December 23, 2024
Jain World News
Column

પિતાએ પુત્રીને લખેલાં પત્રોમાં જગતનું રેખાદર્શન!

એક પિતા તેમની પુત્રીને પત્રો લખે અને તેમાં પૂરા જગતભરનું દર્શન કરાવે અને તે પત્રો આગળ જતાં એક મહામૂલ્ય દસ્તાવેજની જેમ પ્રકાશિત થયો. આ દસ્તાવેજ એટલે જવાહરલાલ નેહરુ લિખિત ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’. નેહરુએ આ પત્રો જેલવાસ દરમિયાન પુત્રી ઇન્દિરાને લખ્યા હતા. એક પિતા તેના પુત્રીને વરસગાંઠની કેવી ભેટ આપી શકે તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ભેટ આપતી વેળાએ શરૂઆતમાં નેહરુને જે અનુભૂતી થઈ હતી તે પણ તેમણે આલેખી છે. તેઓ લખે છે : “તારી વરસગાંઠને દિવસે હંમેશાં તને ભાતભાતની ભેટસોગાદો અને શુભેચ્છાઓ મળતી રહે છે. આજે પણ અંતરની શુભેચ્છાઓ તો તને ભરપૂર મોકલું છું, પણ નૈની જેલમાંથી હું તને ભેટ શી મોકલી શકું? મારી ભેટ બહુ સ્થૂલ કે નક્કર પદાર્થોની તો ન જ હોઈ શકે. તે તો કોઈ ભલી પરી તને આપી એવી સૂક્ષ્મ, હૃદય અને આત્માની ભેટો જ હોઈ શકે, અને તુરંગની ઊંચી ઊંચી દીવાલો પણ એ ભેટોને તો થોડી જ રોકી શકવાની હતી?” નૈની જેલમાંથી લખેલા પ્રથમ પત્રથી આ પુસ્તક આકાર લેવા માંડ્યું હતું. 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હતી, તેને અનુલક્ષીને પિતા-પુત્રોના આ ભૂલાયેલા આ સંબંધને ફરી જાણવા જેવો છે.

વર્તમાનમાં નેહરુ-ઇન્દિરા ગાંધીનું નામ આવે છે ત્યારે તેમની મહંદશે ટીકા થતી રહે છે; પણ તેઓના પત્રરૂપી સંવાદથી ખ્યાલ આવી શકે કે જગતના કેટલાં સૂક્ષ્મ બાબતોની તેઓ પરિચિત હતાં અને પિતા-પુત્રીના સંબંધમાં તે બાબતોની વિસ્તારથી ચર્ચા થાય તેઓ અવકાશ પણ તેમણે રાખ્યો હતો. ઇન્દિરા માટે પત્રોરૂપી આ સંદૂખમાં પહેલાવહેલા ઇતિહાસ તરફની દૃષ્ટિ વિસ્તારતાં અગાઉ નેહરુ લખે છે : “પૃથ્વીના જુદા જુદા ભાગોમાં માણસ પોતી ચિત્રવિચિત્ર યાત્રા શરૂ કરે છે. અને કેટલીક વાર ડહાપણભરી તથા ઘણી વાર ગાંડપણ અને બેવકૂફીભરી, મનુષ્યની એ જીવનયાત્રાનું નિરૂપણ કરવું સહેલું નથી. પુસ્તકોની સહાયથી એ પ્રયાસ થઈ શકે ખરો, પરંતુ નૈની જેલમાં કંઈ પુસ્તકાલય નથી. એટલે મને ભય રહે છે કે, મારી ઘણીયે ઇચ્છા હોવા છતાં જગતના ઇતિહાસનો સળંગ હેવાલ હું તને આપી શકીશ નહીં. છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરા ય પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે, એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એક-બે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે.” જગતનો ઇતિહાસ નિરૂપતું આ પુસ્તક એ માટે જ ‘લિબરલ એજ્યુકેશન’ના એક મહામૂલા ગ્રંથ તરીકે દુનિયાભરમાં આદર પામી ચૂક્યું છે.

નેહરુના આ પત્રોથી ઇન્દિરા ગાંધીએ મેળવેલી શીખ તેમણે આજીવન ગાંઠે બાંધી રાખી હતી તેમ અન્ય બાળકો પણ આ પુસ્તકથી મહામૂલું શિક્ષણ મેળવી શકે છે. જો કે, પુસ્તકમાં એક વાત નેહરુ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે, : “આ પત્રો અંગત સ્વરૂપના છે. એમાં ઘણા ઉલ્લેખો બહુ જ અંગત છે અને તે કેવળ મારી દીકરીને ઉદ્દેશીને જ કરવામાં આવ્યા છે. એનું શું કરવું એ મને સમજ પડતી નથી, કેમ કે, સારી પેઠે જહેમત ઉઠાવ્યા વિના એ કાઢી નાખી શકાય એમ નથી. એથી કરીને હું તેમને જેમના તેમ રહેવા દઉં છું.”

