હાલના સંજોગોમાં કોરોના સામે લડવાનું સૌથી અકસીર શસ્ત્ર ટેસ્ટિંગ છે. ટેસ્ટિંગ કરો અને સંક્રમિત થયા છે તેને અન્ય લોકોથી દૂર કરો – આ તેને અટકાવવાનો મંત્ર છે. જ્યાં ટેસ્ટિંગ વહેલાસર થયા છે ત્યાં પરિણામ સારા મળ્યા છે. દક્ષિણ કોરિયા અને જર્મની જેવા દેશો તેના ઉદાહરણ છે. અમેરિકા અને ઇટાલી જ્યાં મોટા પ્રમાણમાં કોરોના પ્રસર્યો ત્યાં ટેસ્ટિંગ રેટ વધ્યો છે, પણ ટેસ્ટિંગની શરૂઆત મોડે થઈ હતી.
દક્ષિણ એશિયાઈ દેશોમાં કરોડોની વસતીમાં ઝડપભેર ટેસ્ટ કરવા પડકારભર્યું છે. ટેસ્ટિંગ કીટના ફાંફાં છે અને ટેસ્ટ કરનારો સજ્જ સ્ટાફ અપૂરતો છે, ત્યારે તો તે ટાસ્ક અશક્ય લાગે એવું છે. આ કિસ્સામાં પ્રમાણમાં ઓછી વસતી ધરાવતા દેશો ઝડપથી સુરક્ષિત થઈ શકે છે. ભારતમાં 30 એપ્રિલ સુધીનો જે ડેટા મળ્યો છે તે મુજબ સાડા આઠ લાખ જેટલા ટેસ્ટ થઈ ચૂક્યા છે. મતલબ કે દસ લાખે આપણી ટેસ્ટિંગ સરેરાશ 614 વ્યક્તિઓની આવે છે. કોરોના જે રીતે પ્રસરી રહ્યો છે તે પ્રમાણે આ સરેરાશ ખૂબ ઓછી છે.
ટેસ્ટિંગ કરીને પ્રજાને સુરક્ષિત કરવાના પ્રયાસોમાં અમેરિકા અત્યારે સૌથી આગળ દેખાઈ રહ્યું છે. અમેરિકા અત્યાર સુધી ત્રેસઠ લાખ ટેસ્ટ કરી ચૂક્યું છે. રશિયા પણ ઝડપભેટ ટેસ્ટ કરી રહ્યું છે. રશિયાએ ટેસ્ટનો દર્શાવેલો આંકડો પાંત્રીસ લાખ છે. ઇટાલી વીસ લાખ ટેસ્ટની નજીક છે અને જર્મની પચીસ લાખ. આ તમામ દેશોએ ટેસ્ટિંગને જ ઇલાજનો ભાગ ગણ્યો છે અને હોટ-સ્પોટમાં દરેકેદરેક વ્યક્તિનો ટેસ્ટ થવો જોઈએ તેવી પ્રાથમિકતા રાખી છે.
આપણા દેશમાં ટેસ્ટિંગ સરેરાશ ઓછી છે. ઉપરાંત, જે રીતે સંક્રમિત કેસોની સંખ્યા અને મૃત્યુ-આંક રોજેરોજ મળે છે તે પ્રમાણે કેટલા ટેસ્ટ થયા છે તેનો આંકડો સરળતાથી મળતો નથી. ટેસ્ટિંગના આવતા આંકડામાં પણ તફાવત જોવા મળે છે. આ સિવાય કેટલાક કિસ્સામાં ખામી ભરેલા કીટથી ટેસ્ટિંગ થયાં છે, તેની વિગત પારદર્શી રીતે આપવામાં આવી નથી. ટેસ્ટીંગમાં ગુજરાતનું સ્થાન અન્ય રાજ્યોના સરખામણીએ જોઈએ તો દિલ્હી, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશે સરેરાશ વધુ ટેસ્ટ કર્યાં છે. મહારાષ્ટ્રે સંખ્યાની રીતે દેશમાં સૌથી વધુ ટેસ્ટ કર્યા છે; આ ટેસ્ટની સંખ્યા દોઢ લાખ છે. ટેસ્ટિંગ કરવામાં જે રાજ્યો પાછળ છે તેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આસામ અને ઉત્તર પ્રદેશ છે.
એપ્રિલ મહિનાના આરંભમાં દેશમાં દસ હજાર જ ટેસ્ટિંગ થયા હતા, ત્યાર બાદ ટેસ્ટિંગની કેપિસિટી સતત વધતી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હાલમાં કહ્યા મુજબ, રોજ એક લાખ ટેસ્ટ થઈ શકે તે ક્ષમતા સુધી આપણે પહોંચી જઈશું. હાલમાં સરકારની 288 અને પ્રાઈવેટ 97 જેટલી લેબોરેટરી કોરોનાનો ટેસ્ટ કરી રહી છે. આ માટે 16,000 સેમ્પલ કલેક્શન સેન્ટર દેશભરમાં ઊભા કરવામાં આવ્યા છે. દેશમાં હાલમાં રોજના 60,000 ટેસ્ટ થઈ રહ્યાં છે. આ સિવાય સરળમાં સરળ ટેસ્ટ કીટ નિર્માણ કરવા માટે પણ સંશોધકો દિવસ-રાત કામ કરી રહ્યાં છે. ‘આઈ.સી.એમ.આર.’ અને અન્ય પ્રાઈવેટ કંપનીઓ તરફથી તેનાં ડે ટુ ડે અપટેડ આવી રહ્યા છે, જે મુજબ વહેલાસર કિફાયતી – ઝડપી ટેસ્ટ કીટની શક્યતા દર્શાવાઈ રહી છે.
મહામારીને માત આપવા આંકડાને લઈને પારદર્શી રહેવું અગત્યનું છે. આ અંગે અત્યારે મોટા ભાગના દેશો ઘાલમેલ કરી રહ્યાં છે અથવા તો મહામારીને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતા ન હોવાથી અપડેટ આપી રહ્યા નથી. ટેસ્ટિંગ જ્યાં સુધી ઝડપી અને સરળ નહીં બને ત્યાં સુધી આ મહામારી સામે લડવું અંધારી ટનલમાંથી મંઝીલ સુધી પહોંચવા જેવું છે.
https://opinionmagazine.co.uk/details/5604/corona-testing-rate-aankadaanee-maayaajaad–