December 23, 2024
Jain World News
Column

ભારતીય માર્ગો પર બુલંદી લાવનાર રાહુલ બજાજ

ઉદ્યોગગૃહોની સામાજિક નિસબત અપેક્ષિત છે. આ અપેક્ષા ઉદ્યોગગૃહો ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ના દાયરામાં રહીને કરે છે, કેટલાંક તેનાથી આગળ વધીને પણ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવે છે. પરંતુ બિઝનેસ પર જોખમ આવી પડે તે રીતે સમાજને દર્પણ દાખવનારા ઉદ્યોગ સાહસિકો સ્મૃતિમાં ઝડપથી આવતા નથી. રાહુલ બજાજ એવા અંતિમ ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખાવી શકાય, જેઓએ શાસકોની મર્યાદા દાખવવામાં શબ્દો ચોર્યા નથી. જે અનુભવ્યું તે સરકારોને અનેકવાર ખોંખારીને કહ્યું છે. આમ કરવું ઘાતક સાબિત થઈ શકે છે, પણ રાહુલ બજાજે તેની પરવા ન કરી. છેલ્લે તેઓએ સરકારની આવી ટીકા 2019માં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મંચ પર ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સિતારામન ઉપસ્થિત હતાં. તે વખતે મોબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંઘના નાથુરામ ગોડસેના નિવેદન સંદર્ભે રાહુલ બજાજે અમિત શાહને પ્રશ્નો કર્યા હતા. સાથે એમ પણ કહ્યું કે અત્યારે સરકાર સામે પ્રતિક્રિયા આપતાં લોકો ડર અનુભવે છે. આ પ્રશ્નનો ઉત્તર અમિત શાહે ‘બજાજસાહબ …’ તેમ સંબોધીને પ્રેમથી આપ્યો હતો. જો કે પ્રશ્ન-ઉત્તરના આ ઉપક્રમની અસર તે પછીના દિવસોમાં સોશિયલ મીડિયા પર દિવસો સુધી રહી, જેમાં ભા.જ.પ.ના આગેવાન અને કેન્દ્રિય મંત્રીઓએ સુધ્ધા રાહુલ બજાજને નિશાન બનાવ્યા.

આ રીતે બેબાક બોલનારાં રાહુલ બજાજ હવે આપણી વચ્ચે નથી. 83 વર્ષના રાહુલ 12 ફેબ્રુઆરીના રોજ પૂણેમાં અવસાન પામ્યા. તેઓ ગાંધીયુગનો વારસો લઈને જીવ્યા અને તે વારસો પોતાના પરિવારને આપી ગયા. દાદા જમનાલાલ અને પિતા કમલયનય બજાજના વારસાને રાહુલ જાળવીને વિસ્તારી પણ શક્યા. તેમણે 1965માં બજાજ ગ્રૂપની બાગડોર સંભાળી અને બજાજ ઓટોનું ટર્નઓવર સાડા સાત કરોડથી બાર હજાર કરોડ સુધી લઈ ગયા. તેમના આ ટર્નઓવરનો આંકડો જેમ જેમ વધતો ગયો, તેમ તેમ દેશના ઘરે ઘરે બજાજ સ્કૂટર પહોંચ્યું. એક સમયે દેશના માર્ગો પર ટુ-વ્હિલર બજારમાં બજાજનું એકચક્રીય શાસન જોવા મળ્યું. જો કે બજાજ ગ્રૂપે આ ઇજારાને બિઝનેસની જેમ ન જોયું, બલકે તેમણે ‘હમારા બજાજ’વાળું ટેગ આપીને દેશવાસીઓને સપનું આપ્યું. એ સમયે સ્કૂટર વસાવવું સરેરાશ મધ્યમવર્ગીય ભારતીયનું સપનું બન્યું. તેને સાકાર કરવા માટે જ્યારે બજાજનું વિસ્તરણ જરૂરી બન્યું, ત્યારે કેન્દ્રની કૉંગ્રેસ સરકારે અનુમતિ ન આપી. અનુમતિ ન આપવાનું મહત્ત્વનું કારણ રાહુલ બજાજના પિતા કમલનયન બજાજ દ્વારા 1969માં કૉંગ્રેસ વિભાજનની વેળાએ ઇંદિરા ગાંધીની ટીકા હતી. તે પછી ગાંધી-બજાજ પરિવારના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયા. દેશના આ બંને પરિવારો વચ્ચેની આત્મીયતા જાણીતી હતી. એ એટલે સુધી કે જવાહરલાલ નેહરુ કમલનયનના ઘરે દીકરો જન્મ્યો ત્યારે તેમના ઘરે જઈને રાહુલ એમ નામકરણ કર્યું હતું. જવાહરલાલ અને જમનાદાસના જવાથી નેહરુ-બજાજ પરિવારમાં દરાર આવી અને પછી તે ક્યારે ય ન પૂરાઈ.

