પંચપરમેષ્ઠી નમસ્કાર કરવાનું સૂત્ર એટલે નવકારમંત્ર. આમ નવકારમંત્રને નમસ્કારમંત્ર પણ કહેવામાં આવે છે. એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠી છે.
અરિહંત :
અરિહંત એ પહેલા પરમેષ્ઠી છે. અરિહંત એટલે જે દેવોની પણ પૂજાને યોગ્ય છે, એ અરિહંત 18 દોષના ત્યાગી અને 12 ગુણોથી ગુણવંતા છે. આમ અરિહંતના 18 દોષના ત્યાગી હોય તે અઢ્ઢાર દોષની જાણકારી મેળવીએ. આ અઢ્ઢાર દોષમાં અંતરાય કર્મના નાશથી અજ્ઞાન, નિંદ્રા અને દાનાદિ પાંચના અંતરાય એટલે 7 દોષ અને મોહનીય કર્મના નાશથી 11 દોષનો સમાવેશ થાય છે. જેમાં મિથ્યાત્વ, રાગ, દ્વેષ અવિરતિ, કામ, હાસ્ય, શોક , હર્ષ ઉદ્વેગ, ભય અને જુગુપ્સા આવે છે. આમ અંતરાય કર્મના નાશથી 7 દોષ અને મોહનીય કર્મના નાષથી 11 દોષનો સમાવેશ થતા અરિહંત કુલ 18 દોષના ત્યાગી હતા. તેથી એ વીતરાગ બન્યા છે.
હવે આગળ વાત કરીએ અરિહંતના 12 ગુણોની. અરિહંતમાં 34 અતિશયો એટલે કે, પરમેશ્વરતાની વિશિષ્ટતાઓ છે. જેમાં 4 મુખ્ય અતિશય અને 8 પ્રાતિહાર્યરૂપ અતિશય મળીને કુલ 12 ગુણો અરિહંતના છે.
સિદ્ધ :
સિદ્ધ બીજા પરમેષ્ઠી છે. સિદ્ધ એટલે કર્મથી મુક્ત, સંસારથી મુક્ત શુદ્ર આત્મા. અરિહંત ન થઈ શકે એવા આત્મા પણ અરિહંતના ઉપદેશાનુસાર મોક્ષમાર્ગની સાધના કરી આઠેય કર્મોનો નાશ કરીને મોક્ષ પામે છે. એ પછી તે તદ્દન શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સ્થિતિ પ્રાપ્ત કરીને લોકના મથાળે સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થિર થાય છે. એમને સિદ્ધ પરમાત્મા કહે છે.
આચાર્ય :
આચાર્ય ત્રીજા પરમેષ્ઠી છે. એ અરિહંત પ્રભુની ગેરહાજરીમાં સાધુ, સાધવી, શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘના અગ્રણી હોય છે. એ ઘરવાસ અને સંસારની મોહમાયાના સર્વબંધન ત્યજી દઈ મુનિ બનીને અરિહંતે કહેલા મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા હોય છે. તથા જિનાગમોનું અધ્યયન કરવાપૂર્વક એ વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરી ગુરૂ પાસેથી આચાર્યપદ પામેલા હોય છે.
ઉપાધ્યાય :
ઉપાધ્યાય એ ચોથા પરમેષ્ઠી છે. એ પણ મુનિ બનેલા હોય છે અને જિનાગમનો અભ્યાસ કરી ગુરૂ પાસેથી ઉપાધ્યાય પદ પામેલા હોય છે. રાજા તુલ્ય આચાર્યના એ મંત્રી જેવા બની મુનિઓને જિનાગમ(સૂત્ર)નું અધ્યયન કરાવે છે. એમનામાં આચારાંગાદિ 11 અંગ + 12 ઉપાંગ તથા નંદિસૂત્ર, અનુયાગદ્વાર 11 અંગ + 14 પૂર્વ એમ પણ થાય = 25નું પઠન-પાઠન હોવાથી 25 ગુણ કહેવાય છે.
સાધુ :
સાધુ એ પાંચમા પરમેષ્ઠી છે. એમણે મોહમાયાભર્યા સંસારનો ત્યાગ કરી જીવનભર માટે અહિંસાદિ મહાવ્રતો સ્વીકારેલ હોય છે. અને એ પવિત્ર પંચાચારનું પાલન કરે છે. એ પાલનમાં ઉપયોગી શરીરનો ટકાવ માધુકરી ભિક્ષાથી કરે છે. તે પણ સાધુ માટે નહિ બનાવેલ, નહિ ખરીદેસ નિર્દોષ આહાર જ ગ્રહણ કરે છે. એમાં પણ દાતાર ભિક્ષા દેતાં પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરેને સાક્ષાત કે પરંપરાએ પણ મુદ્દલ અડેલ ન હોય તો જ એની પાસેથી ભિક્ષા લેવાની વગેરે નિયમો સાચવે છે.
આમ ઉપર પ્રમાણેના આ પાંચ પરમેષ્ઠી પૈકી દરેક પરમેષ્ઠી એટલા બધા પવિત્ર અને પ્રભાવશાળી છે કે એમના વારંવાર સ્મરણ અને વારંવાર નમસ્કારથી વિધ્નો દૂર થાય છે. મહામંગળ થાય છે. તથા ચિત્તને અનુપમ સ્વસ્થતા તૃપ્તિ અને આધ્યાત્મિક બળ મળે છે.