December 24, 2024
Jain World News
Column

કોરોનાના મોતના આંકડા છૂપાવવાની કવાયત

કોરોનાના સંક્રમિતોની સંખ્યા બત્રીસ લાખની નજીક પહોંચી ચૂકી છે અને મૃત્યુઆંક બે લાખ વીસ હજારની નજીક. સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક એટલી ઝડપથી વધી રહ્યો છે કે તેની સત્યતા જાળવી રાખવાનું ‘વર્લ્ડ હેલ્થ ઓર્નેનાઇઝેશન’ કે ‘વર્લ્ડોમીટર’ જેવાં પ્લેટફોર્મને પણ મુશ્કેલ લાગી રહ્યું છે. દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી ચૂકેલી આ મહામારીને ટ્રેક કરવી અને તેનો ડેટાબેઝ જાળવવો એ પડકાર છે. તો અત્યારે કોરોના સંક્રમિતો-મૃત્યુના આંકડા આવી રહ્યાં છે તે સાચા આંકડાથી કેટલા નજીકના હોઈ શકે? જુદા જુદા દેશોમાં થયેલા અભ્યાસ મુજબ આપવામાં આવતા અને સાચા આંકડામાં મસમોટો ફેર છે. અને તેમાં પણ કોરોનાના મૃત્યુઆંકને લઈને ખૂબ મોટી ઘાલમેલ થઈ રહી છે. ચીને તો તે સ્વિકાર્યું પણ ખરું. ચીને અગાઉ મૃત્યુઆંક 3,869 બતાવ્યો હતો જે પાછળથી સુધારીને 4,632 કર્યો. હવે યુનાઇટેડ કિંગ્ડમે એ પ્રમાણે મૃત્યુઆંક વધારીને રજૂ કર્યો છે. ચીન, યુ.કે.ની જેમ અમેરિકાના મૃત્યુઆંકને લઈને સવાલ ઊઠી રહ્યાં છે.

અમેરિકા, રશિયા, ચીન અને યુ.કે. જેવા દેશો પોતાની પ્રતિષ્ઠા ખાતર મૃત્યુઆંકને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા ચીન પર આજે પણ આરોપ લગાવી રહ્યું છે કે ચીનમાં ખુંવારી દર્શાવ્યા કરતાં વધુ થઈ છે. પરંતુ ચીન પર આરોપ લગાવનારું અમેરિકાના જ હવે ખાટલે ખોડ છે. જુદા જુદા મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં આવી રહેલા કોરોનાના મૃત્યુઆંક કરતાં સાઠ ટકા વધુ થયા છે!
આવું કેવી રીતે બની શકે? નિષ્ણાતોનું માનવું છે કે કોરોના મહામારી જાહેર થઈ તે અગાઉ અનેક લોકો કોરોના શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યાં, પરંતુ તેઓના મોતનું કારણ કોરોનાને ગણવામાં ન આવ્યું. ઉપરાંત, ઘણાં લોકોના ટેસ્ટિંગ થયા પૂર્વે અથવા તો તેમના ટેસ્ટિંગ રિપોર્ટ આવવાના બાકી હતા તે દરમિયાન મૃત્યુ પામ્યાં. અત્યારે મેડિકલી કટોકટી છે તેથી મૃતદેહોનું પોર્સ્ટમોર્ટમ થઈ શકતું નથી. યુ.કે.માં કોરોનાનો મૃત્યુઆંક વીસ હજારને આંબી ચૂક્યો છે, ત્યારે આ આંકડો બમણો હોવાનું ઠોસપણે કહેવાઈ રહ્યું છે. યુ.કે. અને અન્ય યુરોપના દેશોમાં કોરોનાનો મૃત્યુઆંક જંગી લાગી રહ્યો છે, પરંતુ ખરો મૃત્યુઆંક તેનાથી પણ વધુ છે. જેમ કે, યુરોપના દેશોના છેલ્લાં વીસ વર્ષના સરેરાશ મૃત્યુઆંકને જાન્યુઆરીથી એપ્રિલ સુધી સરખાવીએ તો તેમાં મૃત્યુઆંકનો ગ્રાફ કોરોનાથી દર્જ થયેલી મોત કરતાં ઘણો ઊંચો છે. મતલબ કે જેઓ સંક્રમિત થયાં હોય ને ઘરે જ સારવાર લેતાં હતા તેમના મૃત્યુને કોરોનાથી થયેલું ગણવામાં આવ્યું નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ સ્પિગહોલ્ટરએ કહ્યું છે કે, યુ.કે.માં માત્ર હોસ્પિટલમાં થયેલાં કોરોનાના મૃત્યુને જ ગણવામાં આવી રહ્યાં છે!

