પંદર વર્ષની છોકરી અન્ના ફ્રેન્કે લખેલી ત્રણ વર્ષના સમયગાળાની ડાયરી આજે વિશ્વભરમાં જાણીતી છે. અન્ના 1934માં જર્મનીમાં જન્મી. આ ગાળામાં જર્મનીમાં હિટલરનું અને નાઝી પક્ષનું શાસન મજબૂત થતું ગયું. હિટલરના વર્ચસ્વએ અન્નાના પરિવારને નેધરલેન્ડના આમ્સ્ટર્ડમમાં સ્થાયી થવા માટે મજબૂર કરી દીધો. તેઓ જર્મની છોડીને આમ્સ્ટર્ડમમાં વસ્યાં. ફ્રેન્ક પરિવાર યહૂદી હતો તેથી તેઓ જર્મનીનું નાગરિત્વ ગુમવી ચૂક્યા હતા. ફ્રેન્ક પરિવાર જ્યારે નેધરલેન્ડમાં આવ્યો ત્યારે તેમની પાસે કોઈ દેશનું નાગરિકત્વ નહોતું. આ સ્થિતિમાં તેઓ એક છૂપા ઘરમાં રહેતાં હતાં. જર્મનીઓ દ્વારા યહૂદીઓની સામૂહિક કતલ થવા માંડી ત્યારથી આ રીતે ફ્રેન્ક પરિવાર રહેતો હતો. અન્નાએ, 1942થી 1944 સુધી, તે દરમિયાન પોતાની મનોસ્થિતિને આલેખતી ડાયરી લખી છે. ઑગસ્ટ, 1944માં જર્મની છૂપી પોલીસ અન્નાના પરિવાર સુધી પહોંચી ચૂકી હતી અને તે પછી જે બધાં યહૂદી સાથે થઈ રહ્યું હતું તે અન્નાના પરિવાર સાથે પણ થયું. અન્નાના પિતા સિવાય તમામનું નાઝીઓના કોન્સેટ્રેશન કેમ્પમાં મૃત્યુ થયું. બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું તે પછી 1947માં અન્નાએ લખેલી ડાયરી પ્રકાશિત થઈ અને પૂરી દુનિયાએ અન્નાના શબ્દોની અનુભૂતિ કરી. માત્ર પંદર વર્ષની કિશોરીના આ શબ્દો આટલાં વર્ષો પછી પણ વાચકોને સ્પર્શે છે. આ લેખનીનો એક અનુભવ જોઈએ.
અન્ના શનિવાર, 20 જૂન 1942ના રોજ લખે છે : “મારી જેવી વ્યક્તિ માટે ડાયરી લખવી તે ખરેખર વેગળો અનુભવ છે. માત્ર તે માટે નહીં કે મેં અગાઉ ક્યારે ય કશું લખ્યું નથી, બલકે તે માટે પણ કે પછી, મને કે કદાચ ન કોઈ બીજાને તેર વર્ષની છોકરીના વિચારોમાં કોઈ રસ પડશે. મને લખવાનું મન છે અને હું મારા મનનો ભાર હળવો કરવા માગું છું. ‘કાગળમાં લોકો કરતાં વધુ ધીરજ હોય છે’ આ કહેવત મને એ દિવસોમાં યાદ આવી. જ્યારે હું થોડી ઉદાસ હતી, જ્યારે હાથોમાં મારી હડપચી પર હાથ મૂકીને, કંટાળતી, બેચેન હતી અને વિચારી રહી હતી કે બહાર જવું કે ઘરમાં રહું. આખરે હું એ જ મારા વિચારોમાં ખોવાયેલી રહી. હા, કાગળમાં ખરેખર વધુ ધીરજ હોય છે અને હું નથી ઇચ્છતી કે ડાયરી તરીકે ઓળખાતી આ નોટબુકને કોઈ વાંચે અને ત્યાં સુધી હું તેમાં લખતી રહું જ્યાં સુધી મારી પાસે કોઈ મિત્ર નથી આવી જતો.” અન્નાએ આ રીતે અદ્ભુત સાહિત્યનું સર્જન કર્યું છે અને તે સર્જન આજે દુનિયાના ખૂણેખૂણે પહોંચ્યું છે. યુદ્ધ દરમિયાન લખેલી આ ડાયરી આજે વિશ્વસાહિત્યનો અમૂલ્ય દસ્તાવેજ બની ચૂક્યો છે.
