જૈન સિમ્બોલ એ વિવિધ પ્રતીકોનો સમૂહ છે. જેમાં જણાવેલ દરેક સિમ્બોલનો ઊંડો અર્થ જણાય છે. જૈન ધર્મનાં તમામ સંપ્રદાયો દ્રારા ભગવાન મહાવીરના નિર્વાણની 2500મી વર્ષગાંઠની યાદમાં આ સિમ્બોલને અપનાવ્યું હતું. આ સિમ્બોલની રૂપરેખા બ્રહ્માંડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સિમ્બોલમાં દર્શાવામાં આવેલ સાતમો ભાગ નરકનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રહ્માંડના મધ્યમાં આવેલ પૃથ્વી પર મનુષ્ય રહે છે. જૈનોનું એવું માનવું છે કે, આ બ્રહ્માંડ ન તો કોઈએ બનાવ્યું છે, ન તો કોઈ એનો નાશ કરી શકશે અથવા કે તેનું સ્વરૂપ બદલી શકે.
સિમ્બોલમાં જણાવેલ સંજ્ઞાઓ વિશે જાણકારી મેળવીએ.
હાથ અને ચક્રની સમજ
સિમ્બોલમાં દર્શાવેલ ઊંચો હાથ એ ઊભા રહેવાનો નિર્દેશ કરે છે. હાથમાં જણાયેલ ચક્રની મધ્યમાં અહિંસા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કોઈપણ કાર્ય કરતાં પહેલા બે વખત વિચાર કરવાનો નિર્દેશ કરે છે. આ સાથે હાથમાં સુચિત કરેલું ચક્ર સાવચેત રહેવા અને હિંસક પ્રવૃતિથી દુર રહેવા જણાવે છે. જોકે, આવી પ્રવૃતિ સતત ચાલુ રાખવાથી ચક્રની માફક આપણે પણ જન્મ મરણનાં ચક્રમાં ગોળ-ગોળ ફરતાં જ રહીશું તેમ જણાવ્યું છે.
સ્વસ્તિકના ચાર હાથ (સાથીઓ)
સ્વસ્તિકના ચાર હાથ એ નિર્દેશ કરે છે કે, જન્મ મરણનાં ચક્ર દરમિયાન આપણે સ્વર્ગીય માણસો, મનુષ્યો, પ્રાણીઓ અને નરક એમ ચાર ભાગમાંથી કોઈ એકમાં જન્મ લઈએ છીએ. ઉપરાંત સ્વસ્તિક એવો જણાવે છે કે, આપણે ચાર ગણા જૈન સંઘના સ્તંભ બનવાથી જ મુક્તિની પ્રાપ્તી થાય છે. જૈન સંઘના ચાર સ્તંભમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ થાય છે. જેમાં સૌપ્રથમ આપણે શ્રાવક અથવા શ્રાવિકા બનવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ સંસારિક જીવનનો ત્યાગ કરીએ ત્યારે સાધુ અથવા સાધ્વીના માર્ગને અનુસરવું જોઈએ.
ત્રણ બિંદુઓ : જૈન ધર્મના ત્રણ રત્નો
સ્વસ્તિકની ઉપર જણાવેલ ત્રણ બિંદુઓ જૈન ધર્મના ત્રણ રત્નોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં મુખ્યત્વે સમ્યક દર્શન એટલે સાચો વિશ્વાસ, સમ્યત જ્ઞાન, સમ્યક ચરિત્ર રત્નોનો સમાવેશ કરવામાં આવે છે. આમ મુક્તિ મેળવવા માટે આ ત્રણેય રત્નોનું હોવું આવશ્યક છે.
જૈન સિમ્બોલમાં સૌથી ઉપર એક વક્ર ચાપ જોવા મળશે. જે સિદ્ધોના નિવાસસ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. જેને સિદ્ધશિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસ્થા હાંસિલ કરવાં માટે બધા જ કર્મોનો નાશ કરવો જોઈએ. ત્યારે દરેક જીવ મુક્તિ અથવા મુક્તિની આ સ્થિતિ માટે પ્રયત્ન કરવો જોઈએ.