December 24, 2024
Jain World News
Column

‘એલ.આઈ.સી.’ : સુરક્ષા બક્ષનાર સુરક્ષિત છે?

આજ દિન સુધી ભારતીય જીવન વીમા નિગમ જેને આપણે ‘એલ.આઈ.સી.’ના નામે ઓળખીએ છીએ તેના આર્થિક પાસાંને લઈને ક્યારે ય શંકા ઊઠી નહોતી. પણ છેલ્લા મહિનાથી એવાં ન્યૂઝ આવી રહ્યાં છે કે ‘એલ.આઈ.સી.’નું તંત્ર જોખમમાં છે. ‘એલ.આઈ.સી.’ તેની મજબૂત આર્થિક સ્થિતિ માટે જાણીતી છે. અને તેની સ્થાપના કાળથી તેના મૂળ મંત્ર योगक्षेम वहाम्यहम्ને વળગી રહી છે, જેનો અર્થ થાય છે ‘પ્રાપ્ત સંપત્તિની સુરક્ષા કરવી.’ ‘એલ.આઈ.સી.’ની શાખ અત્યાર સુધી અકબંધ રહી છે, પણ છેલ્લા બે અઠવાડિયામાં તેને લઈને પ્રશ્ન થયા છે. તો શું ખરેખર ‘એલ.આઈ.સી.’ માટે જોખમ ઊભું થયું છે? કે પછી ધંધાકીય જે ખોટ કોઈને પણ ભોગવવાની હોય તે રીતે ‘એલ.આઈ.સી.’ને ખોટ ગઈ છે? ‘એલ.આઈ.સી.’નો વધી રહેલો ‘એન.પી.એ.’થી શું વીમાપોલીસી ધારક ચેતવું જોઈએ? આ પ્રશ્નોના જવાબો તટસ્થાથી મેળવવા પ્રયાસ કરીએ.

‘એલ.આઈ.સી.’ની 1956માં સ્થાપના થયા બાદ તેની શાખ અને સંપત્તિ વૃદ્ધિ પામતી રહી છે. આજે પણ તેની કુલ સંપત્તિનો આવકનો આંકડો 36 લાખ કરોડ જેટલો માતબર છે. અને તેના કાર્યોમાં માત્ર લાઇફ ઇન્સ્યોરન્સ નથી, બલકે ‘એલ.આઈ.સી.’ હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બેન્કિગ અને મ્યૂચ્યુઅલ ફંડ સુધ્ધામાં કાર્યરત છે. સમય પ્રમાણે ‘એલ.આઈ.સી.’ પરિવર્તન પામતું રહ્યું છે, તેથી જ તેની સંપત્તિ વધતી રહી છે અને લોકોમાં પણ તેના પ્રત્યેનો વિશ્વાસ બરકરાર રહ્યો છે. આજે પણ ‘એલ.આઈ.સી.’ની વેબસાઈટ પર જઈને જોઈએ તો તેઓના છેલ્લા પંદર વર્ષના વાર્ષિક અહેવાલ મળે છે. સામાન્ય રીતે સરકારના અનેક ખાતાઓના હિસાબ મૂકવાનો દાવો કરવામાં આવે છે, પણ તે અહેવાલ મૂકાતા નથી. ખેર, ‘એલ.આઈ.સી.’ની પ્રક્રિયા પારદર્શી લાગે છે અને તેની આર્થિક સ્થિતિને લઈને જે પ્રશ્ન ઊઠ્યો છે તેમાં જે આંકડો દર્શાવવામાં આવ્યો છે તે 30,000 કરોડનો છે. આ રકમને ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ (એન.પી.એ.) તરીકે બતાવવામાં આવી છે.