પુસ્તકમાં ‘એશિયા અને યુરોપ’ પ્રકરણથી જગતના ઇતિહાસનું આલેખન થાય છે અને તેમાં આગળ જતાં ‘પ્રાચીન સંસ્કૃતિઓ અને આપણો વારસો’નો આલેખ મળે છે. ગ્રીસના નગરરાજ્યો વિશે નેહરુએ વિગતે વાત કરી છે અને ચીનના ઇતિહાસનાં એક વર્ષનો ઇતિહાસ પણ આલેખ્યો છે. આ બધા જ પત્રોની ખૂબી ઇતિહાસ જણાવવાનો ભાર વર્તાયા વિના તે પીરસાય છે, તે છે. તે વિશે નેહરુ ચીન સંબંધિત પ્રકરણમાં લખે છે : “એક નાના સરખા ફકરામાં, બે ત્રણ નાનાં વાક્યોમાં, મેં અગિયારસોથીયે વધારે વરસોનો ચીનનો ઇતિહાસ પતાવી દીધો, એ આશ્ચર્યજનક નથી? પરંતુ ઇતિહાસના આવડા મોટા વિસ્તારની બાબતમાં બીજાં શું થઈ શકે? પણ તારે એ બરાબર સમજી લેવું જોઈએ કે મારો એ ફકરો ટૂંકો છે તેથી કંઈ અગિયારસો વરસનું લંબાણ ટૂંકું થઈ જતું નથી.” ચીનનો એક હજાર વર્ષનો ઇતિહાસ નેહરુએ માત્ર ત્રણ પાનાંમાં સિફ્તપૂર્વક ઉતાર્યો છે.
ઇતિહાસની જેમ નેહરુએ માનવજીવનની ખૂબી-મર્યાદાની વાતો પણ પુસ્તકમાં દેખા દે છે. વિશ્વનાગરિક તરીકે નેહરુએ જે શિક્ષણ મેળવ્યું તેનો નિચોડ તેમના લખાણમાં મળે છે. ‘મનુષ્યનો જીવનસંગ્રામ’ પત્રમાં તેઓ લખે છે : “દૂરના ઝાંખા ભૂતકાળમાંથી ઇતિહાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, લોકો વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરતા જાય છે, ભિન્ન ભિન્ન ધંધાઓમાં નિષ્ણાત થતા જાય છે, તથા પોતાના માલની એકબીજા સાથે લેવડદેવડ કરે છે અને એ રીતે વેપાર વધાર છે. વળી, આપણે માલને લાવવા લઈ જવાનાં તથા સંસર્ગ સાધવાનાં નવાં અને વધારે સારાં સાધનો પણ અસ્તિત્વમાં આવતાં જઈએ છીએ. ખાસ કરીને વરાળયંત્રની શોધ પછી, લગભગ છેલ્લાં સોએક વર્ષમાં એમાં ઘણી પ્રગતિ થઈ છે. જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ દુનિયાની સંપત્તિ વધે છે અને કંઈ નહીં તો મૂઠીભર લોકોને વધારે આરામ અને નવરાશ મળે છે. અને આવી રીતે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે તેનો વિકાસ થાય છે.” થોકબંધ ઉત્પાદનથી થતો વિકાસ અને તેના પરિણામોને નેહરુએ કેટલાં સરળતાથી અહીં મૂકી આપ્યા છે.