ઇરાન, રશિયા અને ચીન પર કોરોનાના મૃત્યુને લઈને ઘાલમેલનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ અમેરિકા અને યુરોપના દેશોના ડેટા જોઈએ તો તેમાં સ્પષ્ટ થાય કે આ દેશોમાં પણ હજારોની સંખ્યામાં થયેલાં મૃત્યુનું કારણ કોરોનાને દર્શાવવામાં આવ્યું નથી.
આપણા દેશમાં પણ સંક્રમિત-મૃત્યુનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મુંબઈ, અમદાવાદ, સૂરત અને ઇન્દોર જેવાં શહેરોમાં ગીચ વિસ્તારમાં કોરોના પ્રવેશ્યો છે ત્યારે તે વિસ્તારમાં તમામનું ટેસ્ટિંગ-ટ્રેકિંગ કરવું મુશ્કેલ છે. ઉપરાંત, હવે આપણે ત્યાં લક્ષણો ન હોય તેવાં લોકોનું ટેસ્ટિંગ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં દેખીતી રીતે સંક્રમિતોની સંખ્યા ઓછી આવે અને કોઈ મૃત્યુ પામે તો તેનું પોસ્ટમોર્ટમ ન થાય તો તેને સામાન્ય મૃત્યુ ગણવામાં આવે. ઉપરાંત, કેટલાંક કિસ્સામાં જેઓ લક્ષણોવાળા છે અને તેઓને સારવાર ન મળે અને ઘરે જ મૃત્યુ પામે તો કોરોનાગ્રસ્ત હોવા છતાં તેઓના મોતનું કારણ કોરોનાને ગણવામાં આવતું નથી. અમદાવાદમાં હાલમાં જ બનેલા એક કિસ્સામાં જુહાપુરા સ્થિત ડોક્ટરને એમ થયું કે તેઓને કોરોનાના લક્ષણો છે. તેઓએ હેલ્પલાઈન પર મદદ માંગી. ન મળી અને બીજા દિવસે તેઓ મૃત્યુ પામ્યા. આ ડોક્ટરના મૃત્યુનું કારણ કોરોના દર્શાવવામાં આવ્યું નથી. જો અમદાવાદમાં આમ થતું હોય તો દેશના મોટા શહેરોથી દૂર ટાઉન – ગામોમાં આ રીતે કોરોનાથી થતાં મોતને કોણ નોંધાશે કે કેમ તે સવાલ છે. આ સિવાય ડેટાબેઝની રીતે પણ ભારત ગરીબ છે. સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં ન નોંધાયેલા મૃત્યુઆંક મોટો હોય છે, તો પછી કોરોનાથી થયેલાં મૃત્યુ પણ ન નોંધાય તેવું બને. એટલે મૃત્યુઆંક અને સંક્રમિતોની સંખ્યા આપણે ત્યાં ઓછી છે તેનાથી હરખાવા જેવું જરા ય નથી.
સામાન્ય કરતાં વધુ મોતના આંકડાનો અંદાજ (માર્ચ, 2020થી એપ્રિલ, 2020)

https://opinionmagazine.co.uk/details/5575/coronanaa-motanaa-aankadaa-chhoopaavavaanee-kavaayat

Related posts

બહેનોનાં આ ન્યૂઝ પોર્ટલની ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી છે

admin

ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અવસર જોવાનો ‘ખેલ’

admin

આ જાણીતી હસ્તીઓ કેમ યુદ્ધવિરોધી હતી?

admin

Leave a Comment