સૌ પ્રથમ આ ‘એન.પી.એ.’ એટલે શું તે સમજી લઈએ. ‘એન.પી.એ.’ એટલે સમજો કે ‘એલ.આઈ.સી.’એ કોઈને લોન આપી છે, તેનાથી તેને આવક થાય છે. ‘એલ.આઈ.સી.’ માટે આ આવક સંપત્તિ છે. જેને લોન મળી છે તેના માટે તે જવાબદારી છે. સમયસર લોન ભરપાઈ કરવાની તેની ફરજ છે. આ લોન જ્યારે સમયસર ભરપાઈ થતી હોય ત્યારે તેને ’સ્ટાન્ડર્ડ એસેટ્સ’ ગણાય છે. પરંતુ જો કોઈ ત્રણ હપ્તા કે 90 દિવસ સુધી ભરપાઈ કરતા નથી તો તેને ‘એન.પી.એ.’માં ગણી લેવામાં આવે છે. તેનો સરળ અર્થ એટલો થાય છે કે ‘એલ.આઈ.સી.’ની તે કમાણી બંધ થઈ ગઈ છે અને હવે કંપની તેની વસૂલાત ગિરવી રાખવામાં આવેલી સંપત્તિ અથવા શેર્સ વેચીને કરશે. જો.કે નાણાંની રિકવરી સરળ નથી હોતી. તેમાં નાણાં મેળવવા કરતાં તેની પ્રક્રિયા લાંબી થઈ જાય છે. આ કિસ્સામાં ‘એન.પી.એ.’ વધે ત્યારે લોન આપનારી કંપની પર સવાલ ઊઠે છે, જે ‘એલ.આઈ.સી.’ સાથે થયું.
‘એલ.આઈ.સી.’ની સ્થિતિ ડામાડોળ થાય ત્યારે તેની અસર મોટા વર્ગને થાય. અને તેથી તેના પર રાજકીય ટીપ્પણી પણ આવે. એક અઠવાડિયા અગાઉ રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરીને લખ્યું હતું : “કરોડો પ્રામાણિક લોકો એલ.આઈ.સી.માં રોકાણ કરે છે. પરંતુ મોદી સરકાર ‘એલ.આઈ.સી.’ને નુકસાન પહોંચાડીને તેના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને લોકોના વિશ્વાસને ગુમાવી રહી છે.” રાહુલ ગાંધી આ સાથે બિઝનેસ ટુડે મેગેઝિનના અહેવાલની લિન્ક મૂકી હતી. આ અહેવાલના અંશ જોઈએ : “જો તમે એવું સમજતા હોય કે એલ.આઈ.સી. સરકારની સુરક્ષિત સિક્યૂરિટીઝ ખરીદી છે, તો તમે ખોટા છો. એલ.આઈ.સી.એ જ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં તેના એન.પી.એ.ના આંકડા છ ટકાથી વધુ દરે વધ્યા છે, જે ઓલમોસ્ટ બેન્કના એન.પી.એ. જેટલાં જ છે. અત્યાર સુધી એલ.આઈ.સી. માટે એન.પી.એ.નો દર 1.5-2 ટકા જેટલો જ રહેતો, પણ છેલ્લા પાંચ વર્ષમાં તેની ટકાવારી સાત ટકા સુધી પહોંચી છે! એલ.આઈ.સી.ના નાણાં ચાઉ કરી જનારાઓમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, અમત્રક ઓટો, યુનિટેક, જીવીકે પાવર એન્ડ જીટીએ, ગેમ્મોન, આઈએલ એન્ડ એફએસ, ભૂષણપાવર, એસ્સાર શિપિંગ અને ડેક્કન ક્રોનિકલ જેવી કંપનીઓ છે.”

‘એલ.આઈ.સી.’થી લોન આપમાં અને રોકાણ કરવામાં જે ભૂલો થઈ છે, તે ન થાય તેવું નથી. પણ ટૂંકાગાળામાં ‘એલ.આઈ.સી.’ આ રીતે ભૂલ કરે તો તે જોખમી છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલે તે વિશે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ પોર્ટલ મુજબ ‘એલ.આઈ.સી.’ દ્વારા ‘પબ્લિક સેક્ટર અન્ટરટેકિંગ ઑફ ઇન્ડિયા’(પી.એસ.યુ.)ની પાંચ શેર્સમાં રોકાણ કર્યું છે તેનું નુકસાન મસમોટું છે. જેમ કે ન્યૂઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં ‘એલ.આઈ.સી.’ દ્વારા નોવેમ્બર, 2017માં 5,713 કરોડનું રોકાણ કર્યું હતું, અત્યારે તેનું વર્તમાન મૂલ્ય માત્ર 757 કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે. મતલબ કે 86 ટકા તેની કિંમત નીચે ગગડી ચૂકી છે!
‘એલ.આઈ.સી.’ સુરક્ષિત રોકાણ કરવામાં પાવરધી ગણાય છે અને તેની સંપત્તિની વૃદ્ધિ સુરક્ષિત રોકાણથી જ થઈ છે, પણ જ્યારે બે વર્ષમાં કોઈ રોકાણ કરીને આટલું ધોવાણ થાય તો તે ચિંતાનો વિષય બને છે. આ રીતે જ ‘એલ.આઈ.સી.’ દ્વારા રૂપિયાનું ધોવાણ ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિ.’(એન.ટી.પી.સી.) નામની કંપનીમાં પણ થયું છે. કેન્દ્ર સરકાર હસ્તકની આ કંપની વીજળીનું ઉત્પાદન કરે છે. ઑગસ્ટ, 2017માં 4,275 કરોડનું રોકાણ કરીને તેના શેર્સ ખરીદ્યા. આ કંપનીનો ગ્રાફ જોઈએ તો આ કંપનીના શેર્સના ભાવ ઉતાર-ચઢાવભર્યા રહ્યાં છે. બજારનું જે પ્રકારે ભાવ ઉપર-નીચે જાય તે ક્રમમાં તેનો ગ્રાફ દેખાય છે, પણ માત્ર ત્રણ વર્ષમાં તેમાં ‘એલ.આઈ.સી.’નું નુકસાન 1,272 કરોડ સુધી પહોંચ્યું છે. ‘પી.એસ.યુ.’ કંપનીમાં ‘એલ.આઈ.સી.’ દ્વારા રોકાણ કરવામાં આવેલા શેર્સનું સૌથી ઓછું ધોવાણ ‘એન.ટી.પી.સી.’નું થયું છે. પણ ‘એલ.આઈ.સી.’ જેવી સંસ્થાઓ આ નુકસાનથી બચી શકે એટલું ચોક્કસ.