પત્રોમાં વિશ્વના ઇતિહાસ-વર્તમાન પર નેહરુની દૃષ્ટિ ફરે છે તેમ હિંદુસ્તાનનું ચિત્ર પણ તેમાં ઝિલાય છે અને તેમાં કારીગરવર્ગની દુર્દશા વિશે પણ લખાયું છે. આ ઇતિહાસમાં માત્ર મનોરંજન અર્થે માહિતી નથી, પણ ક્યાંક કડવી વાસ્તવિકતાનો ચિતાર છે. એક જગ્યાએ નેહરુ હિંદમાં કારીગવર્ગની દુર્દશા કેમ આવી તે વિશે લખે છે : “સેંકડો વરસ સુધી જે ‘પૂર્વની દુનિયાનું લેંકેશાયર’ બની રહ્યું હતું અને જેણે 18મી સદીમાં યુરોપને મોટા પ્રમાણમાં સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું, તે હિંદ પાકો માલ બનાવનાર દેશ તરીકે પોતાનું સ્થાન ખોઈ બેઠું કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની રહ્યું. સામાન્ય રીતે હિંદમાં જે બનવું સંભવિત હતું તે ન બન્યું. એટલે કે, અહીંયા યંત્રો ન આવ્યાં પણ તેને બદલે યંત્રોમાં બનેલો માલ બહારથી આવ્યો. હિંદમાં બનેલો માલ વિદેશોમાં લઈ જઈને તેને બદલે સોનુંચાંદી લાવનાર જે પ્રવાહ અહીંથી વહેતો હતો તે હવે ઊલટા દિશામાં વહેવા લાગ્યો. હવે પછી વિદેશી માલ હિંદમાં આવવા લાગ્યો અને સોનુંચાંદી બહાર જવા લાગ્યાં.” બ્રિટિશકાળ દરમિયાન ઔદ્યોગિકિકરણના કારણે હિંદમાં જે સ્થિતિ ઉદ્દભવી તેનો સ્વિકાર નેહરુએ કર્યો છે અને આ સ્વિકારભાવથી જ આઝાદી પછીની આર્થિક નીતિઓ ઘડાઈ. પણ આજકાલ આર્થિક મર્યાદાને સ્વિકારવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવે છે અને તેથી તેનો ઉકેલેય જડતો નથી.

કોઈ પણ બાબતનો ઉકેલ શોધવામાં કોઈ ‘વાદ’માં પડવું નહીં તે અંગે નેહરુ ચેતવણી ઉચ્ચારે છે અને કહે છે : “ફ્યૂડલવાદ, મૂડીવાદ, સમાજવાદ, સંઘવાદ, અરાજકતાવાદ, સામ્યવાદ – દુનિયામાં આજે કેટલા બધા ‘વાદો’ છે! અને એ બધાની પાછળ તકસાધુપણું અથવા તકવાદ તરાપ મારવાને માટે તૈયાર તઈને બેઠો છે! પરંતુ એ ઉપરાંત દુનિયામં એક બીજો ‘વાદ’ છે અને તે છે આદર્શવાદ. જે કોઈને એની પડી હોય તે એને અપનાવી શકે છે. પરંતુ એ આદર્શવાદ એટલે પોકળ કલ્પનાઓ કે તરંગો નહીં, પણ ઉદાત્ત માનવી ધ્યેય માટેનો – જે મહાન ધ્યેયને આપણે સિદ્ધ કરવા ચાહીએ છીએ તેને માટે કાર્ય કરવાનો આદર્શવાદ છે.”
જો કે જગતનું દર્શન આપ્યા છતાં પોતાના કાર્યનું ક્ષેત્ર વ્યક્તિએ નિશ્ચિત કરવાનું છે અને તેમાં શું કરી શકીએ તે પણ નેહરુ સરસ રીતે રેખાંકીત કરી આપે છે. તેઓ લખે છે : “ભૂતકાળ પ્રત્યેનું આપણું ઋણ આપણે માન્ય રાખીએ એ ઉચિત છે. પરંતુ ભૂતકાળનું ઋણ માન્ય રાખવા માત્રથી આપણું કર્તવ્ય કે આપણી જવાબદારી પૂરી થતી નથી. ભવિષ્યકાળ પ્રત્યે પણ આપણું ઋણ છે અને ભૂતકાળના આપણા ઋણ કરતાં કદાચ એ ઋણ વિશેષ હશે. કેમ કે, ભૂતકાળમં જે કંઈ થઈ ગયું તે તો થઈ ગયું અને પૂરું થયું, આપણે તેને બદલી શકીએ એમ નથી. પરંતુ ભવિષ્યકાળ તો હજી આવવાનો છે અને કદાચ આપણે એને આપણી ધારણા પ્રમાણે કંઈક અંશ ઘડી શકીએ.”

https://opinionmagazine.co.uk/details/6557/pitaae-putfreene-lakhelaan-patromaam-jaganun-rekhaadarshan-

Related posts

ન્યૂક્લિઅર આધારિત વીજળી : લાભ ને જોખમ કેટલાં?

admin

નવી પ્રજાતિઓનાં શોધકાર્યનું વિશ્વ …

admin

મજૂર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં

admin

Leave a Comment