“અપ્રાસંગિક માહિતીના પૂરમાં ડૂબેલી આ દુનિયામાં સ્પષ્ટતા એક મોટી શક્તિ છે. કોઈ વ્યક્તિ મનુષ્યના ભવિષ્યની ચર્ચામાં ભાગ લઈ શકે છે, પણ તેની માટે સ્પષ્ટ દૃષ્ટિ રાખવી એ પડકાર છે. એવું હંમેશાં જોયું છે કે કોઈ ચર્ચા ચાલતી હોય ત્યારે આપણું ધ્યાન તે તરફ નથી હોતું, અથવા તો આપણે ચર્ચામાં મહત્ત્વનો પ્રશ્ન શો છે તે નથી જાણતા. તે વિશે જાતતપાસ કરવી તે વિલાસ-સમૃદ્ધિ સૌની પાસે હોતી નથી. કારણ કે તેનાથી જરૂરી કામો આપણી પાસે છે, જે આપણે કરવાં પડે છે. આપણે કામ પર જવાનું હોય છે. બાળકોનું પાલન પોષણ કરવાનું હોય છે અથવા તો આપણાં વૃદ્ધ મા-બાપની સારસંભાળ રાખવાની હોય છે. બદકિસ્મતે, ઇતિહાસ કોઈ જ છૂટ આપતું નથી. જો મનુષ્યના ભવિષ્યનો નિર્ણય તમારી ગેરહાજરીમાં થાય છે, તો તેનો અર્થ એ નથી કે તમે તેના પરિણામોથી બચી શકો છો. પછી ભલે તમે એવું કારણ ધરો કે તમે તમારાં બાળકોના પેટ ભરવા કે તેનું શરીર ઢાંકવા અર્થે ખૂબ વ્યસ્ત હતા. આ અન્યાયની વાત છે; પરંતુ કોણ કહે છે કે ઇતિહાસ ન્યાયપૂર્ણ હોય છે?”
જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
યુવાલ નોઆહ હરારીએ અહીં કેટલાંક પ્રશ્નો આપણી સમક્ષ મૂક્યા છે કે, આપણી અંતરદૃષ્ટિ વર્તમાન ઘટનાઓ અને માનવ સમાજોની તત્કાલ મુશ્કેલીઓનો અર્થ સમજવામાં આપણી કેવી રીતે મદદ કરી શકે છે? આ સમયે ખરેખર શું થઈ રહ્યું છે? આપણે કંઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આપણે બાળકોને શું શિખવાડવું જોઈએ? આ સવાલો અગત્યના છે, પણ સમયના વહેણમાં અત્યારે અટકીને વિચારવાનું જૂજ લોકો જ કરે છે. તે વિશે આગળ યુવાલ નોઆહ હરારી કહે છે કે, “નક્કી સાત અરબ લોકો પાસે સાત અરબ એજન્ડા છે. અને જેમ પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારવું એ એક દુર્લભ વિલાસિતા છે. મુંબઈના ચાલીછાપરાંમાં બે બાળકોનું પાલન કરી રહેલી તેમની એકલી માતાનું ધ્યાન આવનારાં જૂન મહિનામાં ભોજનની વ્યવસ્થા કરવામાં લાગેલું છે. ભૂમધ્ય દરિયાની વચ્ચે હોડીમાં સવાર શરણાર્થી જમીનના કોઈ ટુકડાની શોધમાં ક્ષિતિજમાં દૂરસુદૂર જોઈ રહ્યા છે. અને ક્ષમતાથી વધુ ભરાયેલાં લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી રહેલી એક વ્યક્તિ એક વધુ શ્વાસ લેવા માટે પોતાની પાસેની બધી જ શક્તિ લગાવી રહી છે. આ બધાની વચ્ચે પૃથ્વી પર વધી રહેલું તાપમાન અથવા તો ઉદાર લોકશાહીના સંકટની સરખામણીએ ઘણી બધી તત્કાલની સમસ્યાઓ છે.”