અન્નાની ડાયરીની પૂર્વભૂમિકા લાંબી બંધાઈ ગઈ, પરંતુ મૂળ વાત એટલી જ છે કે અત્યારે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં આવી ડાયરીઓ લખાઈ રહ્યાના પણ સમાચાર આવી રહ્યા છે. અને ‘અલ-ઝઝીરા’ વેબસાઈટ પર તો અત્યારે 35 વર્ષીય ઝાકીદા અદીલોવાની ડાયરી પ્રકાશિત થઈ છે. ઝાકીદા ભાષાની શિક્ષક છે અને તે યુક્રેનના પાટનગર ક્યિવની નિવાસી છે. તે મુસ્લિમ છે અને પહેલાં ઝાકીદાનું ઘર ક્રિમિયામાં હતું, પણ ત્યાં રશિયાએ હૂમલો કર્યો અને ઝાકીદાને પરિવાર સહિત ક્યિવ આવવું પડ્યું. હવે ક્યિવમાં પણ રશિયાનો હૂમલો થયો અને તેને યુક્રેનના જ અન્ય શહેર લવિવમાં સ્થળાંતરિત થવું પડ્યું છે. ક્યિવથી લખેલી ડાયરીમાં ઝાકીદા લખે છે : “હું મારા શરીરના દરેક ભાગમાં પીડા અનુભવી રહી છું. ગત રાત્રીએ એર રેડ સાઇરન વાગી ત્યારે મેં તેની કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. મેં કશું જ સાંભળ્યું નહોતું કારણ કે હું સૂઈ ગઈ હતી. મારી મમ્મી, મારી અને મારી અગિયાર વર્ષની દીકરીની સંભાળ રાખી રહી હતી. આ કઠિન સમયમાં મારી માતા મને હિંમત આપી રહી છે. હું તેના શબ્દો હંમેશાં યાદ રાખું છું કે આ સમય પણ પસાર થઈ જશે. તે મને કહે છે કે ઘોર રાત્રી પછી હંમેશાં પરોઠ થાય છે. અને જ્યારે આપણો એક દરવાજો બંધ થાય છે ત્યારે અલ્લાહ બીજા દરવાજા ઉઘાડે છે. એ ભૂલીશ નહીં કે બધા જે કંઈ કરી રહ્યા છે તે અલ્લાહ નિહાળી રહ્યો છે. તે જાણે છે કે તમારો આત્મા શા કારણે રડે છે.”
અન્નાની જેમ અત્યારે યુક્રેનના યુદ્ધમાં સાહિત્ય લખાઈ રહ્યું છે અને ઝાકીદા તેનું ઉત્તમ ઉદાહરણ બની છે. 3 માર્ચના રોજ બપોરે ત્રણ વાગ્યે ઝાકીદા લખે છે : “સમીરા અને હું થોડાંક ચિત્રો બનાવી રહ્યાં છીએ. મને આશ્ચર્ય છે કે આ દિવસોમાં મારી દીકરી મને વધુ શીખવાડી રહી છે. અમે જે કોરીડોરમાં દિવસ-રાત પસાર કરી રહ્યાં છીએ ત્યાં એર રેડ સાઇરનનો અવાજ અવારનવાર આવતો હોવા છતાં તે હંમેશાં હસતી અને સકારાત્મક રહે છે. તેનાં ચિત્રોના કલર ખૂબ ઉજળા છે અને તેનાથી જ મારી આશા બંધાય છે.” કટોકટીની સ્થિતિ કેવી રીતે પસાર થઈ શકે, તેનું આ ઉદાહરણ છે.
