યુદ્ધની ભયાનકતા કોઈને સમજાવી પડે તેમ નથી. અત્યારે જે રીતે યુદ્ધનું રિપોર્ટીંગ થઈ રહ્યું છે તેથી તેની ભયાનકતા આપણી સૌની સામે છે. યુદ્ધ જ્યારે થાય છે ત્યારે પૂરા દેશના લોકો પર તેનો ભય તોળાય છે અને તેનું નુકસાન માપી શકાય એવું હોતું નથી. કેટલાક કિસ્સામાં તો તે ભરપાઈ પણ નથી થઈ શકતું, જેવું હિરોશીમા અને નાગાસાકીના કિસ્સામાં થયું છે. અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાક જેવા દેશો પણ તેની અસરથી પૂરેપૂરા મુક્ત થઈ શક્યા નથી. યુદ્ધ સ્થાયી નુકસાન પહોંચાડે છે અને તે નુકસાન અતિ સમૃદ્ધ દેશો પણ ખમી શકતા નથી. અમેરિકા અને રશિયા જેવા સુપરપાવર કહેવાતા દેશો પણ નહીં. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી જે રીતે વિશ્વએ તેની ખુંવારી જોઈ છે તે પછી કોઈ જ તે તરફ આગળ વધવાનું પસંદ કરતું નથી. પરંતુ વિશ્વયુદ્ધના પછી ય કેટલીક વખત એવી સ્થિતિ નિર્માઈ છે જ્યારે યુદ્ધ થયાં છે. અને તેનું નુકસાન ભોગવવું પડ્યું છે, વિશેષ કરીને પ્રજાને. યુદ્ધ સમસ્યાનો ઉકેલ નથી, તેથી અંતે તેમાં વાતચીત અને સમાધાન તરફ આગળ વધવું પડે છે. હાલમાં રશિયા અને યુક્રેન પણ સંવાદની પ્રક્રિયામાં આગળ વધશે તેવી ખબરો આવી રહી છે. યુદ્ધની નિરર્થકતા વિશે અનેક શાણા લોકોએ લખ્યું છે, કેટલાકે તો આજીવન તેના વિરુદ્ધમાં પ્રચાર કર્યો છે. ઘણા તો યુદ્ધભૂમિમાં લડ્યા પછી યુદ્ધના વિરોધી બન્યા.
ખૂબ જાણીતા મનોચિકિત્સક સિગમંડ ફ્રોઇડ પણ યુદ્ધવિરોધી હતા અને તેમણે આ વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક પત્ર લખ્યો છે, જે જાણીતો છે; જેમાં યુદ્ધ શા માટે? તેવો પ્રશ્ન ઊભો કરીને તેની ભયાનકતા તેમાં આલેખી હતી. આ પત્ર ‘વિશ્વમાનવ’ સામયિકમાં, 1959ના નવેમ્બરના અંકમાં, પ્રકાશિત થયો છે. તેમાં સિગમંડ ફ્રોઈડ આઇનસ્ટાઇનને લખે છે : “આજની દુનિયામાં ન્યાય એ પશુબળના પાયા પર ઊભેલો છે, ને હિંસા દ્વારા જ નિભાવાઈ રહ્યો છે, એ સત્ય જો ભૂલી જઈશું તો આપણે આપણા તર્કમાં એક પગથિયું ચૂકી ગયા એમ ગણાશે.” સિગમંડ ફ્રોઇડે યુદ્ધનો પ્રશ્ન રાજકીય ગણાવ્યો છે, પણ તેમણે આ પત્રમાં માનવજાતના ચાહક તરીકે આઇનસ્ટાઇનને જવાબ આપ્યો છે. તેઓ લખે છે : “પ્રત્યેક માણસને યુદ્ધની મહામારીનો ચેપ આટલી સહેલાઈથી શી રીતે લગાડી શકાતો હશે? ને તમને લાગે છે કે, માણસ આવા ચેપનો આટલા જલદી ભોગ થઈ પડે છે, તેનું કારણ એ હોવું જોઈએ કે એનામાં સ્વયંસ્ફૂર્ત એવી ધિક્કાર અને ક્રૂરતાની વૃત્તિ પડેલી હોવી જોઈએ. જે તક મળતાં જ વિફરી ઊઠે છે.” સિગમંડ ફ્રોઇડ મનોચિકિત્સક છે અને તે માણસનું દિમાગ અન્ય કરતાં સારી રીતે પારખે છે તેથી તેઓ એવું સ્વીકારે છે કે “માણસજાતમાં રહેલી આ આક્રમક વૃત્તિઓને આપણે કોઈ રીતે કચડી નાખી શકવાના નથી. માણસની આક્રમક વૃત્તિઓને કચડી નાખવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આપણે જો કંઈ કરવા વિચારવાનું હોય તો તે એટલું જ કે, એની એ વૃત્તિઓને યુદ્ધ સિવાયના બીજા માર્ગોએ વાળવી શી રીતે?”
