December 23, 2024
Jain World News
Jain TirthankaraJainism

જૈન ધર્મના 14માં તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન

ભગવાન શ્રી વિમલનાથ પછી ભગવાન અનંતનાથ ચૌદમા તીર્થંકર થયા. અનંતનાથ એમના જન્મમાં ધાતકીખંડની અરિષ્ટા નગરીના મહારાજ પદ્મરથ હતા. તે અત્યંત શૂરવીર અને પરાક્રમી હતા. પરંતું થોડા સમય પછી વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ ચિત્તરક્ષ ગુરુની પાસે સંયમ ધારણ કર્યો અને મોક્ષ સાધનામાં તન્મય થઈ ગયા. પોતાના તપ અને સંયમની વિશિષ્ટ સાધનાના જોરે તેઓ તીર્થંકર નામકર્મ અધિકારી થયા. અંત સમયે શુભધ્યાનમાં દેહ ત્યાગી દસમા સ્વર્ગના ઋદ્રિમાન દેવ બન્યા.

શ્રાવણ કૃષ્ણ સપ્તમીએ રેવતી નક્ષત્રમાં પદ્મરથનો આત્મા સ્વર્ગમાંથી નીકળી અયોધ્યાના રાજા મહારાજ સિંહસેનની રાણી સુયશાની કૂખમાં પધાર્યા. માતાએ 14 મહાશુભસ્વપ્ન જોયાં અને ગર્ભકાળ સમાપ્ત થતા વૈશાખ કૃષ્ણ તેરશના દિવસે રેવતી નક્ષત્રના યોગમાં પુત્રરત્નને જન્મ આપ્યો. દસ દિવસ સુધી પુત્રજન્મનો મહોત્સવ ઉજવ્યા પછી મહારાજ સિંહસેને જ્યારે બાળક ગર્ભમાં હતું. ત્યારે આક્રમણ માટે આવેલી અપાર અને ઉત્કટ સેના ઉપર વિજય પ્રાપ્ત થયો હોવાથી બાળકનું નામ અનંતનાથ રાખ્યું હતું.

બાળક અનંત 7 લાખ 50 હજાર વર્ષ પૂર્ણ કરી તરુણાવસ્થામાં પ્રવેશ્યો તો મહારાજે યોગ્ય કન્યાઓ સાથે એમના વિવાહ કરાવી રાજ્યપદ પર એમને અભિષિક્ત કર્યા. 15 લાખ વર્ષ સુધી ન્યાય નીતિ પૂર્ણ રાજ્ય કર્યા પછી મુનિવ્રત ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. લોકાંતિક દેવોની પ્રાર્થનાથી વર્ષીદાન સંપન્ન કરી વૈશાખ કૃષ્ણ ચૌદશના રોજ રેવતી નક્ષત્રમાં એક હજાર અન્ય રાજાઓની સાથે પાપોનો સમૂળગો અંત કરી મુનિધર્મની દીક્ષા ગ્રહણ કરી. આ સમયે મહારાજ અનંતે છટ્ઠની તપસ્યા કરી હતી. જેનું પારણું આગલા દિવસે વર્ધમાન પુરના વિજય નૃપને ત્યાં પરમાન્નથી પૂર્ણ થયું.

પ્રભુ અનંતનાથ ત્રણ વર્ષ સુધી વિકટ પરિસ્થિતિઓને સમત્વની ભાવનાથી સહન કરતા વિચરણ કરતા રહ્યા ત્યારબાદ સહસ્ત્રામ્રવનમાં પહોંચ્યા અને અશોક વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈ ગયા. શુક્લધ્યાનના બીજા ચરણમાં એમણે ક્ષપકશ્રેણીથી પાપોનો નાશ કરી ઘાતીકર્મોનો ક્ષય કર્યો અને વૈશાખ કૃષ્ણ ચૌદશે રેવતી નક્ષત્રમાં અષ્ટમભક્ત તપસ્યાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
કેવળજ્ઞાનની ઉપલબ્ધિ પછી ભગવાન અનંતનાથે ધર્મદર્શના એટલે કે બોધ આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ભાવતીર્થંકર તરીકે જાણીતા થયા. દ્રારકા પાસે પહોંચતા એ સમયના વાસુદેવ પુરુષોત્તમ અને બળદેવ સુપ્રભએ ભાઈના દેહાવસાન પછી વૈરાગ્ય ધારણ કરી મુનિધર્મ અંગીકાર કર્યો અને અંતે જીવનલીલા સંકેલી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું.

7 લાખ વર્ષમાં 3 વર્ષ ઓછા સમય સુધી કેવળીપર્યાયમાં વિચરણ કર્યા પછી પ્રભુ એક હજાર સાધુઓની સાથે એક મહિનાના અનશન બાદ ચૈત્ર શુક્લ પાંચમના રોજ રેવતી નક્ષત્રમાં 30 લાખ વર્ષની જીવનલીલા સંકેલીને સઘળાં કર્મોનો વિલાપ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.

Related posts

બાપ અને દિકરી વચ્ચે કર્મ અને અહંકારનો ખેલ, શ્રીપાળ કથા – પ્રવચન PART 15

admin

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસર નો અદભૂત નજારો

admin

રાજસ્થાનના મેર્તા રોડ પર આવેલું શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતાંબર દેરાસર

admin

Leave a Comment