યુવાલ હરારી એ બાબતે ખૂબ સ્પષ્ટ છે કે આ સમસ્યાઓનો ઉકેલ તે નહીં આપી શકે બલકે તે એમ કહે છે કે, “હું તેમની પાસેથી શિખવાની આશા રાખું છું.” મતલબ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે ટકે છે તેનું આશ્ચર્ય યુવાલને પણ છે. આ બધી ચર્ચાનો કેન્દ્રબિંદુ યુવાલ હરારીએ આલેખિત કરી આપ્યો છે કે, “આજની દુનિયામાં શું થઈ રહ્યું છે, અને આ ઘટનાઓનો ગર્ભિત અર્થ શો છે?” આ સંલગ્ન તેમણે કેટલાંક વર્તમાન પ્રશ્નોને સામે મૂક્યા છે જેમ કે, “ખોટાં સમાચારોની મહામારીથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? ઉદાર લોકતંત્ર સંકટમાં કેમ છે? એ કંઈ સભ્યતા છે જેની હાલમાં બોલબાલા છે – પશ્ચિમી, ચીની, ઇસ્લામી? શું યુરોપ બહારથી આવનારાં લોકો માટે પોતાના દ્વારા ખુલ્લા રાખવા માંગે છે? આંતકવાદની સમસ્યાને આપણે કેવી રીતે ઉકેલીએ?”
આ બધા પ્રશ્નોનો ઠીકઠીક જવાબ યુવાલ હરારીએ મૂકી આપ્યો છે. તેઓના કથનક આપણી આસપાસ જે ચાલી રહ્યું છે તેનું પરિણામ આપણને દર્શાવી રહ્યા છે. એક સ્થાને તેઓ કહે છે : “વીસમી સદીના અંત વખતે એવું અનુભવ થઈ રહ્યો હતો કે, ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદની વચ્ચે વિચારધારાની લડાઈમાં અંતે ઉદારવાદે જબરજસ્ત જીત મેળવી છે. એવું લાગતું હતું કે, દુનિયાની લોકતાંત્રિક, રાજનીતિ, માનવધિકાર અને મુક્ત બજારમાં મૂડીવાદનો વિજય નિશ્ચિત છે. પરંતુ જેમ થતું આવ્યું છે હવે ઇતિહાસે એક વળાંક લીધો છે અને ફાસીવાદ તથા સામ્યવાદને ધ્વસ્ત કરનાર ઉદારવાદ હવે મુશ્કેલીમાં છે. તો આપણે કંઈ દિશામાં જઈ રહ્યા છે?”
આ પ્રશ્નને ઊંડાણથી સમજવાનો છે અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં યુવાલ તે વિશે લખે છે : “ઉદારવાદ પોતાની વિશ્વસનીયતા એવી વખતે ખોઈ દીધી છે જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીની ક્રાંતિએ આપણી સામે સૌથી મોટા પડકારો ઊભા કર્યા છે. આ પ્રકારના પડકાર મનુષ્ય જીવન સામે ક્યારે ય આવ્યા નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજીનું મિલન ઝડપથી અરબો મનુષ્યોના રોજગાર છીનવી લેશે અને સ્વતંત્રતા, સમાનતાને આપણાથી દૂર હડસેલી જશે. બિગ ડેટા એલ્ગોરિથમ એક એવી ડિજિટલ સરમુખત્યારશાહીની રચના કરી શકે છે, જેમાં તમામ શક્તિ નાનકડાં સમૃદ્ધ વર્ગ પાસે હશે. તે વેળાએ આ લોકો શોષણના નહીં, બલકે તેનાથી પણ ખરાબ બાબત અપ્રાંસગિકતાનો શિકાર બનશે.”
આ રીતે યુવાલ હરારીએ 21મી સદીના શિખમાં કામ, આઝાદી, સમાનતા, સમુદાય, સભ્યતા, રાષ્ટ્રવાદ, ધર્મ, આંતકવાદ, યુદ્ધ, ઈશ્વર, ધર્મનિરપેક્ષતા, ન્યાય, સત્ય અને શિક્ષણ જેવી ગંભીર બાબતો ઉમેરી છે. આ તમામ મુદ્દા એવા છે જેની સ્પષ્ટ સમજ આપણી સમક્ષ મૂકાતી નથી અને ખાસ તો એવું વાતાવરણ બનાવી રાખવામાં આવે છે કે બહુમતિ લોકો આ બધા જ મુદ્દા પર અટવાયેલાં રહે અને તેનાથી રાજકીય ઉદ્દેશ હાંસલ કરી શકાય.
આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.
https://opinionmagazine.co.uk/details/8418/ekveesamee-sadeemaam-astitva-takaavavaanaa-bodhpaath-%E2%80%A6