પરિવારોની દરારનો ભોગ બજાજ ગ્રૂપ બન્યું અને તે કારણે બજાજ સ્કૂટરની નોંધણી પછી તેની ડિલવરી લેવામાં ગ્રાહકોને વર્ષો સુધી રાહ જોવાની આવતી. લાયસન્સ રાજના આ સમયને યાદ કરીને રાહુલ બજાજે અનેક વખત જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો. આ બંદીશ છતાં રાહુલ બજાજ પોતાનો માર્ગ કાઢતા રહ્યા. 1972માં પિતા કમલનયનના નિધન બાદ તેઓ બજાજ ગ્રૂપના ચેરમેન બન્યા. તેમણે સ્કૂટરની લોકપ્રિયતા ટોચે પહોંચાડી. બજાજ સ્કૂટરની માંગ-પુરવઠામાં એટલી અસમતુલા હતી કે ઘણાં વખત સુધી તેની કાળાબજારી થતી. જે નસીબવંતા ગ્રાહકોને ચેતક કે સુપર બજાજ મળી જતું, તેઓ બમણી કિંમતે વેચી નાખવાના દાખલા પણ બન્યા છે. તે પછી ટુ-વ્હીલરમાં નવી કંપનીઓ આવી તેમ છતાં બજાજનો એકાધિકાર કાયમ રહ્યો અને આમ ત્રણ દાયકા સુધી બજાજ સ્કૂટર મધ્યમવર્ગીય ભારતીય પરિવારની સવારી બની રહી. ભાગ્યે જ કોઈ કંપનીને આ રીતે બજારમાં એકાધિકાર ભોગવવા મળે છે. કોઈ કંપની આ સ્થિતિમાં આવે તો તેનો લાભ લેવાનું મુનાસિબ માને છે. બજાજ ગ્રૂપ દ્વાર આમ ન થયું અને તેનું કારણ રાહુલ બજાજે એક મુલાકાતમાં આપ્યું પણ છે. તેઓએ કહ્યું છે : “બાળપણમાં ગાંધીવાદી ટ્રસ્ટીશીપ અમે સમજ્યા હતા અને તેનું અનુકરણ કરતા. ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ ન્યૂનત્તમ કિંમત પર મળે અને દરેક કર્મચારીને યોગ્ય વળતર મળે તે માપદંડ અમે રાખ્યા છે.” બજાજ ઓટો ગ્રૂપ બજારમાં ડિમાન્ડ મુજબ સપ્લાય મળે તે રીતે પ્રોડક્શન વધારી શક્યા જનતા પક્ષની સરકારમાં. જનતા પક્ષમાં ઉદ્યોગમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ હતા અને તેમણે તરત આવીને પ્રોડક્શન બમણું કરવાની મંજૂરી આપી.
તે પછી ઇંદિરા ગાંધી ફરી શાસનમાં આવ્યાં ત્યારે તેમાં કોઈ મર્યાદા ન લગાવવામાં આવી અને રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે તો એક વર્ષમાં દસ લાખ સ્કૂટર પ્રોડક્શનની મંજૂરી મળી. આ દરમિયાન અનેક વખત બજાજ ગ્રૂપ પર આવકવેરા વિભાગની રેડ થઈ ચૂકી હતી. જો કે સઘન તપાસ છતાં ય બજાજ ગ્રૂપ વિરુદ્ધ સરકારને એવું કશું ન મળ્યું જેનાથી ગ્રૂપની શાખને નુકસાન પહોંચી શકે. આટઆટલાં વિરોધ છતાં કંપનીનો ગ્રોથ કાયમ રહ્યો.

1992માં જ્યારે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી, ત્યારે પણ રાહુલ બજાજે પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમનું માનવું હતું કે આ રીતે વિદેશી કંપનીઓને આવકાર આપવો તે સ્થાનિક કંપનીઓ માટે વધુ પડકાર ઊભો કરશે. સ્વાભાવિક છે કે આ પ્રતિક્રિયા તેમણે સમગ્ર દેશના નાનાં-મોટાં ઉદ્યોગો સંદર્ભે આપી હતી. બાકી તો તેમની બજાજ ગ્રૂપની કંપનીઓ વધે જતી હતી, જેનો આંકડો આજે ચાળીસથી વધુ પહોંચ્યો છે. કર્મચારી પણ 36,000થી વધુ છે. આ રીતે કંપની દેશના હૃદય સુધી પહોંચી. કંપનીની આ ભાવનાને અનુરૂપ જ પછીથી ‘હમારા બજાજ …’નું જાણીતી એડનું સર્જન થયું. આ એડ જોઈને હજુ પણ અડધું ભારત નોસ્ટાલ્જિયામાં સરી પડે છે.

