિરત જિનશાનની ભક્તિ કરેલી. એમના મતે લક્ષ્મી ચંચળ છે અને પુણ્યબળ નશ્વર હોવાથી જીવનનું વાસ્તવિક ધ્યેય મોક્ષપદને પ્રાપ્ત કરવાનું જ હોવું જોઈએ. સંજોગવશાત્ એમનો ભેટો ગુરૂ વજ્રનાભ સાથે થયો. એમના ઉપદેશથી વિરક્ત થઈ રાજા પદ્મોત્તરે સંયમ ધારણ કરી કઠોર તપ તથા અર્હદભક્તિ વગેરે સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. અંતિમ સમયે શુભધ્યાનથી કાળધર્મ પ્રાપ્ત કરી તેઓ પ્રાણત સ્વર્ગમાં ઋદ્ધિમાન દેવ બન્યાં.
ભારતની પ્રખ્યાત ચંપા નગરીમાં પ્રતાપી રાજા વસુપૂજ્ય રહેતાં હતાં. એમની રામી જયાદેવી હતી. પદ્મોત્તરનો આત્માં દેવનું આયુષ્ય પૂર્ણ થતાં જેઠ શુક્લ નોમના શતભિષા નક્ષત્રમાં રાણી જયાદેવીના ગર્ભમાં પ્રવેશ્યો. રાણીએ 14 મહાસ્વપ્નો જોયાં અને ગર્ભકાલ પૂરો થતાં ફાગણ કૃષ્ણ ચૌદશના શતભિષા નક્ષત્રમાં પુત્રરત્નને જન્મ આપ્યો. મહારાજ વસુપૂજ્યના પુત્ર હોવાના લીધે એમનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું.
આચાર્ય હેમચંદ્ર અને જિનસેન આદિ દિગંબર પરંપરાના આચાર્યોના અનુસાર વાસુપૂજ્યએ લગ્ન કર્યાં ન હતાં. હેમચંદ્રના કહેવા પ્રમાણે, જ્યારે વાસુપૂજ્યના પિતાએ પૂર્વના તીર્થંકરોની જેમ લગ્ન, રાજ્ય, દીક્ષા અને તપ-સાધનાની ચાલી આવતી પરંપરાનું પાલન કરવા જણાવતાં વાસુપૂજ્યએ કહ્યું કે, “એ લોકોનાં ભોગકર્મ બાકી હતાં અને મારા બાકી નથી. ભવિષ્યમાં પણ મલ્લીનાથ, નેમિનાથ વગેરે પણ કુંવારા જ દીક્ષિત થશે માટે મને પણ કુંવારા જ સંયમમાર્ગ પર જવાની અનુમતિ આપો.” આમ માતા-પિતાએ વાસુપૂજ્યની વાતનો સ્વીકાર કરતાં લગ્ન અને રાજ્યસુખને ભોગવ્યા વગર જ દીક્ષા લીધી હતી. આનાથી વિપરિત આચાર્ય શીલાંકેનું કહેવું છે કે, વાસુપૂજ્યએ લગ્ન કરીને થોડો સમય રાજ્ય કર્યા બાદ જ દીક્ષા લીધી હતી. હકીકતમાં તીર્થંકરની ગૃહચર્ચા ભોગ્યકર્મ પ્રમાણે હોવાથી તેમના લગ્ન થયાં કે ન થયાનો કોઈ વિશેષ અર્થ રહેતો નથી. આમ વિવાહથી તીર્થંકરના તીર્થંકરત્વમાં કોઈ અડચણ આવતી નથી.
જીવનનાં 18 લાખ વર્ષ પૂર્ણ થતાં લોકાંતિક દેવોના આગ્રહથી વાસુપૂજ્યએ વર્ષીદાન આપ્યાં પછી 600 અન્ય રાજાઓની સાથે ચતુર્થભક્તથી દીક્ષા માટે નિષ્ક્રમમ કર્યું અને ફાગણ કૃષ્ણ અમાસના શતભિષા નક્ષત્રમાં સઘલાં પાપોને ત્યાગી શ્રમણવૃતિ સ્વીકારી લીધી. તેના બીજા દિવસે મહાપુરના રાજા સુનંદને ત્યાં પરમાન્નથી પ્રથમ પારણું કર્યું. ત્યારબાદ દેવોએ પંચદિવ્યોનો વરસાદ કરી પારણાનો ઘણો મહિમા કર્યો.
દીક્ષા લીધા પછી વાસુપૂજ્ય ભગવાનને ઘણાં કષ્ટો સહન કર્યાં અને ઉદ્યાનમાં આવી પાટલા વૃક્ષની નીચે ધ્યાનાવસ્થિત થયાં. શુક્લધ્યાનના બીજા ચરણમાં ચાર ઘાતીકર્મોનો નાશ કરી મહા શુક્લ બીજના રોજ શતભિષાના યોગમાં એમણે ચતુર્થભક્તથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. કેવળી થઈને પ્રભુએ દે-દાનવ-માનવોની વિશાળ સભામાં ઉપદેશ આપવાની સાથે આદિ દશવિધ ધર્મનાં સ્વરૂપ સમજાવીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને ભાવ-તીર્થંકર કહેવાયાં. વિહાર કરતાં સમયે વાસુપૂજ્ય જ્યારે દ્રારકા પહોંચ્યાં ત્યારે તેમના સમયકાલીન બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ તેમની વીતરાગ વાણી સાંભળી સમ્યકત્વ ધારક થયાં હતાં.
આમ ભગવાન શ્રેયાંસનાથની જેમ ભગવાન વાસુપૂજ્યનો પણ એ સમયના રાજા-રજવાડાંઓમાં વ્યાપક પ્રભાવ હતો. 54 લાખ વર્ષમાં એક મહિનો ઓછો સુધીનાં વર્ષો સુધી કેવળીપર્યાયમાં વિચરણ કરી પ્રભુએ લાખો લોકોને ધર્મસંદેશ આપ્યો અને અંતે ચંપાનગરીમાં 600 મુનિઓની સાથે એક મહિના સુધી અનશન કરી શુક્લધ્યાનના ચતુર્થ ચરણથી નિષ્ક્રિય તઈ સંપૂર્મ કર્મોનો લોપ કર્યો અને અષાઢ શુક્લ ચૌદશના ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણપદ પામ્યાં