તે પછી ફ્રોઇડે તેને લગતા ઉકેલ આપ્યા છે. જેમ કે તેમણે કહ્યું છે કે, “જો આક્રમક ને વિનાશ કરવાની વૃત્તિ માણસને યુદ્ધ તરફ ધકેલી લઈ જતી હોય, તો એની સામા છેડાની વૃત્તિને – અર્થાત્ સર્જનની વૃત્તિને આપણે હાથમાં લેવી જોઈએ.” તે પછી ફ્રોઇડે સત્તાના દુરોપયોગ ન થાય, સ્વતંત્ર વિચાર કરી શકતાં હોય તેવું મોકળું મેદાન મળે તેવી તરફેણ કરી છે. પણ અંતે તેઓ આ સિવાયના કોઈ ઝડપી માર્ગ નથી તેમ કહે છે. જો કે તેમને યુદ્ધની આ વાસ્તવિકતા ખબર હોવા છતાં તેઓ યુદ્ધનો વિરોધ ઉગ્ર રીતે પ્રગટ કરતા હતા. તે વિશે લખતાં તેઓ કહે છે : “આપણા જીવનની બીજી અનેક ઘૃણાજનક વાસ્તવિકતાઓનો આપણે મૂંગા મૂંગા સ્વીકારી લઈએ છીએ, તેમ આનો ય સ્વીકાર કેમ નથી કરી લેતા? એ રીતે જોવા જઈએ તો આ પણ એક કુદરતી વૃત્તિઓનું, જીવશાસ્ત્રના નક્કર પાયા પર ઊભેલી ને લગભગ અનિવાર્ય એવી વૃત્તિઓનું જ પરિણામ છે.”
આ પ્રશ્નનો ઉત્તર વાળતાં ફ્રોઇડ આઇનસ્ટાઇનને લખે છે : “પ્રત્યેક મનુષ્યને પોતાની જિંદગી ઉપર પૂરેપૂરો અધિકાર છે. પરંતુ આ યુદ્ધો અનેક ઉજળાં ભાવિની આશા આપતી જિંદગીઓનો નાશ કરે છે, એટલા માટે આપણે એને ધિક્કારીએ છીએ. કારણ કે યુદ્ધ વ્યક્તિને એની મરજી વિરુદ્ધ એવી શરમભરી પરિસ્થિતિમાં જોતરી દે છે, કે જેમાં એની માનવતા રોળાઈ જાય છે, માણસે એના પુરુષાર્થમાંથી નીપજાવેલાં ફળસમાન ભૌતિક સુખસાધન, સગવડોનો ને એથીયે અદકેરી બીજી અનેક વસ્તુઓનો એ નાશ કરે છે. તેથી આપણે એને ધિક્કારીએ છીએ.” યુક્રેનમાંથી આવી રહેલી તસવીર-વીડિયો ફ્રોઇડની આ વાતનો પુરાવો આપે છે. યુદ્ધની આવી અનેક સ્મૃતિઓ આજે પણ માનવજાતને ડરાવી મૂકે છે, પરંતુ જેમ બીજા વિશ્વયુદ્ધમાં એક માત્ર હિટલરથી કરોડો માણસની ખુંવારી થઈ હતી, તે જ રીતે અત્યારે માત્ર પુતિનના એક નિર્ણયથી વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જન્મ્યું છે.
વર્તમાન યુદ્ધો કેવી રીતે થાય છે તે વિશે પણ ફ્રોઇડ લખે છે : “જે રીતે આજે યુદ્ધો સંચાલિત થતાં હોય છે, એમાં હવે આપણા પુરાણા આદર્શ મુજબ વીરતા કે શૌર્યનું ક્યાં ય કશું સ્થાન રહ્યું નથી. ને આપણા આધુનિક શસ્ત્રોને જેમ જેમ પાણી ચઢતાં જશે, ને એની પૂર્ણતા હાંસલ થતી જશે, તેમ તેમ એમાંથી બંને પક્ષેથી યુદ્ધમાં ઉતારનારાઓ ને કદાચ નહીં ઉતરનારાઓ પણ સમૂળો વિનાશ જ પરિણમવાનો છે.”