સામ્રાજ્ય સર્જવા અવિરત સંઘર્ષ અનિવાર્ય થઈ પડે છે અને રાહુલ બજાજના કિસ્સામાં જેમ સરકાર સાથે દ્વંદ્વ થતો રહ્યો તે રીતે ઇટાલિયન કંપની પિયાજિયો સાથે પણ સંઘર્ષ થયો. બજાજ સ્કૂટરનું પ્રથમ કારખાનું પિયાજિયો સાથે મળીને શરૂ થયું હતું. પણ એક સમયે પિયાજિયોએ કરારને આગળ વધારવાનો ઇન્કાર કરી દીધો. બજાજ એ સ્થિતિમાં આવી ગયું કે તે સ્કૂટર ન બનાવી શકે, પરંતુ રાહુલ સ્કૂટરને લોકોની જરૂરિયાત તરીકે જોતા હતા. માર્કેટમાં સ્કૂટરની ડિમાન્ડ પણ હતી, તેથી તેમણે કરારના અંત છતાં સ્કૂટર બનાવવાનું ચાલુ રાખ્યું. આ પૂરો મામલો પછી આંતરરાષ્ટ્રિય ન્યાયાલય સુધી પહોંચ્યો, અને ત્યાં પણ તેઓ લાંબી કાનૂની લડત લડ્યા. આ રીતે સમાધાન નહીં કરવાના અનેક દાખલા રાહુલ બજાજના જમા ખાતે બોલે છે. તેમની આ છબિના કાયલ અન્ય ઉદ્યોગપતિઓ પણ હતા, અને તેથી જ તેમના અવસાનના ન્યૂઝ આવ્યા ત્યારે જાણીતા ઉદ્યાગપતિ હર્ષવર્ધન ગોયન્કાએ તેમના એક એક્સરે પ્લેટની તસવીર ટ્વીટ કરી. આ તસવીર સાથે હર્ષવર્ધને લખ્યું છે : “અમે એક માત્ર ઉદ્યોગસાહસિકની ખોટ અનુભવીશું, જેમનો આ એક્સરે છે. તસવીરમાં એક કરોડરજ્જુ છે. એકદમ ટટ્ટાર કરોડરજ્જુ.”
આ ઉપરાંત પણ તેમની અનેક સિદ્ધિઓ છે જે તેમના અવસાન પછી સર્વત્ર મુકાઈ છે. રાહુલનું જેમ જાહેર જીવન હતું તેમ તેમની અંગત જીવનની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે તેઓ મારવાડી-રાજસ્થાની પરિવારમાંથી આવતા હતા અને તેમણે લગ્ન મહારાષ્ટ્રીય યુવતિ સાથે કર્યું. તેમના પરિવારમાં આ પ્રથમ લવ-મેરેજ હતું. તેમનાં પત્ની રૂપા મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાંથી આવતાં હતાં. રૂપાના પિતા સિવિલ સર્વન્ટ્સ હતા અને તેથી આ બંને પરિવારોને એકબીજા સાથે તાલ બેસાડવામાં સમય ગયો. જો કે રાહુલ તેમની સફળતાનો શ્રેય રૂપાને આપે છે. તેમનું કહેવું છે કે રૂપા પાસેથી તેઓ ઘણું શીખ્યા છે. રાહુલ બજાજ એક વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ભારતીય ઉદ્યોગ સંઘ ‘સી.આઈ.આઈ.’, ‘સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ’ના અધ્યક્ષ રહ્યા છે. ઇન્ડિયન એરલાઇન્સના તેઓ ચેરમેન પણ હતા અને તેઓને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે. રાહુલ બજાજનું દીર્ઘ જીવન આમ અનેક ઘટનાઓથી ભર્યુંભર્યું છે.

Related posts

મીડિયા-પોલિટિક્સમાં સહભાગિતાથી સાક્ષી સુધીની શૌરીની સફર

admin

રસી નિર્માણ પ્રક્રિયા : અનિશ્ચિતભરી દુનિયા!

admin

ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અવસર જોવાનો ‘ખેલ’

admin

Leave a Comment