ઝાકીદાની જેમ ક્યિવના રહેવાસી 43 વર્ષીય માઇક પણ યુદ્ધ શરૂ થયું ત્યારથી ડાયરી લખી રહ્યા છે. યુક્રેન હુમલા દરમિયાન દિવસે દિવસે કેવી રીતે બદલાઈ રહ્યું છે તે તેમનાં લખાણોમાં જોવા મળે છે. 24 ફેબ્રુઆરીના રોજ માઇક લખે છે : “યુક્રેનમાં રશિયાનો આ પ્રથમ દિવસ છે અને આજે જ મારી પંદરમી લગ્નની એનિવર્સરી છે. અમે આજે મિત્રો સાથે પાર્ટી કરવા માટે રેસ્ટોરાંમાં એક ટેબલ બુક કરાવ્યું છે. પરંતુ સવારે પાંચ વાગ્યે જ હું, મારી પત્ની અને મારો દસ વર્ષનો દીકરો અમારા ઘર પરથી રશિયન રોકેટ ગયું ત્યારે તેના અવાજથી જાગી ઊઠ્યાં. પહેલો વિચાર તો એ જ ઝબક્યો, જેટલું લઈ જઈ શકાય તેટલું લઈને આ જગ્યા છોડી દઈએ. પરંતુ બધા જ માર્ગો ટ્રાફિકના કારણે વ્યસ્ત છે. અમે ભયભીત છીએ અને એટલે અમે નજીકમાં આવેલા એક અન્ડરગ્રાઉન્ડ કાર પાર્કિંગ પાસે ગયાં અને ત્યાં જ પૂરો દિવસ પસાર કર્યો.”
યુદ્ધમાં ખરેખર આમ લોકોની સ્થિતિ શું હોય છે તે આ ડાયરીમાં લખાયેલાં શબ્દોથી અનુભવી શકાય છે. બીજા દિવસના યુદ્ધના દિવસને માઇક કંઈ આ રીતે લખે છે : “કારમાંથી ઊઠ્યો તે ભયંકર અનુભવ હતો. મારી પીઠ ખૂબ દર્દ કરી રહી હતી. સવાર પ્રમાણમાં શાંત હતી. હવે શાંતનો અર્થ બદલાઈ ચૂક્યો છે. હવે તમે દસના બદલે માત્ર બે જ બોમ્બનો અવાજ સાંભળો છો તો પણ તમને તે શાંત લાગે છે. અમે સવારના નાસ્તા માટે અમારા ઘરે ગયાં. યુક્રેનિયન મૈત્રીસ્વભાવનાં હોય છે અને અમે જાણીએ છીએ કે અમારાં પાડોશી ખૂબ સારાં છે. તેથી અમે જેઓ ખાવાનું અને પાણી એકઠું કરી શકે એમ નહોતાં તેમના માટે તે એકઠું કર્યું અને પછી એક અલાયદી જગ્યા કરી જ્યાં કાર પાર્ક કરી તેમાં મહિલાઓ શાંતિથી બાળકોને સ્તનપાન કરાવી શકે અને કપડાં પણ બદલી શકે.”
યુદ્ધમાં આદેશ રાજકીય આગેવાનો આપે છે અને ગ્રાઉન્ડ ઉપર લડવા સૈનિકો ઊતરે છે અને તેનો ભોગ બને છે સામાન્ય નાગરિકો. સૈનિકોની શહાદત કે તેમનાં યુદ્ધભૂમિની લડતને અહીં નકારવાનો ઇરાદો નથી, પરંતુ શસ્ત્ર વિના જ્યારે નાગરિકો પોતાની જાન બચાવવા ખાતર આમથી તેમ દોડે છે ત્યારે તેઓ યુદ્ધ મેદાનમાં સૌથી નિ:સહાય નજરે ચઢે છે. યુક્રેનમાંથી આવતાં અનેક દૃશ્યોની કરુણતા એ હતી કે તેઓ માર્ગ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં જતાં માંર્યા ગયાં. યુક્રેનના એક પત્રકાર ઇલારિયન પાવિલોક પણ ડાયરી લખી રહ્યા છે. અને તેમની ડાયરી ‘યુ.એસ.એ. ટુડે’માં નિયમિત રીતે પ્રકાશિત થઈ રહી છે. ઇલારિયન પોતે પત્રકાર છે તેથી તેઓ પોતાની મનોસ્થિતિ સાથે આસપાસનું વાતાવરણ પણ સારી રીતે ઝીલી રહ્યા છે. યુદ્ધનો આ દસ્તાવેજ અલ્ટીમેટલી હિંમત અને સાહસનો દસ્તાવેજ છે, પણ આખરે તો તે માનવીય કરુણતા પર પ્રકાશ પાડે છે.
https://opinionmagazine.co.uk/details/8208/war-diary-yuddha-nee-anubhootino-dastaaavej