એ રીતે જાણીતાં શિક્ષણવિદ્ અને સાહિત્યકાર રસેલ બર્નાન્ડે પણ યુદ્ધવિરોધી જાગૃતિ લાવવા ખાસ્સા પ્રયાસ કર્યા હતા. સાહિત્યમાં નોબલ સન્માન મેળવનારા રસેલે હિટલર સામે જંગ છેડવાનું અનિવાર્ય લાગ્યું હતું. તેમને લાગતું હતું કે હિટલર જેવાને ડામવા ભલે યુદ્ધ કરવું પડે. જો કે તેઓ પૂરું જીવન યુદ્ધવિરોધી રહ્યા. તેઓ હિટલરના, સ્ટાલિનવાદના વિરોધી રહ્યા, જેમાં સામ્રાજ્ય ફેલાવવાનો મુખ્ય ધ્યેય હતો. આ ઉપરાંત તેઓ વિયેતનામ યુદ્ધને લઈને અમેરિકાના વિરોધી પણ રહ્યા. વિશ્વમાંથી અણુશસ્ત્રો નાબૂદ થવા જોઈએ તે માટે તેમણે આંદોલન ચલાવ્યું હતું. 1945ના વર્ષમાં તેમણે ‘ધ બોમ્બ એન્ડ સિવિલાઇઝેન’ નામનો એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે પરમાણુ બોમ્બની ઘાતકતા વિશે વિગતે ચર્ચા કરી છે. પરમાણુ બોમ્બમાં વપરાતાં યુરેનિયમ વિશે તેઓ લખે છે : “યુરેનિયમ એકાએક ખૂબ જ કિંમતી પદાર્થ બની ચૂક્યો છે. અને હવે દેશો ઓઇલના બદલામાં યુરેનિયમ વિશે લડતાં પણ દેખાશે. હવે પછીના યુદ્ધમાં જો પરમાણુ બોમ્બ બંને પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાશે તો તમામ મોટાં શહેરો નેસ્તનાબૂદ થશે, અને એ રીતે જ તમામ વૈજ્ઞાનિક લેબોરેટરીઝ અને સરકારી કેન્દ્રો પણ ધ્વસ્ત થશે. સમૂહમાં રહેતી પ્રજા વેરવિખેર થશે, અને ફરી પાછાં આપણે પાષાણ યુગમાં પાછા ધકેલાશું, જ્યાં કોઈ પણ એટોમિક બોમ્બ બનાવવાની નિપુણતા નહીં ધરાવતા હોઈએ.” ટૂંકમાં રસેલ પરમાણુ બોમ્બથી શું નુકસાન થઈ શકે છે તેનું ચિત્ર આ લેખમાં બતાવ્યું છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સૈનિક તરીકે હિસ્સો હેન્રી પેચનું એક કોટ અત્યારે વાઇરલ થયું છે. તેઓ કહે છે કે, “યુદ્ધ એ સામૂહિક હત્યા છે, તે સિવાય બીજું કશું નહીં.” આ રીતે યુદ્ધની નિરર્થકતા અનેક સૈનિકોએ પણ અનુભવી છે. 2004માં એક કાર્યક્રમમાં હેન્રી પેચે કહ્યું હતું કે, “યુદ્ધનો અંત આવ્યો ત્યારે મને ખ્યાલ ન આવ્યો કે અમે વિજયી થયા એટલે હું નિરાંતમાં હતો કે પછી હવે મારે પાછું યુદ્ધભૂમિ પર નથી જવું તે કારણે. પાશ્ચેન્ડેલમાં ભીષણ યુદ્ધ થયું હતું. હજારો યુવાનોને મેં મોતને ભેટેલા જોયા. આ બધાથી હું ખૂબ ગુસ્સે થયો. હું ત્યારે જર્મનીના એક સૈનિક સાથે હાથ મીલાવવા ગયો. આ મારી લાગણી છે. અત્યારે તે જર્મન સૈનિક ચાર્લ્સ કુએન્ડઝ 107 વર્ષના છે અને આજે યુદ્ધ વિશે વિચારીએ ત્યારે યુદ્ધનો અર્થ અમે જાણીએ છીએ. મારા માટે, તે એક પરવાનો છે જેનાથી હત્યાઓ કરી શકાય. કેમ મને બ્રિટિશ સરકાર બોલાવીને એવી યુદ્ધભૂમિમાં લડવા માટે મોકલે છે અને એવા વ્યક્તિને મારવાનું કહે છે જેને હું ક્યારે ય મળ્યો નથી, હું તેને જાણતો નથી, હું તેની ભાષા જાણતો નથી. આ બધા જ પોતાનું જીવન હોમી દે છે અને પછી યુદ્ધનો અંત ટેબલ પર આવે છે. અને આ બધાનો મતલબ શું છે?” બેશક એક સૈનિકને યુદ્ધની નિરર્થકતા અલગ કારણસર લાગતી હશે, પણ તે નિરર્થક છે તેટલું ચોક્કસ.
https://opinionmagazine.co.uk/details/8211/aa-jaaneetee-kasteeo-kem-yuddhavirodhee-hatee-?