‘એલ.આઈ.સી.’ પાસે જંગવાર સંપત્તિ છે અને તેથી જ તે અન્ય સેક્ટર અને ‘પી.એસ.યુ.’ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેનાથી આવક ઊભી કરે છે. આ વર્ષે ‘એલ.આઈ.સી.’નો કુલ નફો 2017-18ના વર્ષમાં 26,147 હતો. આ નફો અને પ્રિમિયમરૂપે આવતી અન્ય નાણાંને રોકવા માટે ‘એલ.આઈ.સી.’ હવે નવા સેક્ટરમાં પ્રવેશવા ઇચ્છે છે. જેમ કે બેન્કિગ સેક્ટરમાં આવવાનું ‘એલ.આઈ.સી.’નું વલણ દેખાય છે અને તે માટે જ ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં તેનું રોકાણ વધાર્યું છે. સરકાર હસ્તકની આ બેન્ક હવે ખાનગી બેન્ક થઈ ચૂકી છે અને તેમાં ‘એલ.આઈ.સી.’નું રોકાણ વધતું જ રહ્યું છે. પણ આ બેન્ક સતત ખોટ કરતી રહી છે, જેમ કે સપ્ટેમ્બર-ડિસેમ્બર, 2018માં ‘એલ.આઈ.સી.’ દ્વારા ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં 21,674 કરોડનું રોકાણ કર્યું હતું, આજે તેમાં ‘એલ.આઈ.સી.’એ કરેલા નુકસાનનો આંકડો ઓલમોસ્ટ 10,657 કરોડની આસપાસ છે. ‘એલ.આઈ.સી.’એ સૌથી વધુ નાણાં ‘આઈ.ડી.બી.આઈ.’ બેન્કમાં ગુમાવ્યા છે. આ બેન્ક પર હાલમાં હોલ્ડ ‘એલ.આઈ.સી.’નો છે, પણ માર્કેટની દૃષ્ટિએ આ સોદો લાભકારક દેખાતો નથી.

આ જ રીતે ‘જી.આઈ.સી.’ અને ‘હિન્દુસ્તાન એરોનોટીક્સ’માં પણ ‘એલ.આઈ.સી.’એ નુકસાન વેઠ્યું છે. માન્યું કે ‘એલ.આઈ.સી.’ પાસે જે સંપત્તિ છે, તેનાથી આટલાં નુકસાનમાં કોઈ ફરક પડવાનો નથી અને જેઓ ‘એલ.આઈ.સી.’માં વર્ષોથી નાણાંનું પ્રિમિયમ સ્વરૂપે રોકાણ કરે છે, તેઓ માટે પણ ચિંતાનો વિષય નથી. પણ આ રીતે ‘એલ.આઈ.સી.’ બેદરકરારીથી નુકસાનનો આંકડો વધતો રહે તો તે વિચારનો મુદ્દો જરૂર બને છે. સામાન્ય લોકોની નાની-નાની બચત ‘એલ.આઈ.સી.’માં પડી છે, અને તેનાથી જ તેઓને જીવન સુરક્ષિત છે તેવું અનુભવે છે. આ વિશ્વાસને ઠેંસ ન પહોંચવી જોઈએ.
અહીંયા એટલું નોંધવું રહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને લઈને ઘોંચમાં મૂકાઈ છે. અગાઉ આ સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભંડોળનો ઉપયોગ કરી ચૂકી છે, હવે ‘આઈ.ડી.બી.આઈ.’ જેવી નુકસાન ખાતી બેન્કોને પણ ‘એલ.આઈ.સી.’ને સુપરત કરવા માંગે છે. હવે જોવાનું છે કે ‘એલ.આઈ.સી.’ પર ઊભા થયેલા આ સવાલો ક્યારે નિર્મૂળ થાય છે અને ફરી આમ ન થાય તે માટે તે કયા પગલા લેવામાં આવે છે.

https://opinionmagazine.co.uk/details/5288/lic-surakshaa-baxanaar-surakshit-chhe-?

 

Related posts

ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટી માટે સમય બદલાઈ રહ્યો છે?

admin

મજૂર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં

admin

વૉર ડાયરી : યુદ્ધની અનુભૂતિનો દસ્તાવેજ

admin

Leave a Comment